હસતા રહીએ…

જીવનકલહ છે દુષ્કર, પણ હસતા રહીએ.

સમસ્યાઓ છે અનેક, પણ હસતા રહીએ.

 

સમજશે નહિ કોઈ તમને, હસતા રહીએ,

સાંભળશે નહિ કોઈ તમને, હસતા રહીએ.

 

લેશે નહિ કાળજી તમારી, હસતા રહીએ,

જાતે સુધારો બાજી તમારી, હસતા રહીએ.

 

સુખમાં આવશે ઘણા, પણ હસતા રહીએ,

દુઃખમાં કોઈ નહિ આવે પાસ, હસતા રહીએ.

 

ફરિયાદ કરવાનો નથી ફાયદો, હસતા રહીએ.

ફરી ફરીને યાદ કરો – જીવનમાં હસતા રહીએ.

 

 

. – જયેશ નીલમ શાહ      (રચના તા . ૨/૭/૨૦૧૮, સુરત)

Advertisements

ચાડીકો

જોયા મેં ચાડીકોને ખેતરમાં ઉભેલા,

ડરી એનાથી અનેક વિહંગ દુર રહેલા.

 

ભૂખ્યા વિહંગ થોડું ચણવા માંગતા હતા,

ભાગ્યા જોઇને પેલા ચાડીકોની નિ:સ્નેહતા.

 

હતો આકાર માનવી જેવો, પણ હતો જડ,

પવનથી ઝૂલતું એનું વસ્ત્ર, લાગતો સજડ.

 

હતી માનવીની એ ચાલાકી, કેમ સમજે વિહંગ ભોળું?

કપટી માનવીને ના સમજી શક્યું એ વિહંગ વીસરભોળું.

 

રહ્યા વિહંગ અને બાળ બિચારા એના ભૂખ્યા એ રોજ,

નાંખ ચણ ધાબા પર રોજ , ના રહે વિહંગ ભૂખ્યા રોજ.

 

– જયેશ નીલમ શાહ        (રચના તા . ૧/૭/૨૦૧૮, સુરત)

એક-બીજાને ગમતા રહીએ….

ચાલો નક્કી કરીએ, એક-બીજાને ગમતા રહીએ,

રોજ નહિ તો, મહીને-દિવસે એક-બીજાને મળતા રહીએ.

 

મળીને એક-બીજાને, થોડી ફરિયાદો કરતા રહીએ,

થાય મીઠા ઝગડા તો પણ થોડા દિવસે કરતા રહીએ.

 

સાંભળી એક-બીજાને, પ્રયત્ન સમજવાનો કરતા રહીએ,

ના સમજાય તર્ક બીજાનો તો પણ વિશ્વાસ કરતા રહીએ.

 

કટુ-વચન ક્યારેય એક-બીજાને ના કહેતા રહીએ,

સત્ય સમજાવવા મૃદુ-ભાષામાં વાત કરતા રહીએ.

 

નારાજ થયેલા આપણા પોતાનાને મનાવતા રહીએ,

આવો, જીવનનો નવો અધ્યાય રોજ શીખતા રહીએ.

 

ચાલો, મળીને રોજે-રોજ એક-બીજાને ગમતા રહીએ,

ચાલો, જોઇને રોજે-રોજ એક-બીજાને ગમતા રહીએ….

 

– જયેશ નીલમ શાહ        (રચના તા . ૭/૫/૨૦૧૮, સુરત)

ખબર નથી….

હું છું ભણેલો અભણ,

મને ભણેલો ના ગણ.

 

વહેવારની નથી જાણ,

કે તહેવારની નથી જાણ.

 

સમાજથી પણ છું અજાણ,

ને સમસ્યાઓથી છું અજાણ.

 

નથી મારી આગવી પિછાન,

કરવી છે મારે જાણપિછાણ.

 

લાગે છે શરમ કહેતા તું ગમે છે,

જોઈ મને નજર બદલી તું રમે છે.

 

ખબર નથી સાચી, શું ગમે છે મને,

તું કે તારું રૂપ, ખબર નથી મને…

 

– જયેશ નીલમ શાહ        (રચના તા . ૬/૫/૨૦૧૮, સુરત)

માં

માં મારી મરી ગઈ, મમતા સાથે લઇ ગઈ

છોડી મુજને નિસહાય એ એકલી ચાલી ગઈ.

 

સંસ્કારનું સિંચન કરનાર માળી ગયો એકલો,

ઝઝૂમવા અસંસ્કારીઓ સામે મૂકી મને એકલો.

 

યાદ કરું એ વિધવાએ કેવી રીતે કર્યો મોટો,

જગતમાં કોઈ દેવ નથી “મારી માં” થી મોટો.

 

કહેતી હંમેશ એ સિંચન કરો પ્રેમ, કરુણા ને સંસ્કાર,

ઉતારી જીવનમાં એની શીખ, પામ્યો હું સુ-સંસ્કાર.

 

માં, તું નથી મેં ગુમાવ્યો એક સાથી, એક માર્ગદર્શક,

કેમ, સ્થાન તુજનું પુરવા નહી  છોડ્યા તેં પથદર્શક?

 

જાણું છું કે આ દુનિયામાં કોઈ નથી સ્થાન લેનાર તારું માં

અરે! ભગવાને પણ આવવા આ દુનિયામાં જોઈએ એક માં.

 

જયેશ નીલમ શાહ

સુરત

તા – ૮/૩/૨૦૧૭

(બહેન રોશનીએ માં અંગે એક વોટ્સએપ પોસ્ટ મોકલી એ સંદર્ભે મેં રચેલી કૃતિ)

માં

માં મારી મરી ગઈ, મમતા સાથે લઇ ગઈ

છોડી મુજને નિસહાય એ એકલી ચાલી ગઈ.

 

સંસ્કારનું સિંચન કરનાર માળી ગયો એકલો,

ઝઝૂમવા અસંસ્કારીઓ સામે મૂકી મને એકલો.

 

યાદ કરું એ વિધવાએ કેવી રીતે કર્યો મોટો,

જગતમાં કોઈ દેવ નથી “મારી માં” થી મોટો.

 

કહેતી હંમેશ એ સિંચન કરો પ્રેમ, કરુણા ને સંસ્કાર,

ઉતારી જીવનમાં એની શીખ, પામ્યો હું સુ-સંસ્કાર.

 

માં, તું નથી મેં ગુમાવ્યો એક સાથી, એક માર્ગદર્શક,

કેમ, સ્થાન તુજનું પુરવા નહી  છોડ્યા તેં પથદર્શક?

 

જાણું છું કે આ દુનિયામાં કોઈ નથી સ્થાન લેનાર તારું માં

અરે! ભગવાને પણ આવવા આ દુનિયામાં જોઈએ એક માં.

 

જયેશ નીલમ શાહ

સુરત

તા – ૮/૩/૨૦૧૭

(બહેન રોશનીએ માં અંગે એક વોટ્સએપ પોસ્ટ મોકલી એ સંદર્ભે મેં રચેલી કૃતિ)

સુધાધવલ

Jayesh Passport
લેખક: જયેશ નીલમ શાહ

વહેલી સવારે પૂર્વાકાશમાં સૂર્યનો ઉદય થઇ રહ્યો હતો. સૂર્યના કોમળ સોનેરી કિરણોમાં સ્નાન કરી રહેલા શ્વેત-વસ્ત્રધારી સાધ્વી જયજયવંતી, ધર્માલયમાં, ઊનથી બનેલ શ્વેત-આસન ઉપર બિરાજમાન હતા અને શાંતિથી વાંચન કરી રહ્યા હતા. આ નગરના ધર્માલયમાં સાધ્વી અને એમની  પાંચ શિષ્યાની ચોમાસા દરમિયાન સ્થિરતા હતી. ચોમાસા સિવાયના દિવસોમાં સાધ્વીઓ આત્મકલ્યાણ અર્થે અને ધર્મપ્રસાર માટે સમુહમાં એક સ્થળેથી બીજા સ્થળે સતત વિહાર કરતા.

શ્વેત-વસ્ત્રપરિધાન કરેલ સાધ્વી જયજયવંતી અતિ સુંદર દેખાતા હતા. ગતિ ગજરાજા જેવી મંથર,  હ્રદય ગગન જેવું વિશાળ, કાયા કંચન-વર્ણી, સુંદર વાણી, માથે મુંડન, અણીદાર  નાક,  રૂપાળું વદન,  અને વેધક આંખો. સુપુષ્ટ શરીર છતાં નાજુક નમણી કાયા. ચશ્માંની સોનેરી ફ્રેમ એમની સુંદરતા વધારી રહી હતી. કુદરતે સાધ્વી ને ખુબ ઘાટીલા, તંદુરસ્ત  અને અતિ-સુંદર બનાવેલા હતા. સાધ્વી જાતેપોતે અનુસ્નાતક (post-graduate) થયા હતા. ઉમર હશે પિસ્તાળીસ પચાસ વર્ષ જેટલી, પણ અઠ્ઠાવીસ ત્રીસ વર્ષના હોય એમ લાગે! સંમોહક રૂપ હતું. બુદ્ધિ અને રૂપનો અજોડ સંગમ એટલે સાધ્વી જયજયવંતી.

ફક્ત સાધ્વી જયજયવંતી જ નહિ,  એમની દરેક ચેલીમાં બુદ્ધિ અને રૂપનો અનુપમ સંગમ હતો. એમની દરેક શ્વેત-વસ્ત્રધારી સ્વરૂપવાન ચેલી સ્નાતક (graduate) હતી.

ધર્માલયમાં પ્રવેશવા અને બહાર નીકળવા ફક્ત એક જ મુખ્ય દ્વાર હતું. ધર્માલયથી થોડે દુર મંદિર આવેલું હતું. મંદિરની ડાબી બાજુએ, થોડે દૂર, યાત્રિકો માટે રહેવાની વ્યવસ્થા હતી. મંદિર, યાત્રિક ભવન અને ધર્માલય એક જ સંકુલમાં હતા. સંકુલમાં પ્રવેશવા ફક્ત એક જ મુખ્ય દ્વાર હતું અને ચારે બાજુએ મોટી બાઉન્ડ્રી-વોલ હતી.

