સત્ય

આજે સવારે ઉઠી મોબાઈલ દેવના દર્શન કરવા વોટ્સએપના દ્વાર ખોલ્યા. સુંદર મજાનો એક સંદેશો હતો, જે નીચે મુજબ અનુવાદિત છે: 

સરપંચે સ્ટેજ પર ઉભા રહી કહ્યું, “જો કોઈને આ લગ્ન સામે વાંધો હોય તો હમણાં જ કહી દે.લગ્ન બાદ કોઈ પ્રશ્ન ઉભો થાય તો બે જિંદગીનો સવાલ છે. જે કોઈએ કશું પણ કહેવું હોય તે સામે આવીને કહે…”

એ વખતે જાનૈયાઓ પાછળ ઉભેલી એક સુંદર સ્ત્રી પોતાની કેડમાં એક બાળક લઇ આગળ આવી.

આખા મંડપમાં ગુસપુસ ચાલુ થઇ ગઈ. 

સ્ટેજ પર ઉભેલી પરણનાર કન્યા (દુલ્હન) એ વરરાજાને એક તમાચો મારી દીધો.

પરણનાર કન્યાનો બાપ બંદૂક લેવા દોડી ગયો.

પરણનાર કન્યાની માતા બેભાન થઇ પડી ગઈ.

ત્યારે સરપંચે પેલી સ્ત્રીને પૂછ્યું, “તમને શું વાંધો છે?” 

એ સ્ત્રીએ કહ્યું કે, “પાછળ બરાબર સંભળાતું ના હતું એટલે આગળ આવી છું”.

આ આપણી માનસિકતા છતી કરતી ટૂંકી વાર્તા છે. પણ એ આપણા સમાજની વાસ્તવિકતાના દર્શન કરાવે છે. સર્વત્ર મૂર્ખતા વ્યાપેલી છે. હકીકત જાણ્યા વગર, કલ્પના કરીને પોતે વિચારેલ વસ્તુને વાસ્તવિકતા માનનારા અનેક મુર્ખાઓ બધે જ બિરાજમાન છે.

થોડા વખત પહેલા મારી સાથે પણ આવું જ બન્યું. તમે કેમ કોની સાથે વર્તો છો, એ અંગે જાતે જ તર્ક-કુતર્ક વિચારી તમારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા તૈયાર થઇ જતા મુર્ખાઓની આ દુનિયામાં કમી નથી. સત્ય સાંભળવાની જેનામાં હિંમત નથી એવા લોકો “માનેલા સત્ય”નું રોજબરોજ ઉત્પાદન કરે છે અને નિર્દોષ લોકોને હેરાન-પરેશાન કરે છે. 

વાર્તામાં બિચારા નિર્દોષ વરરાજાને, પેલી પરણનાર કન્યાએ વાંક-ગુનો જાણ્યા વગર જ તમાચો માર્યો, અને કન્યાનો બાપ એ વરરાજાને મારી નાંખવા માટે બંદૂક લેવા ગયો. શું વાંક હતો એ વરરાજાનો? 

મારી સાથે પણ એવું જ બન્યું છે, કોઈપણ વાંકગુના વગર મને સજા કરવામાં કેટલાક લોકોને મજા આવે છે, તેઓ મને શિક્ષા કરે છે,  મારો ઉધડો લે છે, અને એમને કલ્પેલી મારી ભૂલો બતાવે છે. અરે કેટલાક લોકો તો અન્યોને ફોન કરી કહે છે કે અમે એનો બોયકોટ કરીશું. પણ ક્યારેય તમે ભગવાન બનવાની ભૂલ ના કરશો! આ સંસારમાં કાલે શું બનશે તે કોઈ નથી જાણતું. ધન-સંપત્તિ હોય પણ સત્ય અને સંસ્કાર ના હોય તો બધું નકામું છે. 

હંમેશા સચ્ચાઈ પેલી કેડમાં બાળક લઇ આગળ આવેલ સ્ત્રી જેવુ છે, જેને ના તો પરણનાર કન્યા કે વરરાજાના ભૂતકાળ સાથે કોઈ સંબંધ હોય. 

જો હું સત્ય બનીશ કે ઉચ્ચારીશ તો અનર્થ થઇ જશે. 