ધર્માલયના મુખ્ય દ્વાર પાસે  ચોકીદાર હતો. ધર્માલયમાં બહારની વ્યક્તિઓ માટે પ્રવેશ નિષેધ હતો. પણ સાધ્વીઓના સગા-સંબંધીઓ કે ખાસ ઓળખીતા લોકો અને અનુયાયીઓ, દિવસ દરમિયાન મુખ્ય સાધ્વી જયજયવંતીની ખાસ પરવાનગી મેળવી, ધર્મચર્ચા અર્થે મળી શકતા.

ધર્માલયમાં આવેલ એક અલાયદા વિશાળ કક્ષમાં સાધ્વી રોજ સવારે ગામના સ્ત્રી-પુરુષોને બે કલાક ધર્મનો ઉપદેશ આપતા. એ સમયે ગામના તમામ અબાલ-વૃદ્ધને વ્યાખ્યાન હોલમાં પ્રવેશ મળતો. સમજી શકાય એવી સરળ ભાષામાં સરસ વાર્તાઓ કહી, શ્રોતાઓને પોતાનો તર્ક સમજાવવામાં સાધ્વી સફળ રહેતા. બધાજ શ્રોતાઓ એમની વાણીથી ખુબજ પ્રભાવિત થતા. પ્રભાવશાળી સાધ્વીની અસ્ખલિત મધુર વાણીનું શ્રવણ કરતી વખતે વાતાવરણ શાંત બની જતું.  શ્રોતાઓ મુગ્ધ બની જતા.

સાધ્વીએ આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. દરેક વિષયના અભ્યાસુ હોવાથી, સાધ્વી પોતે જ્ઞાનની સાક્ષાત વહેતી સરિતા સમાન હતા. જ્ઞાનપિપાસુ ભક્તોને એમના જ્ઞાન પ્રત્યે ખાસ આકર્ષણ હતું અને માટે સાધ્વી પ્રત્યે વિશેષ માન રહેતું. સાધ્વી જયજયવંતી તેમજ અન્ય સાધ્વીઓની સેવા કરવા, ભક્તો તત્પરતા દાખવતા.  માટે જ સાધ્વી જ્યાં જતા ત્યાંની ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, સાધ્વીના પ્રભાવથી મોટી રકમોના દાન ભેગા કરી શકતા. ભેગી થયેલી રકમમાંથી  અનેક ધાર્મિક અનુષ્ઠાન થતા, અનેક ધાર્મિક ક્રિયાઓ થતી, સત્સંગ થતા, યાત્રા-પ્રવાસ થતા, કેટલાય ભોજન સમારંભ થતા અને જરૂરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારની મદદ મળી જતી. કેટલાક ભક્તો એમના પૂજ્ય સાધ્વી જયજયવંતીને સાક્ષાત ભગવાન માનતા. ભક્તોનો સ્નેહ એ જ સાધ્વી અને એમની શિષ્યાઓ માટે સૌથી મોટી સંપત્તિ હતી. સાધ્વી જે કહે તે કરવા કેટલાય ભક્તો તૈયાર રહેતા.

સાધ્વી પોતાની પાસે જરૂરિયાત કરતાં વધારાની કોઈ વસ્તુ રાખે નહિ, ધન વગેરેનો ત્યાગ કરેલ હોવાથી એમની પાસે રોકડ રકમ કે ઘરેણા પણ મળે નહિ. સાધ્વી હંમેશ ઉપદેશ આપતા કે મંત્ર-તંત્રથી  પાપનો નાશ થતો નથી. સદાચાર હોવા જોઈએ અને સંયમથી જીવવું જોઈએ. સાધ્વી લોકોને નીતિમાન બનવાનું શીખવતા. સાધ્વી કહેતા કે સંયમિત જીવન, મોક્ષમાર્ગી આત્મા માટે પ્રથમ પગથીયું છે.

******

રોજ સવારે સાધ્વી જયજયવંતી છાપું વાંચતા. દુનિયાના સમાચારોથી પોતાની જાતને જ્ઞાત કરાવતા. જેથી, પોતાના ધાર્મિક પ્રવચનમાં ધર્મતત્વ સાથે સંસારની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી સંસારની અસારતા સમજાવી શકે, સંસારની ક્ષણભંગુરતા વિષે સમજાવી શકે. અને ધર્મની જરૂરિયાત અંગે ભારપૂર્વક કહી શકે. પ્રેમ અને કરુણાનો સંદેશો આપી શકે, સદાચારનું મહત્વ સમજાવી શકે. ઉપરાંત, ધાર્મિક શ્લોક વગેરેનું રોજ ઉચ્ચારણ કરી, એના ગુઢ અર્થ શોધવા નિરંતર પ્રયન્ત કરતા.

ચોકીદારે અડધા ખુલ્લા બારણાં પર ધીરેથી હાથનો પંજો ઠોકી, અવાજ કર્યો. અને એક બારણું પૂરું ખોલ્યું, અને બોલ્યો, “માતાજી, અંદર આવું?”

અને પૂર્વ દિશામાં બારી પાસે શ્વેત વસ્ત્રોમાં સજ્જ સાધ્વી સૂર્યના તડકામાં બેઠા હતા. ઋચાઓનું અતિ ધીમા અવાજે ઉચ્ચારણ કરી રહેલા સાધ્વી જયજયવંતીની નજીક ચોકીદાર નતમસ્તકે પહોંચ્યો. અન્ય સાધ્વીઓ પોતાની દૈનિક-ધાર્મિક-ક્રિયાઓમાં ધ્યાનસ્થ હતી. ખંડમાં છ સાધ્વીઓની હાજરી હોવા છતાં તે ખંડમાં ટાંકણી પડે તે પણ સંભળાય એવી સંપૂર્ણ શાંતિ હતી.  ખંડની અંદરની નાની રૂમોના દરવાજા પણ ખુલ્લા જ હતા.

“માતાજી, નમસ્કાર. કોઈ બહેન બહારગામથી આપને મળવા આવ્યા છે. આપ રજા આપો તો મળવા મોકલી  આપું”. ચોકીદારે વિવેકપૂર્વક સાધ્વીથી થોડા દુર ઉભા રહી ખુબ જ ધીમા સ્વરે પરવાનગી માંગી.

“શું નામ છે? ક્યાંથી આવ્યા છે?” માતાજીએ સમાચાર-પત્ર પરથી ધ્યાન હઠાવી, ચોકીદાર સામે જોઇને પ્રશ્ન કર્યો.

“આગંતુકે પોતાના વિષે કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે. પણ, ચિંતાતુર જણાય છે. જાજરમાન દેખાય છે, ચાલીસ વર્ષાના કે મોટા હશે. આપ આદેશ આપો એમ કરું.”  ચોકીદારે રજૂઆત કરી.

“એ બહેન સાથે કોઈ છે? એમની પાસે કેટલો સામાન છે?” માતાજીએ પ્રશ્ન કર્યો.

“કોઈ સાથે આવ્યું હોય એવું જણાતું નથી. અને બહેન પાસે કપડાંની એક પેટી (suitcase) છે. શિક્ષિત લાગે છે. સારા ઘરના લાગે છે.  આખી રાત બસમાં મુસાફરી કરી આવ્યા હોય એવું મારું અનુમાન છે.” આ ચોકીદારની અનુભવી આંખે કરેલ વિશ્લેષણ હતું.

“સારું, યાત્રિક ભવનમાં એક રૂમ એમને ખોલી આપો. અત્યારે એમના માટે ચા-પાણીની વ્યવસ્થા કરી દો. અને કહો કે થોડો આરામ કરે, નાહી-ધોઈ લે, મંદિરમાં દર્શન કરે અને સાડા દસ વાગે મારા પ્રવચનમાં પધારે. પ્રવચન પૂર્ણ થાય પછી, એમને અંદર લઇ આવજો. ભોજનશાળામાં  એમના માટે ભોજન બનાવવું કહી દેજો. સારી વ્યવસ્થા આપજો.” માતાજીએ આજ્ઞા કરી.

માતાજી વિચારવા લાગ્યા કે કોણ આવ્યું હશે. પણ વર્ણન પરથી એમને અનુમાન કર્યું કે એ સુધા જ  હોવી જોઈએ. માતાજી વિચારોમાં ડૂબી ગયા. અને એમના મન-પટલ પર સુધા નો ભૂતકાળ દેખાવા લાગ્યો.

*******

એને પોતાની સુંદરતાનો કેફ હોય એ સ્વાભાવિક હતું. પહેરવેશની અદ્ભુત સૂઝ. ખુબજ ગોરો વાન. સુંદર લાંબા કાળા વાળ. ગુલાબી હોઠ. હોઠ નીચે કથ્થઈ તલ. મારકણી આંખો. સુડોળ સ્તન પ્રદેશ.  પુષ્ટ, ઉન્નત અને કઠણ ઉરોજ જાણે હૈયાનાં લોચનિયાં! એના દરેક અંગમાંથી સુંદરતા ટપકે. એના એક એક અંગના રૂપનું વર્ણન કરવામાં પાનાં ભરાઈ જાય. આવી રૂપમતીના રૂપની સરખામણીમાં અન્ય સામાન્ય સ્ત્રીઓ એની દાસી સમાન લાગતી. બે પુત્રીઓની માતા હોવા છતાં એની સુંદરતા કોઈ અતિ સુંદર કુંવારિકાને શરમાવે એવી હતી. એનામાં શુરાતન હતું, સુંદરતા હતી. એ પોતે એક વ્યવહારુ અને બુદ્ધિમાન સ્ત્રી હતી. એનાથી આકર્ષાઈને દુનિયાનો કોઈપણ પુરુષ એની માંગણી સંતોષવા તત્પર રહે. એ પોતે એક ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતી હતી. હા, હવે  તે ૪૫ વર્ષની આસપાસની ઉંમરની વિધવા હતી!. એનો ભૂતકાળ પણ કેવો હતો!