જાણ્યા વગર મૂર્ખ બની પગલાં ના ભરો. અને બીજું, આ દુનિયામાં ભગવાન અંતિમ સત્ય છે. વીતરાગ એટલે રાગ-દ્વેષ વિહીન. અને જે જૈન છે, એને તમારી ટીકાથી કે તમારી સજાઓથી કોઈ ફરક પડતો નથી. ભગવાન મહાવીરને પણ વગર ગુને કાનમાં ખીલા નાખવામાં આવ્યા હતા. તમારા સામાયિક-પ્રતિક્રમણો ધૂળમાં ગયા, જ્યારે તમારા હૃદયમાં ખોટા ભાવ છે. 

“A lie can travel halfway around the world while the truth is putting on its shoes.” ― Mark Twain

અસત્ય અને અફવાઓ અડધી દુનિયામાં ફરી વળે છે, ત્યારે તો સત્ય પોતાના બુટની દોરી બાંધતું હોય છે.

આપની સવાર મંગલમય રહો. આપ સતર્ક રહો. તમારી બુદ્ધિ-શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો અને સત્ય જાણ્યા વગર અનુમાન ના કરશો. સત્યને તૈયાર થઇ આવતા વાર લાગે છે, રાહ જુઓ. સત્ય આવશે, જરૂર આવશે, તે બુટની દોરી બાંધી રહ્યું છે. 

મને વર્ડપ્રેસ પર પણ વાંચતા રહેશો. તટસ્થપણે આ લેખને મુલવજો. ચોવીસ કેરેટની વાત છે.

  • જયેશ નીલમ શાહ 

બા-બાપુજીની જાત્રા.

એક ટૂંકી કથા…

વૃદ્ધ અને અશક્ત ડોસી શહેરના તળાવ કિનારે કોઈ વાસણ અને થેલો લઇ બેઠી હતી. થોડે દૂર બીમાર ડોસો બેઠો હતો. બંનેની નજર તળાવના પાણી પર હતી. કેટલાક દિવસથી બંને વૃદ્ધ આમ જ તળાવ કિનારા પાસેના વડના ઝાડ નીચે બેઠેલા હતા. બંને કોઈ પાસે ભીખ માંગતા ના હતા, પણ ત્યાંથી પસાર થતા દયાવાન લોકો પૈસા કે ખાવાના પડીકા ત્યાં મૂકી જતા. બંને ખાનદાન હોય એમ લાગતું હતું. ક્યાંથી આવ્યા એ કોઈને ખબર ના હતી. વૃદ્ધાવસ્થા અને બીમાર શરીર જોઈ, પોલીસવાળા પણ માનવતા રાખીને ખસવા કહેતા નહિ. આમ થોડા દિવસથી આ બહારનું વૃદ્ધ યુગલ અહીં કુદરતની ગોદમાં સ્થાયી થયું હતું…

રમણભાઈ  પોતાના ગામથી દૂર બીજા શહેરમાં કામે ગયા હતા. કામ પતી ગયું, એટલે તળાવ પાસે એના કોઈ સગાને મળવાની ઈચ્છા થઇ. રમણભાઈ ચાલી નીકળ્યા. ડોસા અને ડોસીને તળાવ કિનારે બેઠેલા જોઈ, દયા આવી. પાંચ રૂપિયાનો સિક્કો પેલી ડોસી પાસેના વાસણમાં દૂરથી નાંખ્યો. પણ, આ લોકોને ક્યાંક જોયા હોય એમ લાગતા, રમણભાઈ નજીક ગયા. આ ચીંથરેહાલ દશામાં અસ્તવ્યસ્ત વાળમાં ડોસીને જોઈ રમણભાઈ ઓળખી ગયા અને બોલ્યા, “શેઠાણી, તમે આ હાલતમાં અને તે પણ અજાણ્યા શહેરમાં? શું થયું? ચાલો શેઠ અને શેઠાણી ઉભા થાવ, નજીકમાં ભત્રીજા જમાઈ નું ઘર છે. ત્યાં ચાલો. નાહી ધોઈ ચોખ્ખા થઈ જાવ”. રમણભાઈ, પેલા ડોસા-ડોસી ને પોતાની સાથે જીદ કરી લઇ ગયા.