ખાનગી શાળાના શિક્ષક તરીકે કામ કરતા નટુભાઈ અને સહકારી બેંકમાં કારકુન તરીકે કામ કરતા સર્યુબેન ખુબ જ ધાર્મિક હતા. આ દંપતીની સુધા  એક માત્ર પુત્રી હતી. સાંસ્કૃતિક શહેરમાં જન્મ અને ઉછેર થયો હતો. માં-બાપે ખાનગી શાળામાં એને પ્રવેશ અપાવ્યો હતો.  ભણવામાં સામાન્ય એવી પણ આ રૂપની સુંદરીએ સત્તર વર્ષની ઉંમરે બારમું ધોરણ પાસ કરી લીધું. અને ત્યારબાદ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી લીધો. અને જોત જોતામાં સ્નાતક થઇ ગઈ. જ્યારે સ્નાતકના અંતિમ વર્ષમાં હતી ત્યારે જ માં-બાપને પોતાની લાડકવાયી પુત્રીના લગ્નની ચિંતા થવા માંડી. અને પોતાની જ્ઞાતિમાં સારા મુરતિયાની તપાસ કરવા લાગ્યા. 

નજીકના નગરમાં શેઠ લાલજીભાઈનું મોટું પરિવાર હતું. લાલજીભાઈના પાંચ ભાઈઓ, બે બહેનો. દરેક ભાઈ-બહેનને ત્યાં પણ યુવાન અને લગ્નની વયે પહોંચેલા છોકરા-છોકરીઓ. પરિવારમાં લાલજીભાઈનો નિર્ણય અંતિમ ગણાતો.  લાલજીભાઈએ બધા ભાઈઓને રહેવા માટે બંગલા બનાવેલા. ધંધા માટેની પેઢી એક જ. સમાજમાં અને નગરમાં લાલજીભાઈના પરિવારની શાખ. આટલા મોટા પરિવારનું ગુજરાન ચલાવવાનું અઘરું પડતું હતું. વધતી જતી મોંઘવારી અને મોટો પરિવાર અને એક જ ધંધો, ધંધામાં વધતી જતી હરીફાઈ ને કારણે આવક ઘટતી જતી હતી. લાલજીભાઈ પોતાના ભાઈઓને ઘણીવાર  પોતપોતાની રીતે અલગ અલગ ધંધા કરવા કહેતા, પણ કોઈ ધ્યાને લેતું નહિ.

લાલજીભાઈના નાનાભાઈ માવજીભાઈને એક દીકરો. એનું નામ દર્શન. દર્શન પોતે સ્નાતક થઇ ગયો હતો. અલગ પ્રકારનો ધંધો કરવાની એને પ્રબળ ઈચ્છા હતી. ઘરમાં વાત કરી. લાલજીભાઈએ બધા ભાઈઓને ભેગા કર્યા. પ્રેમથી સમજાવ્યા. અને દરેક ભાઈઓને ધંધામાંથી છુટા કરી દીધા. દરેકને પોતપોતાની રીતે મનપસંદ અલગ ધંધો કરવા મનાવી લીધા. ધંધાના ભાગલા થયા એટલે પરિવારના ભાગલા પણ થઇ ગયા!  માવજીભાઈના ભાગે જે રકમ આવી, તેમાંથી અડધા ઉપરની રકમ માવજીભાઈએ પુત્ર દર્શનને ધરી દીધી. દર્શન નજીકના મોટા શહેરમાં ગયો અને એ રકમમાંથી એક નાનું કારખાનું ચાલુ કર્યું. 

નગરમાં અને સમાજમાં દર્શન ઉદ્યોગપતિ છે અને કારખાનું ચલાવે છે, એવી વાતો થવા માંડી. દર્શન બહુ મોટો માણસ બની જશે, એમ સમાજના કેટલાલ લોકો ભવિષ્ય ભાખતા. સમાજમાં જે લોકોની દીકરીઓ લગ્નની ઉંમરે પહોંચી હતી, એવા લોકોને લાગતું કે આવા ભણેલા, દેખાવડા અને ધંધે લાગેલા છોકરા સાથે પોતાની કન્યાના લગ્ન થાય તો સારું. દર્શન અંગે નટુભાઈએ જાણ્યું અને વિચાર્યું, “આવું ઘર કેમ જવા દેવાય?” પત્નીને વાત કરી. પતિ-પત્નીએ, સુધાને છોકરા અંગે જણાવ્યું. સુધા શરમાઈ ગઈ, પણ કહ્યું કે, “તમે જે કરો એ મને ગમશે”. દીકરીનો જવાબ જાણ્યા પછી, અંગત સગા મારફત દીકરી સુધાના સગપણ અંગે લાલજીભાઈને ત્યાં “વાત મુકાવી”.  થોડા દિવસ પછી દર્શન અને અન્ય પરિવારજનો, સુધાને “જોવા” નટુભાઈને ત્યાં પહોંચી ગયા. સુધા અને દર્શનની મુલાકાત થઇ. બંને પરિવારના સભ્યોએ એક-બીજા સાથે વાતો કરી.  અઠવાડિયા પછી જવાબ આપીશું, એમ કહી મહેમાનોએ વિદાય લીધી.

અઠવાડિયા પછી જવાબ આવી ગયો, સગપણ થઇ ગયું અને વરસમાં તો લગ્ન પણ લેવાઈ ગયા. બાવીસ વર્ષનો દર્શન અને એકવીસ વર્ષની સુધા પરણી ગયા. લગ્ન પછી દર્શન, સુધાને લઈને કારખાનું જે શહેરમાં હતું ત્યાં ભાડાના મકાનમાં જતો રહ્યો. બે વર્ષમાં સુધાએ બે બાળકીઓને જન્મ આપ્યો. ઘરમાં મનોરંજન માટે કોઈ સાધન ના હતું, જેનું પરિણામ બે વર્ષમાં બે બાળકીઓ હતી! સુધા પાસે સમય પસાર કરવા પોતાની બે બાળકીઓ હતી. દર્શન આર્થિક ભીંસ અનુભવતો હતો. ધંધો બરાબર ચાલતો ના હતો. ખુબ દેવું થઇ ગયું હતું. મોજશોખ માટે ના તો સમય હતો, ના તો રૂપિયા હતા. ક્યારેક દર્શન, પત્ની અને બાળકીઓને લઇ પોતાના માતા-પિતાને મળવા જતો. તો ક્યારેક નટુભાઈ અને સર્યુબેન, દીકરી સુધાને અને જમાઈને મળવા આવતા. નટુભાઈ, સુધાના ઘરની પરિસ્થિતિ પામી ગયા, અને જ્યારે સુધાને ત્યાં જતા ત્યારે મદદ કરતા. દર્શન સ્વમાની હતો. ક્યારેય એને એના સાસુ-સસરા પાસે એક રૂપિયાની મદદ માંગી ના હતી. દેવાના ભાર નીચે દબાઈ રહેલા દર્શને કારખાનું વેચી, પોતાના ગામ પરત જવાનો  નિર્ણય કર્યો અને એ મુજબ દર્શન પોતાના ગામ પરત ગયો. 

“કેવી રીતે ઘર ચલાવવું?” દર્શન માટે આ પ્રશ્ન હતો. બત્રીશ વર્ષની ઉંમર થઇ ગઈ હતી. નોકરી મળવાની શક્યતા ઓછી હતી. રિદ્ધિ અને સિદ્ધિ પણ શાળાએ જતા હતા. ખર્ચા વધતા હતો. આવકનો કોઈ બીજો સ્તોત્ર ના હતો. પિતા માવજીભાઈએ પોતાની પાસે બચેલી રકમ પોસ્ટ-ઓફિસમાં જમા કરાવી હતી. દર મહીને વ્યાજ આવતું અને એમાં એમનું ભરણપોષણ થતું હતું. હવે, આખા પરિવારનું ભરણપોષણ એટલા વ્યાજમાંથી કરવાનું હતું. પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ગરીબાઈ શું છે, એ દર્શન અનુભવી રહ્યો હતો.

દર્શન બજારમાં જઈ અનાજની દલાલી જેવું કંઇક કરવા પ્રયત્ન કરતો. થોડું ઘણું કામ થતું, પણ એ પુરતું ના હતું. એને વિશ્વાસ હતો કે એ મહેનત કરી બધું બરાબર કરી દેશે. પણ, એ હંમેશા ચિંતામાં રહેતો હતો. એને વારંવાર તાવ આવતો, પણ એ તાવને ગણકારતો નહિ. હવે એને ખુબ જ અશક્તિ આવવા લાગી હતી. અચાનક દર્શનનું વજન ઘટવા લાગ્યું હતું. આખી રાતની ઊંઘ મળ્યા પછી પણ એ ખુબ જ અશક્તિ અનુભવતો. ગામના ડોક્ટરને બતાવ્યું, પણ ચિન્હો જાણી ડોક્ટરને લાગ્યું કે ઈલાજ માટે બાજુના શહેરના કોઈ મોટા તજજ્ઞ (specialist) ડોક્ટર પાસે મોકલવો પડશે.  

દર્શનને નજીકના મોટા શહેરમાં તજજ્ઞ ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો. બધી તપાસ કર્યા પછી ડોકટરે પોતાનો અભિપ્રાય માવજીભાઈને પોતાની ચેમ્બરમાં બોલાવી આપ્યો. કહ્યું કે, “માવજીભાઈ, તમારા દીકરાને કેન્સર છે. Cancer is not one disease, but a collection of related diseases that can occur almost anywhere in the body. કેન્સર એ શરીરના કોષોમાં રહેલા જીન (Gene)નો રોગ છે. જીન શરીરના કોષોનું કાર્ય નિયંત્રણ કરે છે. અને જ્યારે જીનમાં કોઈ ફેરફાર થાય તો કોષો પોતાનું નિર્ધારિત કાર્ય બરાબર કરી શકતા નથી. આવા અસાધારણ (abnormal) કોષો જે હોય છે એને સાદી ભાષામાં કેન્સર કહેવાય”. માવજીભાઈને આ સાંભળી ચક્કર આવી ગયા. માવજીભાઈને મન તો કેન્સર એટલે યમરાજાની આમંત્રણ પત્રિકા! પણ, મજબુત મનના એ માનવીએ ડોકટરનો અભિપ્રાય સ્વીકાર્યો નહિ, અને ફી ચૂકવી, રીપોર્ટસ, પ્રિસ્ક્રીપ્શન વગેરે લઇ બહાર નીકળી ગયા. દીકરાને બહાર બેસાડ્યો. અને પોતાના જાણીતા એક ડોક્ટરને ફોન કર્યો અને હકીકત જણાવી. અને કહ્યું, “સાહેબ, મને ડોક્ટર સાહેબે કહેલી કેન્સરની વાત પર ભરોશો નથી. મને બીજા કોઈ નિષ્ણાત ડોક્ટરનું નામ, સરનામું આપો.” સામેથી જવાબ મળ્યો કે, “માવજીભાઈ, તમે એક second opinion લઇ લો. મારા એક મિત્ર ડોક્ટર છે, તે પોતે Oncologist છે, કેન્સરનું નિદાન કરવામાં અને સારવાર આપવામાં તેઓ પારંગત છે.” માવજીભાઈએ નામ, સરનામું લઇ એ ડોક્ટરને ફોન કરી મળવાનું નક્કી કર્યું. નસીબસંજોગે તરત જ મળવાનો સમય ડોક્ટર સાહેબે આપી દીધો. અને, આ કેન્સર નિષ્ણાત ડોકટરે પણ એ જ નિદાન કર્યું, જે અગાઉના ડોકટરે કર્યું હતું. દર્શને પૂછ્યું, “બાપા, શું કહે છે ડોક્ટર?” માવજીભાઈએ પોતાના મુખ પર કોઈ ચિંતા જણાય ના એ રીતે પોતાના હૃદયમાં દર્દ રાખી એક અચ્છા રંગમંચના કલાકારની જેમ જવાબ આપ્યો, “ડોક્ટર કહે છે કે સારું થઇ જશે. થોડો સમય લાગશે.” માવજીભાઈ પર વીજળી પડી હતી. એમને દર્શનનું મોત દેખાતું હતું. એમને દર્શનના ગયા પછી આ વૃદ્ધાવસ્થામાં કમાઈને ચારનું પૂરું કરવાનું હતું, જે એકદમ અશક્ય હતું! માવજીભાઈને ચિંતા હતી કે પોતાના પત્નીને અને દીકરાની વહુને પોતે શું કહેશે? આવા અનેક વિચારોમાં માવજીભાઈ ડૂબી ગયા. માવજીભાઈએ વડીલ લાલજીભાઈને ફોન કરી હકીકતથી વાકેફ કર્યા. લાલજીભાઈએ કહ્યું, ”માવજી, તું એકલો નથી, તારી સાથે આખું પરિવાર છે. કોઈવાતની ચિંતા કરીશ નહિ. ભગવાન પણ આપણા સૌની કસોટી કરી રહ્યો છે. કોઈ પાસે સારો ધંધો નથી, સારી આવક નથી, અને દેવાના ડુંગર નીચે દબાયેલા છે. ભગવાન દર્શનને મારી ઉંમર આપી દે અને મને ઉપાડી લે”. એમ કહી લાલજીભાઈ ધ્રુસકે ધ્રુસકે ફોન પર રડી પડ્યા. ભગવાને આખા પરિવાર પર ઢગલાબંધ આપત્તિઓ મોકલી આપી હતી.

બચતની રકમ વાપરીને દર્શનને બચાવવા માવજીભાઈએ કોઈ કસર રાખી નહિ. બહોળા પરિવારની હુંફ, સ્નેહ, અને સહકાર પ્રાપ્ત થયો હતો. વાત વાયુવેગે પ્રસરી ગઈ કે દર્શનને કેન્સર છે. નટુભાઈ અને સર્યુબેનને પણ જાણ કરવામાં આવી. તેઓએ પણ પુત્રીના પરિવાર સાથે સહાનુભૂતિપૂર્વક સાથ આપ્યો. માવજીભાઈને સ્વજનોની મદદ મળતી, હુંફ અને લાગણી મળતી, થોડી-ઘણી આર્થિક મદદ મળતી, અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ મદદ કરી.

દર્શનનો એક લંગોટીયો મિત્ર હતો, સમીર. સમીર જીવન વીમાનું કામ કરતો હતો. તે સુખી ઘરનો હતો. દર્શનના ઘર પાસે જ એનો વિશાળ બંગલો. દર્શનની ખબર પુછવા એ વારંવાર દર્શનના ઘરે જતો. દર્શનના માથે મોત છે એ હકીકત જાણી, સહાનુભૂતિપૂર્વક એને પોતે દર્શનના જીવન વિમા ની નવી પોલીસી લઇ લીધી, વીમાનું પ્રીમિયમ પણ પોતે ભરી દીધું. બંને પરિવાર વચ્ચે આત્મીયતા વધી. સમીર ગમે તે સમયે દર્શનને મળવા આવતો, ક્યારેક એ પોતાની પત્ની અને બાળકોને સાથે લઇ મળવા આવતો.  હવે સમીર અને એની પત્ની, સુધાના ગાઢ પરિચયમાં પણ આવી ગયા હતા. પરિવારના મિત્ર તરીકે બધા જ સમીરને માન આપતા. સમીર હવે પરિવારના સભ્ય સમો હતો, અને આમ પણ સમીર અને દર્શન એક  જ સમાજના હતા.

દિનપ્રતિદિન દર્શનની તબિયત વધુ લથડતી જતી હતી. દવાની આડ અસરો ઘણી હતી. ઊબકા (nausea) આવતા, ચક્કર ચઢતા, ઉલટીઓ થતી, અતિસાર (diarrhea) થતા, ક્યારેક લોહી વહેતું (hemorrhage). કેન્સરથી પેદા થતું દર્દ અસહ્ય હતું, જીવતા જીવ નરકનો અનુભવ થતો હતો. દર્શન આ દુઃખ-દર્દમાંથી છુટકારો પામવા ઈચ્છતો હતો. પણ એને સામે માસુમ બાળકો અને નિર્દોષ પત્ની દેખાતા. એ વિચારોમાં ડૂબી જતો, “મારા ગયા પછી શું થશે આ લોકોનું?” એક એક દિવસ કાપવો દર્શન માટે અસહ્ય હતો. આંખો માંથી અશ્રુધારા વહેતી. દર્શને, મિત્ર સમીરને કહ્યું કે, “ભાઈ, મારા ગયા પછી આ લોકોનું ધ્યાન આપજે”.

કેન્સરનું નિદાન થયે ત્રણ વર્ષ થઇ ગયા હતા. ઇલાજમાં કોઈ કસર છોડવામાં આવી ના હતી. એક દિવસ સમીર વેદના સહન કરતા કરતા પરલોક સિધાવી ગયો. પાછળ સુંદર પત્ની સુધા, અને બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિને મુકીને અનંતની યાત્રાએ ઉપડી ગયો.

“માતાજી, પ્રવચનનો સમય થઇ ગયો છે. શ્રોતાઓ રાહ જુએ છે”. ચોકીદારે આવીને સાધ્વી જયજયવંતીના વિચારોમાં ખલેલ પાડી.

માતાજીએ પોતાની એક શિષ્યા સાથે વ્યાખ્યાન હોલ તરફ પ્રયાણ કર્યું.

*******

ચોકીદારે આજ્ઞાનુસાર આવનાર બહેનને વ્યવસ્થા કરી આપી અને માતાજીએ આપેલ સંદેશો પાઠવ્યો. સુધાની બેગ ઊંચકીને રૂમમાં મૂકી આપી. અને બહાર નીકળી ગયો. સરસ મઝાની રૂમ હતી. આખી રાતની બસની મુસાફરી કરી, સુધા કંટાળી હતી. થાક  લાગ્યો હતો. ગરમી લાગતી હતી. સુધાએ બારણું અંદરથી બંધ કર્યું, એ.સી. અને પંખો બંને switch on કર્યા, ત્યારબાદ,પલંગ પર આરામ કરવા એને લંબાવ્યું.

એ ખાસ કારણથી અહીં આવી હતી. સાધ્વીને મળવા. સાધ્વી સાથેનો એનો પરિચય જુનો હતો. સુધાને વિચારમાં પડી ગઈ અને પોતાનો ભૂતકાળ વાગોળવા લાગી. પોતાના મનરૂપી પરદા પર એ પ્રેક્ષક બની ભૂતકાળ જોવા લાગી.

એનો પતિ દર્શન ગુજરી ગયો એ વખતે, સાધ્વી સુધાની સાસરીના ગામના ધર્માલયમાં જ હતા. અને ધર્માલય સુધાના ઘરથી ઘણું નજીક હતું. સુધા રોજ સાધ્વીના દર્શન કરવા જતી. સાધ્વી, સુધાની હકીકતો જાણતા હતા, માટે આશ્વાસન અપાતા, અને કહેતા કે દુઃખમાંથી ઉગારવાનો માર્ગ ફક્ત ધર્મ જ આપી શકે.