શેઠે  ગામનો પોતાનો ધંધો, મૂડી અને સર્વસ્વ પોતાના પ્રિય પુત્રને આપી એવું વિચાર્યું હતું કે હવે શાંતિથી નિવૃત્તિની મોજ માણીશ. પણ, જેવો વહીવટ હાથમાં આવ્યો કે દીકરો અને વહુ બદલાઈ ગયા.  સાસુ-સસરાને ધાકમાં રાખવા લાગ્યા. ત્રાસ આપવા લાગ્યા, અને એક દિવસ પહેરેલે કપડે વહુ અને દીકરાએ કાઢી મુક્યા. અરે, વાલની વીંટી પણ હાથ પર રહેવા ના દીધી. ખાનદાન શેઠે વિચાર્યું કે કોઈ શહેરમાં આશરો મળી જશે, અને બાકીના દિવસો નીકળી જશે. અને આમ તળાવ કિનારે એ વૃદ્ધે આશરો લીધો!!! 

ભલું થજો એ રામણભાઈનું કે એમને શેઠ-શેઠાણીને શહેરના વૃદ્ધાશ્રમમાં જગ્યા અપાવી દીધી. દીકરો અને વહુ લોકોને કહેતા ફરે છે કે બા-બાપુજી જાત્રાએ ગયા છે ખુબ જ મજા કરે છે !!!

  • જયેશ નીલમ શાહ.

મધર્સ ડે

મધર્સ ડે – એક કાલ્પનિક ટૂંકી વાર્તા.

(નોંધ: વાર્તામાં ઉપયોગમાં લેવાયેલ નામો કાલ્પનિક છે, અને કોઈ કાલ્પનિક દેશ, શહેર કે ગામ અંગે આ સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે).

ડીસ્ટ્રીકટ કોર્ટ સામે અરજી લખવાનું અને ટાઈપ કરવાનું કામ કરતો છોટુ, વેપારી ઉમાકાંત નો મિત્ર બની ગયો હતો. જ્યારે કોર્ટમાં કોઈ કામ અર્થે ઉમાકાંતને  જવાનું થાય તો છોટુની અવશ્ય મુલાકાત લેતો. છોટુને પણ ઘણા વકીલ મિત્રો. અને એના કારણે ઉમાકાંતને  પણ ઘણા વકીલ મિત્રોનો સંપર્ક થયો અને મિત્રતા બંધાઈ.  ઉમાકાંતનો પોતાનાથી થયેલ એક એક્સીડંટ સંબંધી એક કેસ ચાલતો હતો, માટે વારંવાર કોર્ટમાં જવાનું થતું.  

ઉમાકાંતે  પોતાનો બચાવ કરવા એક વકીલને કામ સોંપ્યું હતું. બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ હતી. એ દરમિયાન ઉમાકાંતના જ એકદમ નજીકના સગા પર આર્થિક લેવડ દેવડ અંગે બે એક કેસ થયા હતા. એ ભાઈને ખબર હતી કે ઘણા વકીલ ઉમાકાંતના  મિત્રો છે. ઉમાકાંતના  સંબંધો આંતરિક કારણથી એ ભાઈ સાથે નહિવત થઈ ગયા હતા. એ ભાઈ ઉમાકાંત પાસે આવ્યા, એમની પોતાની વાત કરી, રડી દીધું અને એમના કેસ અંગે કોઈ વકીલ અપાવવા કહ્યું. એ ભાઈ કહે કે ઘણા ને મળ્યો છું, પણ ફી ઘણી માંગે છે, અને મારી પાસે એટલી રકમ નથી. ઉમાકાંતે ધરપત આપતા કહ્યું કે, “ગભરાવ નહીં, હું સારા વકીલ સાથે સંપર્ક કરાવી આપીશ”.  એકદમ ઓછી ફી માં કેસ નક્કી થયો, થોડી ફી એડવાન્સ લઈ વકીલ સાહેબ કેસ સારી રીતે લડ્યા, જીતી ગયા. અને બીજા કેસમાં સમાધાન કરાવી દીધું. કેસનો હુકમમાં હાથમાં આવી ગયા પછી, પેલા ભાઈ વકીલ નો ફોન ઉપાડે જ નહીં .  વકીલ સાહેબે ઉમાકાંતને  ફોન કર્યો અને ફરિયાદ કરી. ઉમાકાંતે એ ભાઈને ફોન કર્યો, તો એ ભાઈ કહે, “એ વકીલ તો બેકાર છે, તારીખોમાં હાજર ન હતો રહેતો. એ તો જજ સાહેબ સારા હતા અને હું હાજર રહેતો હતો એટલે કેસ જીત્યો. ફી કશી આપવાની થતી નથી.  થાય તે કરી લે”. 