જો રિદ્ધિ-સિદ્ધિ ના હોત તો, સુધાએ પણ સંસારનો ત્યાગ કરી દીધો હોત!  સુધા અને સાધ્વી વચ્ચે એક આત્મીયતા બંધાઈ ગઈ હતી, જાણે બે બહેનો હોય!  નાના ગામમાં તાજી વિધવા થયેલી સ્ત્રીએ બહાર તો કશે જવાનું જ ના હોય, ફક્ત મંદિર કે ધર્માલયમાં જઈ શકે. સુધા, સમય મળે એટલે, સાધ્વીની પાસે જઈ બેસતી. ધર્મનું શ્રવણ કરતી. ધાર્મિક કથાઓ વાંચતી. આમ કરવામાં એને સાંત્વના મળતી. ધીરે ધીરે એનું મન પણ ધર્મમાં ગોઠવાઈ ગયું હતું, દર્શન દિલથી દુર થઇ ગયો હતો. દર્શનની યાદ એના માટે દુખદ હતી. એને લાગતું કે લગ્ન માટે જન્માક્ષર મેળવવાને બદલે એના માતા-પિતાએ મેડીકલ રીપોર્ટ મેળવ્યા હોત તો એનું જીવન આ રીતે ખરાબ ના થયું હોત! અને અહેસાસ થયો કે જન્માક્ષર મળે એટલે જોડી અખંડ રહે એની કોઈ બાંયધરી હોતી નથી. લગ્ન પછી એને એકપણ દિવસ સુખ જોયું નહિ, એના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. દર્શન સાથેના સંબંધોમાં સુધાએ કોઈ દિવસ પ્રેમનો અનુભવ કર્યો ના હતો, આત્મીયતા વગરના એ સંબંધો હતા, જેમાં શારીરિક ભૂખ સંતોષવા સિવાય બીજું કશું જ ના હતું! સુધા વિચારતી હતી કે એવો કોઈ જ્યોતિષ હોઈ શકે કે જે એમ કહી શકે કે આ જોડીનો પ્રેમ અમર રહેશે?  સુધા પ્રેમની ભૂખી હતી.

ક્યારેક સમીર અને એની પત્ની પણ સુધાને મળવા આવી પહોંચતા, અને વિવિધ ચીજ-વસ્તુઓ આપી જતા. હવે તો ગમે તે સમયે સમીર એકલો પણ મળવા આવી જતો. સવારે માવજીભાઈ અને એમના પત્ની મંદિરે સેવા-પૂજા માટે જતા, રિદ્ધિ-સિદ્ધિ શાળાએ જતા ત્યારે રસોઈ બનાવવા સુધા ઘરે એકલી હોય. ક્યારેક સમીર આ સમય દરમિયાન સુધાને ત્યાં પહોંચી જતો, સુધાને ઘરમાં શું જરૂર છે એ પૂછી લેતો અને બને તો ખાનગીમાં મદદ કરી જતો.

સુધા અને સમીર વચ્ચે એક મીઠો પ્રેમ-સંબંધ બંધાઈ રહ્યો હતો, જેની જાણ સુધાને ના થઇ. સમીર, સુધાને નામથી સંબોધતો હતો, જયારે સુધા, સમીરનું  નામ ઉચ્ચાર્યા વગર માનવાચક શબ્દથી બોલાવતી, અથવા દર્શનના મિત્ર તરીકે વાતમાં ઉલ્લેખ કરતી. સુધાને કોઈપણ વસ્તુની જરૂર હોય તો એ નિસંકોચએ સમીરને કહેતી, અને એની માંગ સંતોષાઈ જતી. દુનિયાની નજરમાં, સગાઓની નજરમાં સમીર સજ્જન અને પરગજુ હતો, દર્શનનો મિત્ર હતો અને દર્શનના ભાઈ બરાબર હતો! દર્શનના મૃત્યુને છ મહિના થયા હશે. એક દિવસ, સુધાના સાસુ-સસરા મંદિર ગયા હતા, રિદ્ધિ-સિદ્ધિ શાળાએ ગયા હતા. સમીરે ઘરમાં અવાજ કર્યા વગર પ્રવેશ કર્યો અને સીધો રસોડામાં પહોંચી ગયો. અને પાછળથી સુધાને બાઝી પડ્યો, અને એના મોં પર હાથ મૂકી દીધો. અને એને પોતાના તરફ ખેંચી છાતી સરસી ચાપી દીધી. સુધા ગભરાઈ ગઈ હતી, પણ એક ક્ષણમાં એની ગભરામણ દુર થઇ ગઈ. એને સમીરનો સ્પર્શ ગમ્યો. આ સ્પર્શ એને જ્યાં પાંચ વર્ષથી વરસાદ પડ્યો ના હોય એવી ધરતી પર વરસાદના છાંટા પડવા જેવો લાગ્યો. એ અમી છાંટા એ એના જીવનમાં મહેક પ્રસરાવી દીધી. થોડી ક્ષણો સુધીએ એને સમીર તરફ અનિમેષ જોયું. સમીર બોલ્યો, “સુધા, તું મને ખુબ જ ગમે છે. મારાથી તારું દુઃખ જોવાતું નથી. કાશ! તું મારી હોત તો! તારા માટે હું બધું જ કરવા તૈયાર છું.” બહાર કોઈનો આવવાનો અવાજ આવતાની સાથે જ વાત અધુરી રાખી સમીર આગળના રૂમમાં જતો રહ્યો, અને સોફા પર બેસી છાપું જોવા લાગ્યો. માવજીભાઈ આવ્યા ત્યારે એને કહ્યું, “પુછવા આવ્યો છું કે કશું કામ છે? અને સમાચાર આપવાના કે, દર્શનના જીવન-વિમાની પાકેલી મોટી રકમ આ મહીને છૂટી થઇ જશે. સુધાને એક વાર સાથે બાજુના શહેરની મોટી કચેરીમાં લઇ જવી પડશે.” માવજીભાઈએ કહ્યું, “ભાઈ, જ્યારે જરૂર હોય, સુધાને લઈને કામ પતાવી દેજે. એ રકમ આવે તો સુધા અને છોકરીઓને જીવન નિર્વાહમાં કામ લાગે”. આટલો વાર્તાલાપ કર્યા પછી, સમીરે વિદાય લીધી. માવજીભાઈ, સમીરની સજ્જનતાને લાખો સલામ કરતા હતા!!!

સુધા પરવારીને સાધ્વી પાસે જતી અને મોટા-ભાગનો સમય ત્યાં જ પસાર કરતી. હવે આ એનો નિત્યક્રમ હતો. સાધ્વી અને સુધા વચ્ચે આત્મીયતા વધતી જતી હતી. સાધ્વી, મંદિરના ફંડમાંથી કે અન્ય ભક્તો મારફત, સુધાને આર્થિક મદદ કરાવતા. સાધ્વીની અંદરની ઈચ્છા સુધાને પોતાના સાધ્વી-પરિવારમાં લઇ આવવાની હતી. સાધ્વી જાણતા હતા કે,સુધા માટે સંસાર ત્યાગવો અશક્ય હતો કારણકે સુધા પાસે રિદ્ધિ-સિદ્ધિ અંગેની મોટી જવાબદારી હતી. સાધ્વીને એમ લાગતું કે સુધાનું જોબનિયું એને કોઈ ખોટા માર્ગે ના લઇ જાય તો સારું. આથી, સાધ્વીએ સુધા પાસે એક વચન લેવડાવ્યું કે, હવે ફરી એ લગ્ન કરી સંસાર નહિ માંડે! હકીકતમાં સાધ્વી એની પાસે મૈથુન ન કરવાનું વ્રત લેવડાવવા માંગતા હતા, પણ એક સંસ્કારી વિધવાને આવું કહેવાનું સાધ્વીને સારું લાગ્યું નહિ. ચોમાસું પૂરું થતાંની સાથે જ સાધ્વીએ પોતાના સમૂહ સાથે વિહાર કર્યો. ગામલોકો ગમગીન બની ગયા, જાણે એક સ્વજન ઘર છોડી જતું હોય એવું લાગ્યું. સૌથી વધુ દુઃખ સુધાને થયું હતું. જતાં જતાં સાધ્વીએ એ સુધાને કહ્યું કે હું જયારે સંદેશો મોકલું ત્યારે મને હું જ્યાં હોઉં ત્યાં મળવા આવી જવું, તારી તમામ વ્યવસ્થા અંગેની જવાબદારી મારી રહેશે. આમ સુધા જયારે પણ સંદેશો આવે, સાધ્વીને મળવા જતી રહે. સાધ્વી સુધા માટે આધ્યાત્મિક અને આર્થિક આધાર હતા. રિદ્ધિ-સિદ્ધિના અભ્યાસ અને ઘર ચલાવવા જરુર પડે એટલી રકમ દર મહીને સાધ્વી, સુધાને મોકલી આપતા.

લગભગ ચાર લાખ જેટલી રકમનો વીમા કંપનીએ ચેક તૈયાર કર્યો હતો, સમીર, સુધાને લઈને શહેરની મુખ્ય શાખામાં ગયો, વિધિ પતાવી, ચેક અપાવ્યો. સુધાના ચહેરા પર આનંદ હતો. બંને વીમાની કચેરીમાંથી બહાર નીકળી, એક રેસ્ટોરન્ટમાં ગયા. નાસ્તો કરતી વેળાએ ઘણી વાતો કરી. સુધાએ, દર્શનને આલિંગન કર્યું. ત્યાંથી નીકળી બંને રાષ્ટ્રીયકૃત બેંકમાં ગયા. સુધાનું ખાતું ખોલાવી ચેક જમા કરાવી દીધો. અને પછી બંનેએ એક ગેસ્ટહાઉસમાં પોતાને પતિ-પત્ની બતાવી રૂમ લીધી અને રૂમમાં ગયા. આમ તો સુધા, દર્શનની અર્ધાંગિની હતી. પણ હવે તે એક વિધવા હતી. આજે તે ખુબજ બેચેન હતી. જે દિવસનો એને ઇંતજાર હતો, તે દિવસ આવી ગયો હતો. ભર યુવાનીમાં વિધવા થયેલી સ્ત્રી વિશેષ કામોત્સુક હોય. તક મળે ત્યારે કામેચ્છાના પ્રબળ વેગને પણ શાંત પાડવો જોઈએ, એવું એ માનતી હતી. બહાર જેમ જેમ ઠંડી વધતી જતી હતી, એમ એમ સુધાના અંતરમાં વિષયવાસના બળવત્તર થતી જતી હતી. કામાતુર કાયા ધ્રુજી રહી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી એનો કામાગ્નિ પ્રજવી રહ્યો હતો, એ ક્યારેય શાંત પડ્યો ના હતો. આજે સુહાગરાત હોય એવો રોમાંચ એ અનુભવતી હતી. અને સમીરે તક જોઈ, એકાંત જોઈ સુધાને ચસચસતું આલિંગન આપી, હુંફ આપવા લાગ્યો, અને એના હૃદયની આગ ઠારવા લાગ્યો. જાણે બે શરીર એકાકાર થઇ રહ્યા હતા. અગ્નિજ્વર હંગામી ધોરણે શાંત પડી રહ્યો હતો. રાત્રે દશની ટ્રેન હતી. ગરમીના દિવસો પછી અવની પર થતી વર્ષા જેવું એ સુખ હતું. સુધાને અનેરી તૃપ્તિ થઇ ચુકી હતી, રૂમ છોડવાની ઈચ્છા ના હતી. પણ જવું તો પડે જ. સુધાએ પોતાના જીવનમાં હવેથી સમીરને, દર્શનનું સ્થાન આપી દીધું હતું, ભલે એ સમાજ ને કહી ના શકાય. કદાચ, સમીર માટે સુધા ઉપપત્ની બની ચુકી હતી! અને હવે પછી તો કોઈને કોઈ બહાને આ કામાંધ યુગલ વાસના તૃપ્તિ મેળવવા નવા નવા બહાનાઓ શોધી કાઢતા. અતૃપ્ત ભોગીઓ આવા જ હોય! જેમ રોજ પેટમાં ખોરાક જાય છતાં, રોજ પેટ ખાલી જ થઇ જાય, એવું જ આ વાસનાનું હતું, અને માટે જ સુધા હંમેશા અતૃપ્ત રહેતી અને માટે જ આખો દિવસ એ સમીરનો સંગ ઈચ્છતી.

દર્શનની  વરસી હતી. જોત જોતામાં દર્શનને ગયે એક વર્ષ થઇ ગયું. એક વર્ષમાં સુધા અને સમીર ખુબ જ નજીક આવી ગયા હતા, જેની કોઈને જાણ ના હતી. સમીર અને સુધાએ દુનિયાને અંધારામાં રાખી, પોતાના શરીર -સંબંધો વધાર્યા. આ સંબંધોમાં પ્રેમનું તત્વ હતું કે ના હતું, પણ શરીર-સુખ જરૂર મળતું હતું. જવાનીમાં પ્રેમની ભૂખ સાથે શરીરની ભૂખ હોય અને એની તૃપ્તિ પણ સુધા વારંવાર કરી લેતી. હવે એના જીવનમાં પતિથી વિશેષ પુરુષ હતો! Gynecologist ને મળવાનું હોય કે બેંકનું કામ હોય, શાળાનું કામ હોય કે સરકારી કામ, સમીર હંમેશા સુધા સાથે જતો. અને આ પવિત્ર(?) સંબંધ અંગે ઘરના કે બહારના કોઈ શંકા કરતા નહિ! કદાચ આને જ લોકો પ્રેમીઓનું નસીબ કહેતા હશે. રિદ્ધિ અને સિદ્ધિ માટે તો સમીર અંકલ ભગવાન જેવા હતા, જે માંગે તે લાવી આપે! આ સંબંધોના અઘરા સમીકરણ ખુદ ભગવાન પણ ઉકેલી શકે નહિ!!

સુધા અને સાધ્વીનો સંબંધ પણ મજબુત બની ગયો હતો. લોકોને એમ લાગ્યું કે, સુધા સંસાર છોડી દેશે, એને સંસારમાં કોઈ જ રસ નથી! દર્શનની વરસીને દિવસે એની માતા ઘેલીબેન ખુબ જ આક્રંદ કરતા હતા. અચાનક એ રડતા બંધ થઇ ગયા. એમનું શરીર નિષ્પ્રાણ બની ગયું. ઘરમાં એક નવી આફત આવી.

નટુભાઈ અને સર્યુબેને નક્કી કર્યું કે હવે એ પોતાની દીકરીને અને બંને દોહીત્રીઓને પોતાની ઘરે પોતાના વતનના શહેરમાં લઇ જશે. અને વાર્ષિક પરીક્ષાઓ પૂરી થતાંની સાથે જ સુધાએ સાસરીનું ઘર છોડ્યું. લાલજીભાઈએ માવજીભાઈની જવાબદારી લઇ લીધી. સુધાની સાસરી અને પિયર વચ્ચે માંડ પચાસ કિલોમીટરનું અંતર હતું, માટે સાસરીમાં જ્યારે જરૂર પડે ત્યારે સુધા ટ્રેન મારફતે કે બસ મારફતે પહોંચી જતી. આમ એને સાસરી સાથેના સંબંધો જાળવી રાખ્યા એવું સમાજમાં લાગતું! 

સુધા માતા-પિતા સાથે રહેવા જતી રહી. શહેરમાં સારી શાળામાં રિદ્ધિ અને સિદ્ધિને પ્રવેશ મળી ગયો હતો. માતા-પિતાની તબિયત પણ એટલી સારી રહેતી ના હતી. મધ્યમ આવક હતી. નટુભાઈ ના એક મિત્રએ કહ્યું કે, “આખો દિવસ ભણેલી છોકરીને ઘેર બેસાડી શું કરશો? એના કરતા કોઈ સારી નોકરી કરવા છોકરીને મોકલો”. નટુભાઈને મિત્રની વાત યોગ્ય લાગી. અને સુધા માટે નોકરી શોધવા લાગ્યા. નજીકના કારખાનામાં સુધાને નોકરી મળી ગઈ. પગાર પણ સારો હતો. હવે સુધા આર્થિક રીતે સ્વતંત્ર થઇ ગઈ હતી. સમીરે પણ સુધા જ્યાં નોકરી કરતી હતી એ વિસ્તારમાં એક નાની ઓફીસ ખોલી અને અઠવાડિયામાં બે-ત્રણ વખત ઓફીસ પર આવતો. સમીર માટે પોતાના ગામની ઓફીસ બંધ કરવી આર્થિક રીતે નુકશાન કરવા બરાબર હોવાથી, એને ગામની ઓફીસ પણ ચાલુ જ રાખી. હવે, સુધા અને સમીર આ ઓફીસ પર મળતા. ક્યારેક ખુબજ મોડા સુધી સાથે રહેતા, અને ઘરે કોઈ પૂછે એ પહેલા જ ફોન કરી જાણ કરી દેતી કે કામ વધારે હોવાથી ઘરે આવતા મોડું થઇ જશે.

સમીરને નવી ખોલેલી ઓફિસમાં કોઈ ખાસ ધંધો મળતો ના હતો. પણ, આ ઓફીસ એના માટે મિલન-સ્થળ હતું. સુધાના જીવનમાં હવે કોઈ ખોટ ના હતી. પોતાનું કે દીકરીઓનું નામ લખવાનું હોય ત્યારે જ દર્શન નામનો ઉપયોગ થતો, બાકી એના જીવનમાંથી દર્શન સંપૂર્ણપણે ભૂંસાઈ ગયો હતો. હરપળ એના હૃદયમાં સમીર હતો. એ વિચારતી કે એના લગ્ન સમીર સાથે થયા હોત તો કેટલું સારું થાત! સમીર પરણેલો હતો. બાળકોનો બાપ હતો. એને પણ સુંદર પત્ની હતી.

સુધાએ, સમીરની પત્નીનું સ્થાન લેવું હતું. એ ઈચ્છતી હતી કે સમીર એની પત્ની અને બાળકોને છોડી પોતાની સાથે નવું ઘર વસાવે. સુધા કહેતી કે, “દસ દસ વર્ષથી આ રીતે જીવું છું, હવે મને મારો અધિકાર જોઈએ છે. રિદ્ધિ અને સિદ્ધિ પણ હવે વીસ વર્ષ વટાવી ચુક્યા હતા. નજીકના ભવિષ્યમાં દીકરીઓ પરણીને સાસરે જશે. કદાચ, બીમાર માતા-પિતા ગુજરી જશે. પછી મારું શું?”  એના જીવનમાં એકલતા આવી જશે. સુધાને એકલતાનો કાલ્પનિક ડર હતો. સુધાને સલામત ભવિષ્ય જોઈતું હતું. એકલતા હોય અને બીમાર પડે તો કોણ કાળજી લેશે? આ જવાની જતી રહેશે, તો શું સમીરને પછી એનામાં રસ રહેશે? આવા વિચારો એને આવતા. એ માનસિક રોગની શિકાર બની ગઈ હતી, જેની જાણ એને પોતાને પણ ના હતી. ઘર વસાવવા બાબતે બંને વચ્ચે ઘણીવાર ઝગડો થતો. સમીર કોઈપણ સંજોગોમાં પોતાની વિધવા માં, પોતાની પત્ની અને બાળકોને છોડવા તૈયાર ના હતો. એટલું જ નહિ, એ સુધાને ફક્ત એક રખાત જ ગણતો હતો. સમીર માટે તો સુધા ફક્ત ભોગવટા માટે રાખેલી સ્ત્રી હતી. એ વિચારતો કે, “સુધા મને આખી જીંદગી થોડી વળગીને રહેવાની છે? જો હું સુધાને આર્થિક મદદ કરવાનું બંધ કરીશ તો એ મારી સાથે સંબંધ કાપી, અન્ય કોઈ જગ્યાએ બાંધશે”. સુધાની અપેક્ષાઓ દિન-પ્રતિદિન વધી રહી હતી. અને હકીકત એ પણ હતી કે સુધાને સમીર વગર ચાલતું ના હતું. સમીર સાથે સુધાનો ઝગડો થાય, તો સમીર, સુધા સાથે બોલવાનું બંધ કરી દેતો. પણ, સુધા સામેથી જ એને મનાવવા પ્રયત્ન કરતી. આમ, રીસામણા-મનામણા થયા કરતા અને જીવન આગળ વધતું. સમીર માટે રખાત અને વેશ્યા શબ્દનો અર્થ એક જ હતો!!! સમીર, સુધાની ભાવના અને પ્રેમ સમજી શકતો ના હતો. કારણકે એના માટે પ્રેમનો અર્થ કામ-વાસનાથી વિશેષ હતો જ નહિ. બંનેના સંબંધોમાં ગણિત હતું, સ્વાર્થ હતો. પ્રેમ તો નિસ્વાર્થ હોય એવું એમને ક્યાં ખબર હતી?