વકીલ સાહેબનો  ફરીથી થોડા દિવસ પછી ફોન આવ્યો. એટલે ઉમાકાંત વકીલ સાહેબ ને મળવા ગયો.  વકીલ સાહેબે ઉમાકાંતને કહ્યું કે, “એ ભાઈની આખી કુંડળી મારી પાસે આવી ગઈ છે. અને બહુ લોકોનું કરી નાંખ્યું છે. બેંકને પણ છોડી નથી. અને લુખ્ખાગીરી કરવી એ સ્વભાવ છે. એ ભાઈને પોલીસ સ્ટેશનમાં પણ પોલીસવાળા ઓળખે કારણકે કોઈને કોઈ ફરિયાદ માં હાજર થવાનું થાય.  બોલો હવે શું કરશું?” 

ઉમાકાંતે કહ્યું, “સાહેબ મેં આંગળી ચીંધી હતી એટલે મારી ભૂલ, હું ભરપાઈ કરી આપું.” વકીલ સાહેબે ઉમાકાંતને કહ્યું કે, “તમારા જેવા સારા માણસ જોડે એવું ના કરાય. પણ તમે એક વાત મારાથી છુપાવી છે. એ તમારો સગો ભાઈ છે – તમારો સહોદર છે – એ હકીકત તમે મને કેમ ના જણાવી?”

ઉમાકાંતે કહ્યું કે, “સાહેબ, મેં અગાઉ એ ભાઈને ઘણી રકમ આપી હતી, પણ પરત માંગીએ એટલે મોટેથી બૂમાબૂમ કરી ઝગડા કરે, ગંદી ગાળો બોલે અને વગર આમંત્રણે  ભેગા  થયેલા ટોળાને ખોટી  વાતો કરે. મારા ઘરે આવી ઝગડા કરે. અડોશપડોશ શું વિચારે? સમાજમાં અમોને નીચા જોવાનું થાય એવું કામ કરે, છોકરીઓ મોટી થઈ છે  એટલે ઈજ્જત બગાડવાનું પોસાય નહીં. એટલે ભાઈ સાથેના સબંધ પર બ્રેક મારી હતી. અંદરો અંદર લડાવવામાં એ ભાઈની માસ્ટરી છે. ઠીક છે, ચાલ્યા કરે.  છે  તો  ભાઈને!”. 

“તો પછી તમે દૂર દૂરના શહેરમાં ચેક રિટર્નના, બેંક સાથે છેતરપિંડી કેસ થયા એમાં પણ એમને કેમ મદદ કરી?” વકીલ સાહેબે કહ્યું. 

“સાહેબ, સ્વભાવ જ એવો છે કે મદદ કરી દેવાય છે’.

 વકીલ સાહેબે કહ્યું, “એક વાત કહું – ભલે તમારો સગો ભાઈ હોય, પણ મને શંકા લાગે છે. તમારી માં એ કેટલા લગ્ન કર્યા હતા?

ઉમાકાંતે રડી દીધું, “સાહેબ તમે મારી વિધવા માં ને શું કામ આડકતરી રીતે ગાળો આપો છો? 

“ભાઈ, તમારી પર મને બહુ જ માન છે, પણ પેલા ના ડીએનએ તમારા જેવા નથી. એ એક ગલીના ગંદા ટપોરી જેવો છે, કરુભગત છે અને તમે ખાનદાન છો. અને એક માં આવી બે એક્સ્ટ્રીમ વેરાયટી પેદા ના કરે!”

ઉમાકાંત ખૂબ રડ્યો. મનમાં ડુસકા ખાઈ બોલ્યો, “જ્યારે જ્યારે ભાઈને જરૂર પડી ઉભો રહ્યો, પણ પીઠમાં ખંજર મારવાનું અને ગંદુ રાજકારણ રમવાનું એ મરતા સુધી બંધ કરે એમ નથી. મારો ઉપયોગ કરી એક ટીસ્યુ પેપર ની જેમ કરી ફેંકી દેવાનું એ શીખી ગયો છે. હું શું કરું?  એને ગેંગ બનાવી મને એકલા પાડવાનું આવડે છે. મને ગુસ મારવી ગમતી નથી. હું સ્વમાની છું. સાફ હૃદયનો છું. અને એની સાથે જે કોઈ હશે એ  બધાનો ગંદો ઇતિહાસ હશે. આજે વગર કારણે વકીલ સાહેબ નો ગુનેગાર હું બની ગયો છું”. 