અને એક દિવસ રિદ્ધિએ સમીર અને સુધાને કઢંગી હાલતમાં સમીરની ઓફીસ પર જોઈ લીધા. હકીકતમાં રિદ્ધિ તો પડોશમાં રહેતી એની સહેલી સાથે એ કોમ્પ્લેક્ષમાં કોલેજના કોઈ પુસ્તકની ખરીદી કરવા આવી હતી, જે અન્ય જગ્યાએ મળતું ના હતું. કોમ્પલેક્ષના અન્ય વ્યાપારીઓએ સમીર અને સુધા ઓફિસમાં ભેગા થતા, એ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. અને પોલીસને માહિતી આપી, તે દિવસે છાપો મરાવ્યો હતો. પોલીસે, સુધા અને સમીરને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. એ બંનેને જોવા લોકો ટોળે વળ્યા હતા. કુતૂહલવશ રિદ્ધિ અને એની સહેલી પણ જોવા ગયા. એ જોઈ રિદ્ધિના હોંશ-કોશ ઉડી ગયા. રિદ્ધિ એ ઘરે જઈને નાના-નાનીને હકીકત કહી જ હશે. 

સુધા અને સમીરે આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી. પણ, સુધાને શોધવા કોઈ આવ્યું નહિ. સમીરે પોલીસ સાથે ગોઠવણ કરી, કેસ ની પતાવટ કરી દીધી. વહેલી-સવારે ચાર વાગે અંધારામાં રીક્ષામાં બેસી સુધા ઘરે પહોંચી. ઘરમાં કોઈ એની સાથે વાત કરવા તૈયાર ના હતું.  રોજ પ્રેમથી ચા-નાસ્તો કરાવનાર સર્યુબેને એની સામે પણ જોયું નહિ, ચા-નાસ્તો પણ આપ્યા નહિ. સુધાનું ટીફીન પણ બનાવ્યું નહિ. પિતૃગૃહે સુધા પોતે એક અજાણી વ્યક્તિ હોય એવું એને લાગતું હતું. નાહી-ધોઈ સુધા ઓફીસ જવા નીકળી, સાથે પોતે કપડા ભરેલી એક બેગ લીધી. કોઈએ એની સાથે કોઈ વાત કરી નહિ કે કશું જ પૂછ્યું નહિ. રિદ્ધિ ની સહેલી પણ એ જ સોસાયટીમાં રહેતી હતી, માટે સોસાયટીની દરેક વ્યક્તિને સુધા ના પરાક્રમ અંગેના સમાચાર મળી ગયા હશે જ, એમ વિચારી માતા-પિતા પણ ઘરની બહાર નીકળવા તૈયાર ના હતા! રિદ્ધિ અને સિદ્ધિ પોતે ઉપલા માળે પોતાની રૂમમાંથી નીચે આવ્યા નહિ. આજે સુધાના પરિવારને થતું હતું કે ઝેર પી ને મારી જઈએ તો સારું, કોઈને કેવી રીતે મોં બતાવશું? 

ઓફીસના કામમાં એનું ચિત ચોંટતું ના હતું. એને ઊંઘ આવતી હતી. જેમ તેમ કરી દિવસ પસાર કર્યો. સાંજે એ પ્રાયવેટ બસ ઉપડે છે એ જગ્યાએ બસ પકડવા ગઈ. રાત્રીના બાર વાગ્યાની બસ હતી. છ વાગ્યા હતા. એને એસ.ટી.ડી.બુથ પરથી સમીરને ફોન લગાવ્યો. સમીરે ફોન ઉઠવ્યો નહિ. સુધા રેસ્ટોરન્ટમાં ગઈ, એને ભૂખ લાગી હતી. આજે ટીફીન પણ બા એ બનાવી આપ્યું ના હતું, એટલે કશું જ ખાધું હતું નહિ. પેટ ભરી સુધાએ ખાધું, અને ટ્રાવેલ એજન્ટની ઓફીસ પર બસની રાહ જોવા લાગી. આટલી સુંદર સ્ત્રીને નિહાળવા કઈ કેટલાય લોકો એની પર નજર નાંખતા, અને ઘણા તો એકાગ્રતાથી એની તરફ એવી રીતે જોતા કે જાણે ભગવાનની મૂર્તિને અહોભાવથી જોતા હોય! બસ આવતા જ એને પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું. અને સવારે પોતે સાધ્વી જયજયવંતી મળવા આવી પહોંચી.

“બહેન, માતાજીના પ્રવચનનો સમય થઇ ગયો છે. આપ પ્રવચનમાં જવાના છો?” ચોકીદારે બારણું ખખડાવી કહ્યું. સુધાએ અંદરથી જવાબ આપ્યો, “અડધો-પોણો કલાક પછી જઈશ.” જવાબ સાંભળી ચોકીદાર ધર્માલયના દરવાજા તરફ જઈને ઉભો રહ્યો.

*******

પ્રવચન પૂરું થતા પહેલા સુધાએ પ્રવચન ખંડમાં પ્રવેશ કર્યો. ખંડ ખીચોખીચ ભરેલો હતો. સુધા એકદમ પાછળ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગઈ. એનું મન અશાંત હતું. સાધ્વી શું કહે છે, એ અંગે એનું કશું જ ધ્યાન ના હતું. એ પોતે વિચારોમાં મગ્ન હતી. એની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, જેની એને પોતાને ખબર ના હતી. એના આંસુ જોઈ અન્ય ભક્તોને લાગ્યું કે માતાજીના પ્રવચનની આ બહેન પર ખુબ જ અસર થઇ છે!

માતાજીની નજર સુધાને શોધતી હતી. જેવું પ્રવચન પત્યું, માતાજીએ ઈશારો કરી, સુધાને આગળ બોલાવી અને કહ્યું, “જમવાનું પતાવી, તારી રૂમ પર જા. હું ત્યાં આવીશ.”

*******

સુધાને જમી લીધું. તે પોતાની રૂમમાં પરત આવી. માતાજી ક્યારે આવશે એ નક્કી ના હતું. પોતે રૂમમાં એર કંડીશનર ચાલુ કર્યું, અને પલંગ પર લંબાવ્યું. એ વિચારોમાં હતી કે માતાજી સાથે શું વાત કરશે. એને ચેન પડતું ના હતું. તે ઉભી થઇ અને બાથરૂમમાં ગઈ. એને હાથપગ ધોયા, ચહેરો ધોયો અને પછી દર્પણમાં પોતાના ચહેરાને જોવા લાગી. એને કપડા બદલવાના હેતુથી, પહેરેલા કપડા પણ કાઢી નાંખ્યા. શરીર પર સમીરની નિશાનીઓ હતી. એને કપડા બદલી નાંખ્યા. અને બહાર આવી સોફા પર બેઠી, હાથમાં રીમોટ લઇ ટીવી ચાલુ કર્યું. એક પછી એક ચેનલ બદલતી ગઈ, એનું મન લાગે એવા કોઈ ટીવી પ્રોગ્રામ હતા નહિ. અચાનક રૂમના દરવાજાને કોઈએ હડસેલ્યો એવો એને ભ્રમ થયો. એને રૂમના દરવાજા તરફ દ્રષ્ટી કરી. એ એનો ભ્રમ ના હતો. સાધ્વીએ અંદર પ્રવેશ કર્યો.

“સુધા, મઝામાં છે?  થાક ઉતરી ગયો? જમી લીધું? પ્રશ્નોની વણઝાર સાધ્વીએ લગાવી દીધી.

“જી, હું મઝામાં છું. થાક ઉતરી ગયો છે. થોડી બેચેની લાગે છે. ઉજાગરો થયો છે એટલે. અને મેં રૂચી હતી, એટલું જમી લીધું છે. આપ, માતાજી શાતામાં છો? સુધાએ જવાબ આપ્યો અને પોતે સોફા પરથી ઉભી થઇ ગઈ અને નીચે ભોંય પર બેસી ગઈ. માતાજીએ લાકડાની ખુરસીમાં સ્થાન ગ્રહણ કર્યું. ઈશારો કરી, દરવાજો બંધ કરવા જણાવ્યું. અને સુધાએ દરવાજો અંદરથી બંધ કરી દીધો.

“ગઈકાલે સાંજે તારી મમ્મીનો ફોન હતો, આજે સવારે તું આવી ત્યારે પણ હતો અને થોડી વાર પહેલા પણ હતો”. સાધ્વીએ કહ્યું. “તું કહીને આવી છે કે કહ્યા વગર? બધું કુશળ મંગલ તો છે ને?” સાધ્વીએ સહજતાથી પૂછ્યું. સુધા વાત સાંભળી ગભરાઈ ગઈ, અને ધ્રુજવા લાગી. સુધાએ કશો જ જવાબ આપ્યો નહિ.

“તારે શું કરવું છે? તું શેનાથી દુર ભાગે છે?” સાધ્વીએ સુધાને સવાલ કર્યો. સુધા શૂન્યમનસ્ક બની ગઈ. એનું ચિત્ત બહેર મારી ગયું હતું. થોડીવાર સુધાએ ખામોશી રાખી. પછી, એની આંખમાંથી ગંગા-જમનાના નીર વહેવા લાગ્યા. એ ધ્રુસકેને ધ્રુસકે રડતી હતી. સાધ્વીએ એને શાંત પાડવાનો કોઈ પ્રયન્ત ના કર્યો. થોડીવાર પછી સાધ્વીએ કહ્યું, “તારા માટે દરેક દરવાજા બંધ થઇ ચુક્યા છે. તારી મમ્મીએ કહ્યું છે કે તેં જે કાળું કર્યું છે એના કારણે એ લોકો કોઈને મોં દેખાડી શકે એવી પરિસ્થિતિમાં નથી. રિદ્ધિ અને સિદ્ધિ તારું મોં જોવા માંગતા નથી. તારી સાસરીના ગામમાં પણ આગની જેમ સમાચાર પહોંચી ગયા છે, અને તારા સસરાએ ફોન કરી તારા પિતાને ના કહેવાના અનેક શબ્દો કહ્યા છે. તારા માટે સાસરી અને પિયર બંનેના દ્વાર બંધ છે. તારા સમાજના લોકો તારી પર થૂ થૂ કરે છે. તારી દીકરીઓને કોણ પરણશે?”

સુધા સાંભળી રહી હતી. એ મૌન હતી. આંસુ વહી રહ્યા હતા. એની જીભ ઉપડતી ના હતી. “તું સ્વસ્થ થા, વાત કરી શકે એટલી હિંમત કેળવી મને મળવા ધર્માલયમાં આવજે. ખુણાની રૂમમાં બેસીને વાત કરીશું”. એમ કહી, સાધ્વી પોતે ધર્માલય તરફ જતાં રહ્યા. થોડીવાર પછી, સુધા સંકુલ બહાર નીકળી. દુર એક એસ ટી ડી બુથ હતો, ત્યાંથી એને સમીરને ફોન જોડ્યો. આખી રીંગ પસાર થઇ ગઈ, સમીરે ફોન ઉપાડ્યો નહિ. દસેક મિનીટ પછી ફરીથી ફોન લગાડ્યો, પણ સમીરે ઉપાડ્યો નહિ.

કંટાળીને સુધાએ પોતાની ખાસ સહેલી રાધાને ફોન કર્યો, અને સમીરનો સંપર્ક કરવા કહ્યું. સમીરે, રાધા સાથે વાત કરી, અને કહ્યું, “સુધાને કહી દે મારી જિંદગી ના બગાડે, એને જે કરવું હોય એ કરે. મારી ઘેર ઘણા ઝગડા થયા છે. સમાજમાં નીચા જોવાનું આવ્યું છે. મારા બાળકોનું હિત પણ મારે સાચવવાનું છે. એને કહી દે કે મને ભૂલી જાય. એનું એક સ્વપ્ન મને પામવાનું હતું, જે ક્યારેય સાચું પડવાનું નથી. મારા માટે મારી માં, પત્ની અને બાળકો આ દુનિયામાં અગ્રક્રમે છે.”

થોડીવાર પછી, સુધાએ, રાધાને ફોન કર્યો. રાધાએ વિગતવાર હકીકત જણાવી. સુધા માનસિકરીતે તૂટી ગઈ હતી. હવે શું કરવું એની એને સમજ પડતી ના હતી. સુધાને આપઘાત કરવાનું મન થઇ ગયું. એ એસ ટી ડી બુથ પર છેલ્લા કલાકથી હતી, અહીં કોઈની કોઈ વાત ખાનગી રહેતી નહિ. સાધ્વીને એસ ટી ડી બુથ પરના તમામ સમાચાર મળી ગયા. ચોકીદાર સુધાને બોલાવવા આવ્યો, કહ્યું, “ચા તૈયાર છે. ચા પીને માતાજીને મળવા જવાનું છે”.

*******

અર્જુનને જેવો વિષાદ થયો હતો, એવો વિષાદ સુધાને થયો. એને વિચાર્યું કે તમામ સ્વજનો, માતા-પિતા, દીકરીઓને ત્યાગીને સમીરની પ્રાપ્તિ થાય તો પણ કયો આનંદ થશે? એને ખેદ થયો, શોક થયો. તેનું શરીર ઢીલું પડી ગયું. એનું મુખ સુકાઈ ગયું. એના શરીરમાં કંપ થયો. સુધાએ વિચાર્યું કે પોતે અજ્ઞાનના ઘોર અંધકારમાં છે. હવે એને પોતે પોતાની સાથે જ યુદ્ધ કરવાનું હતું. સુધાએ, પોતાનામાં જ બે સુધા જોઈ, એક કૌરવો જેવી અને એક પાંડવો જેવી. હવે એને લાગ્યું કે, કામનાઓ ત્યજી દેવી પડશે. આત્મા વડે આત્મામાં જ સંતોષ માનવો પડશે. દુઃખમાં મન ઉદ્વિગ્ન ના થાય અને સુખમાં નિસ્પૃહ રહે, તે શીખવું પડશે. રાગ, ભય કે ક્રોધથી મુક્ત થવાનું હતું. સર્વત્ર સ્નેહ પ્રસારવાનો હતો. સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયમાંથી સમેટી લેવાની હતી. ટૂંકમાં સ્થિતપ્રજ્ઞ બનવાનું હતું. કોઈપણ મનુષ્ય એકપણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અનાશક્ત ભાવથી અને નિષ્કામ બુદ્ધિથી સતત યોગ્ય કર્મ કરવાનો સુધાએ નિર્ણય કર્યો, જેથી માન-સન્માન પ્રાપ્ત કરી શકાય અને પરમ પદ પણ પામી શકાય. રાગ-દ્વેષને વશ ના થવું, કારણકે અધ્યાત્મ માર્ગમાં એ વિઘ્ન છે. સાધ્વીએ વર્ષો પહેલા સમજાવેલી બાબતો એને યાદ આવવા લાગી. આજે સુધાએ અનુભવ્યું કે રજોગુણથી ઉત્પન્ન થનારો કામરૂપ અગ્નિ મનુષ્યનો વેરી છે. પરિણામે એ માનવીનું વિવેક જ્ઞાન ઢાંકી દે છે. આત્માને બુદ્ધિથી જાણી, બુદ્ધિથી મનને વશ કરી, ઇન્દ્રિયોનો કામ-રૂપી શત્રુનો એને નાશ કરવાનું મનોમન નક્કી કરી લીધું. એને સંન્યાસ સ્વીકારી લેવાનું નક્કી કર્યું. એ જાણતી હતી કે આ મન અતિ ચંચળ છે, અને તેનો નિગ્રહ કરવો તે વાયુને અટકાવવા જેવું અઘરું છે. સુધા જાણતી હતી કે આ માયાને પાર કરવી મુશ્કેલ છે. માટે એને પ્રભુનું શરણ સ્વીકારવાનું નક્કી કર્યું જેથી માયાને તરી જવાય.

ભોજનશાળામાં એને જે ચા પીરસવામાં આવી હતી, તે પૂરી થઇ ગઈ હતી. પણ એ ઊંડા વિચારોમાં હતી. મનોમંથન કરી રહી હતી. અચાનક ચોકીદારનો અવાજ આવ્યો, “બહેન, કેટલી વાર છે?” અને એ અવાજે એને વિચારોની દુનિયા માંથી બહાર કાઢી. એ ઉભી થઇ. સીધી ધર્માલયમાં ગઈ. સાધ્વી ખુણાની એક રૂમમાં હતાં. એ ત્યાં પહોંચી.

“સુધા, ચા પીધી? તું બેચેન કેમ જણાય છે?” સાધ્વીએ પૂછ્યું.

“માતાજી, બધું જ ઠીક છે. ઉજાગરાને કારણે કદાચ બેચેની હશે.” સુધાએ જવાબ આપ્યો.

સાધ્વીએ કહ્યું,”ઠીક છે, તો હવે ક્યારે પરત જવાની છે? તારી મમ્મીનો ફોન હતો. બધાં જ બહુ નારાજ છે. સમાચાર-પત્રોમાં પણ તારા અંગે ખુબ લખાયું છે.”

સુધાએ જવાબ આપ્યો, “હું પરત જવા આવી નથી. હું આપની સેવામાં જ રહીશ. મને પણ સંન્યાસ લેવો છે.”

“સુધા, તારા જેવા નિર્બળ લોકો માટે સંન્યાસ નથી. અને સંન્યાસ અને ત્યાગમાં અંતર છે”.

સુધાએ વિવેકપૂર્વક કહ્યું, “માતાજી, મને ખબર છે. પણ આપના આપેલ જ્ઞાન રૂપી કૃષ્ણએ મને મારા અંદરના કૌરવો અને પાંડવો બતાવ્યા. અને મારા હૃદયરૂપી કુરુક્ષેત્ર પર મહાભારત થઇ ચુક્યું છે. કૌરવોનો નાશ થયો છે. જો ખોટું ના લાગે તો એક વાત કહું?”

“અમે તો સંન્યાસી લોકો, રાગ-દ્વેષથી મુક્ત છીએ. મને શા માટે ખોટું લાગે?”

“આપે પણ સંસાર છોડ્યો તો કોઈ કારણ તો હશે જ”.

“હા, પણ હું ભૂતકાળ ભૂલી ચુકી છું. આ મારો નવો જન્મ છે અને હું સાધ્વી જયજયવંતી છું”. સાધ્વીએ ઉત્તર આપ્યો. “દરેક માનવીનો ઈતિહાસ હોય છે. કારણકે જાણતા કે અજાણતા કર્મો થતા જ રહે છે. મેં ગીતાને જીવનમાં ઉતારી છે. મોક્ષ મારો માર્ગ છે. તારે કયા માર્ગે જવું છે, એ તું કહે.”

સુધા બોલી, “આપ મારા ગુરુમા છો, આપની સાથે સેવામાં હું રહીશ. માટે રાગ-દ્વેષથી મુક્ત થઇ મોક્ષ પામવો છે. હું મારા તમામ સંસારી સંબંધોનો અંત લાવું છું. મારા પાપનો પશ્ચયાતાપ કરું છું”.

“એમ સંસાર ના છોડાય. તારે અમારી સાથે બે વર્ષ રહેવું પડશે, સંન્યાસના નિયમોનું પાલન કરવું પડશે. અને જો બે વર્ષના અંતે એમ લાગશે કે તારામાં લાયકાત છે, તો તને દીક્ષા આપીશું. નહીતો તારે તારો માર્ગ જાતે શોધવો પડશે, જો ચારિત્ર્યની શિથિલતા હશે, તો અમે તને કાઢી મુકીશું.”, સાધ્વીએ શરત મૂકી.

*******

બે વર્ષ પછી મોટો દીક્ષા સમારોહ થયો. સંસારી સુધા બની સાધ્વી સુધાધવલ.