વકીલ સાહેબે ઉમાકાંતને પાણી આપી કહ્યું , “સોરી, તમારું મેં દિલ દુભાવ્યું, પણ એ બદમાશ જોડે સંબંધ ના રાખતા. સામા પક્ષકારે પણ મને તમારા માટે સારો રિપોર્ટ આપ્યો હતો, અને તમારા ભાઈનો ગંદો ઇતિહાસ કહ્યો હતો. કહ્યું હતું કે તમારા સિવાય, તમારા બાકીના ભાઈ-બહેન ખુબ જ અલગ છે. અને એ લોકો તમને જુદા પાડે છે. અને માટે જ મારો આત્મા કહે છે કે કંઈક ગરબડ છે. તમારી માં તો મરી ગઈ છે એને પણ વર્ષો થયા પણ… આખા કુટુંબ નો આખો ઈતિહાસ મારી પાસે છે. જાણવો છે? ”

એ મધર્સ ડે હતો. અને ઉમાકાંતનો મધર્સ ડે ઉજવાઈ ગયો. 

બિચારી એ મૃત માતા નો આત્મા જ્યાં હશે ત્યાં રડતો હશે અને નિઃસાસો  નાખી કહેતો હશે કે, “મેં આવી નાલાયક ઓલાદ નું સર્જન કર્યું જે મારા મરણ પછી પણ મને ગાળો ખવડાવે? અને અંદરોઅંદર આટલું ગંદુ રાજકારણ તો કોઈ નાલાયક ભાઈ-બહેનો જ કરે!”. 

પેલી મૃત માં એની નિર્દોષતા કેવી રીતે સાબિત કરશે? એ તો મરી ગઈ છે. 

  • લેખક: જયેશ નીલમ શાહ 

મહાનીતિ Great Dictum

Jayesh Passport

Author: Jayesh Shah (Palejwala)

લેખક: જયેશ શાહ (પાલેજવાળા)

Shrimadji 2

 શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત સાતસો મહાનીતિ પર વિચાર

 

[ખાસ નોંધ: પ્રિય વાચક, અત્રે મારો એક પ્રયત્ન છે કે હું મહાનીતિ પર મારા વિચાર પ્રગટ કરું, એનો મતલબ એમ નથી કે એ મહાનીતિ નું હું પાલન કરું છું.  આપના પ્રતિભાવોની અપેક્ષા.  અજાણતા જિનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ લખાયું હોય તો મિચ્છામીદુક્કડમ. જયેશ ન શાહ.]

  1. સત્ય પણ કરુણામય બોલવું. Express compassionate truth. બીજાનાં દુ;ખોને, લાગણીઓને લક્ષમાં લઇ સત્ય ઉચ્ચારવું જોઈએ. કોઈની લાગણી દુભાય તે રીતે સત્ય ઉચ્ચારવું ના જોઈએ, પણ એવી રીતે સત્ય પ્રગટ કરવું જોઈએ, જેથી કોઈની લાગણી દુભાય નહીં. સત્ય જ ઉચ્ચારવું જોઈએ, એ હકીકત પણ કહેવામાં આવી છે. All religions ask their followers to speak truth, but that truth should be compassionate or that should be spoken with mercy.
  2. નિર્દોષ સ્થિતિ રાખવી. Stay faultless and innocent. વ્યવહારમાં એ રીતે રહેવું જોઈએ કે આપણા આચરણ, વાણી કે વર્તનથી કોઈને દુ:ખના થાય. ભૂલ ના થાય એ માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. અને જો તકેદારીથી જીવીશું તો બીજા નવા પ્રશ્નો ઉત્પન્ન થશે નહીં. પણ સામાન્ય રીતે, સંસારમાં બધાને ખુશ રાખી જીવવું મુશ્કેલ છે. માટે, વાણી અને વર્તન પર સંયમ રાખવો જોઈએ. પ્રવર્તમાન યુગમાં એક સાચા સાધુ માટે પણ નિર્દોષ સ્થિતિ રાખવી મુશ્કેલ છે – પણ એ અશક્ય નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કરનાર દુનિયામાં પુજાય છે અને એવી વ્યક્તિની વિશ્વસનીયતા સ્થાપિત થાય છે.
  3. વૈરાગી હૃદય રાખવું. Keep heart free from attachment or passion. એક સાધુ કેમ જીવે? રાગ, દ્વેષ, મોહ, માયા, અહંકાર વગેરેથી જે મુક્ત છે, તે વૈરાગી છે. વાસ્તવમાં, આપણા અનુભવમાં આવનાર દરેક સાધુ વૈરાગી નથી હોતા. અને માટે જ આવા સાધુઓ પ્રત્યે લોકોને આદર હોતો નથી. જીવનમાં કોઈ પ્રત્યે અધિક રાગ, પ્રેમ, મોહ કે તિરસ્કાર કરવા નહીં. અભિમાન તો ક્યારેય ના રાખવું. લક્ષ્મી, સત્તા વગેરે ક્ષણિક સુખ છે અને ક્યારે જતા રહે છે એનું ઠેકાણું નથી. માટે હંમેશા એ પ્રયત્ન હોવો જોઈએ કે આપણે રાગ, દ્વેષ, મોહ, માયા, અને અહંકારથી મુક્ત રહી શકીએ. જો આમ ના કરવામાં આવે તો એ રાગ અને દ્વેષ આપણા માટે દુ:ખના કારણ બની જશે.
  4. દર્શન પણ વૈરાગી રાખવું. Have right belief but that should be free from attachment or passion. સાચી શ્રદ્ધા એટલે સાચું દર્શન.  તત્ત્વજ્ઞાનની વિચારણાનું શાસ્ત્ર એટલે પણ દર્શન. કેટલાક માને છે કે દર્શનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષો થકી થઇ શકે. જ્ઞાની સાધુઓ અને સંસારી ચારિત્રવાન પુરુષો મળવા દુર્લભ થઇ ગયા છે, માટે જ આપણે રોજ સવારે વીતરાગ પરમાત્માની પ્રતિમાના દર્શન કરીએ છીએ. કારણકે આવા દર્શન માત્રથી આપણ ને વિતરાગ પરમાત્મા ના સદગુણો યાદ આવે છે અને વૈરાગી બની વીતરાગ બનવાનું આપણું ધ્યેય રહે છે. જૈન ધર્મમાં મોક્ષ પ્રાપ્તિ માટે દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય મુખ્ય છે. અને આ ત્રણ (સાચા દર્શન, સાચા જ્ઞાન અને સાચા ચારિત્ર્ય)ને પ્રાપ્ત કરનાર મોક્ષપદ (emancipation) પામે એમ મનાય છે. પણ, આપણા જીવનકાળમાં જો આપણે સારા જ્ઞાની અને ચારિત્ર્યવાન માણસોને મળીશું તો ક્યારેય ખોટા માર્ગે જઈશું નહીં. જે માર્ગ થકી તત્વ મળે, તત્વજ્ઞાન મળે તે પામવું. શ્રદ્ધા પણ રાગ દ્વેષ મુક્ત હોવી જોઈએ. આપણી શ્રદ્ધા અન્ય જીવો માટે હાનિકારક ના હોવી જોઈએ.
  5. તળેટીમાં વધારે યોગ સાધવો. Stay at the foot of some mountain to take advantage of opportunity to find nature and to find people free from attachment or passion there. આજકાલ શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર ભૌતિકવાદના દર્શન થાય છે. પરિણામે જગતમાં પૈસો અને પદાર્થ જ મહત્વના છે, એવી માન્યતા ઘર કરી રહી છે. અને આજ કારણે રાગ, દ્વેષ, મોહ, માયા, અહંકાર વગેરે અવગુણો માનવ હૃદય માં  સ્થાપિત થઇ ચુક્યા છે. આ પરિસ્થિતિથી દુર જવું જરૂરી છે, અને તો જ કુદરતના સાચા દર્શન મળે. આ માટે માણસે ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો જોઈએ. અત્રે યોગ શબ્દનો અર્થ સાનિધ્ય પ્રાપ્ત કરવું એમ છે. વેકેશનમાં માણસ બહારગામ કેમ જાય છે? હળવો થવા. ડુંગરની તળેટીમાં, કુદરતના સાનિધ્યમાં, ભૌતિકવાદથી દુર માણસને એ વિચારવાનો અવકાશ મળે છે, “ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારું ખરું સ્વરૂપ શું છે?” કદાચ એમ વિચારતા સ્વ-આત્મપ્રાપ્તિ થઇ જાય, જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય. કુદરતના સાનિધ્યમાં જીવન જીવવાની સાચી કળા અને ચાવી પ્રાપ્ત થઇ જાય.
  6. બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. Abstain from sexual relation for twelve days a month. અહીં સમજવા જેવું છે. કામવાસના એ શરીરને સ્પર્શસુખ આપે છે. સામાન્ય રીતે ગૃહસ્થ, પત્નીસંગ સીમિત કે અસીમિત સમય માટે ત્યાગ કરે, ત્યારે  એને લોકો બ્રહ્મચર્યવ્રત કહે છે. પરંતુ જન્મથી લઇ મૃત્યુ પર્યંત કોઈપણ પ્રકારની કામ-વાસના ભોગવી ના હોય તેવા લોકોને જ બ્રહ્મચારી કહેવાય છે. આધ્યાત્મિક વિકાસ અને આત્મશક્તિની વૃદ્ધિ માટે Celibacy (abstaining from sexual relations) અને Abstinence (Act or practice of refraining from indulging in sexual relations) જરૂરી છે. હિંદુ, બૌદ્ધ, જૈન વગેરે ધર્મો કામવાસનાના  ત્યાગ અંગે પોત પોતાનો મત રજુ કરે છે. સુદ અને વદની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ, પૂનમ અને અમાસ એમ મહિનામાં બાર દિવસ ગૃહસ્થે બ્રહ્મચર્ય પાળવાની શરૂઆત કરવી તેમજ પવિત્ર દિવસો એ પણ ગૃહસ્થે બ્રહ્મચર્ય પાળવાની શરૂઆત કરવી એવી જૈન ધાર્મિક આજ્ઞા છે. જેને કામ-વાસના જીતી એને સંસાર જીત્યો છે એમ સમજવું. મારી દ્રષ્ટીએ ગૃહિણીઓ માટે પણ ઉપર જણાવેલ બાર દિવસ ઉપરાંત માસિકસ્ત્રાવ (Menses)ના ચાર દિવસ પતિસંગ ત્યાગવાનું આડકતરું સુચન તો છે જ. શ્રીમદ્જીએ કહ્યું છે કે “એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર”. જે લોકો કામેચ્છાને વશ કરી શકે છે તે અન્ય ઈન્દ્રિયોને પણ વશ કરી શકે છે. જેને આત્મજ્ઞાનપ્રાપ્તિ કરવી હોય તેને ઇન્દ્રિયો પર કાબુ મેળવવો જ પડે અને એ માર્ગ પર આગળ વધનાર માટે અસીમિત સમય માટે બ્રહ્મચર્ય જરૂરી છે જ. ધર્મને વિજ્ઞાનના ચશ્માથી ના જોઈ શકાય, માટે આ અંગે વિજ્ઞાન કે મેડીકલ સાયન્સ  શું કહે છે તે ધ્યાને લેવું ના જોઈએ. અથવા અન્યોના વિપરીત તર્કને ધ્યાને લેવા ના જોઈએ. મોટાભાગના પશુઓ માટે પણ કામવાસના પ્રાપ્તિની ફક્ત ઋતુ (mating season) હોય છે, નહીં કે આખું વરસ. સ્ત્રીને દર મહીને માસિક સ્ત્રાવ થાય છે, માટે દર મહીને અંડબીજ પેદા કરે છે (ovulate). માટે મનુષ્યોમાં mating season હોતી નથી. અને તેથી જ બારે મહિના કામવાસનામાં ગળાડૂબ રહે છે. માટે કહ્યું છે કે બને તો મહિનામાં બાર દિવસ પત્ની સંગ ત્યાગવો જોઈએ.
  7. આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ ને વશ કરવા. Control eating and drinking, travel, indolence, sleep etc.  આહાર સાથે શરીરના વિકાશનો સંબંધ છે. આહાર જેટલો વધારીએ એટલો વધારે લેવાય. અને પરિણામસ્વરૂપે એ કાર્યશક્તિ, નિદ્રા વગેરે પર પણ અસર કરે. વધુ લેવાતા ખોરાકને પરિણામે આળસ વધે, ઊંઘ વધે, શરીર વધે, રોગો વધે અને શરીરની કાર્યશક્તિ ઘટે. માપમાં લેવાતા શુદ્ધ સંપૂર્ણ આહાર કે જરૂર કરતા ઓછા લેવાતા શુદ્ધ સંપૂર્ણ આહારથી શરીર સારું અને રોગમુક્ત રહે છે, કાર્યશક્તિ વધે છે. આળસ અને ઊંઘ ઘટે છે અને આથી જ યોગ અને ધાર્મિક પ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લઇ શકાય છે. આહાર પરનું નિયંત્રણ એટલે ઉપવાસ. ગમે ત્યાં અને ગમે તે સમયે વિહાર કરવો એટલે કે ગમે ત્યાં અને ગમે તે સમયે ફરવું, રખડવું શરીર માટે તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે યોગ્ય નથી. સારું શરીર જ લાંબો વિહાર કરવા મદદરૂપ થઇ શકે. જરૂરી કામ ટાળવાની વૃત્તિ એટલે આળસ. તંદુરસ્ત શરીર આળસને ભગાવે છે.
  8. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. Be free from all worldly attachment. સંસારની ઉપાધિ એટલે ધંધા-રોજગાર ની બાબતો, ઘર-કુટુંબની બાબતો, સમાજની બાબતો, માનસિક-તાણ, આર્થિક-તાણ, હરીફાઈ, દેખાદેખી, બાળકોના ભણતર, લગ્ન વગેરે બાબતો. અને આ બધાં કારણોસર થતી માનસિક અને શારીરિક અસરો એટલે જ ઉપાધિઓ. જો માણસ સંસારની આ સર્વ ઉપાધિથી દુર જતો રહે તો જ એને પોતાને માનસિક શાંતિ મળે અને તો જ એ પોતે આત્મા અંગે અને ધર્મ અંગે વિચારી શકે. સંસારની ઉપાધીઓથી માણસ એટલો ઘેરાયેલો છે કે એને પોતાને પોતાના વિષે – એટલેકે પોતાના આત્મા વિષે – શાંતિથી વિચારવા સમય નથી. ક્યારે એ વિચારશે કે, “હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” માટે જ ધીરે ધીરે સંસારિક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી જોઈએ.
  9. સર્વ-સંગ ઉપાધિ ત્યાગવી. Avoid joining the association and keeping companionship. કોઈપણ પ્રકારનો સંગ કે જોડાણ  અંતે તો દુ:ખ, તકલીફ કે ત્રાસનું કારણ જ બને છે. સંગને કારણે રાગ થાય. ક્યારેક વિવાદ થાય અને દ્વેષ પણ થાય. માટે, બને ત્યાં સુધી એવો સંગ ત્યજવો. તમે જેટલા લોકોના સંપર્કમાં છો એ સર્વ સંગ ક્યારેક તો મન દુઃખનું કારણ બને છે. અને જયારે કોઈ વિવાદ થાય ત્યારે મનની શાંતિ હણાઈ જાય છે. 
  10. ગૃહાસ્થાશ્રમ વિવેકી કરવો. Live married life politely. જીવનના ચાર તબક્કા અને એમાં મહત્વનો અને બીજા ક્રમનો તબક્કો એ ગૃહાસ્થાશ્રમ છે. સંયમિત અને કલેશ, કલહ વગરનું મૈત્રીપૂર્ણ જીવન દંપતીએ જીવવું જોઈએ. જીવનનિર્વાહ માટે ન્યાયપૂર્વક અને મહેનતથી લક્ષ્મી કમાવવી જોઈએ. પોતે પસંદ કરેલા ધંધા-રોજગારને તુચ્છ ના ગણવો. પુરુષે એક સદગૃહસ્થને છાજે એમ જીવવું જોઈએ. દંપતીનું જીવન નીતિમય હોવું જોઈએ અને લોકો દાખલો લે એવો નીતિપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ. સમાજના નીતિ, નિયમો અને મર્યાદાઓનું પાલન કરવું જોઈએ અને ધર્મનું પાલન કરવું જોઈએ. દેરાસર, ઉપાશ્રય કે અન્ય ધાર્મિક કાર્યોમાં દંપતી એ સાથે ને સાથે રહેવું ના જોઈએ. ઘણા દેરાસરમાં પૂજા કરવા પણ સાથે જાય, સાથે પૂજા કરે. આ એટલા માટે યોગ્ય નથી કે એમા વિવેક જળવાતો નથી અને રાગના દર્શન થાય છે, મોહ દેખાય છે. અને જૈન ધર્મ રાગ છોડી વીતરાગ બનવા માટે છે. 
  11. તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો.  Learn about elements of religion from an omniscient or from an all-knowing person or from an infinitely wise person.  Learning may include questioning to oneself: Who am I? Where from am I? What is my real form? What is the purpose of this life? What is body? What is soul? What is death? What is birth? What is liberation?  સર્વજ્ઞ એટલે જેને સંપૂર્ણ જ્ઞાન છે. તત્વધર્મ એટલે તત્વનું સ્વરૂપ. વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ હતા, એમને કહેલા વચનો મિથ્યા ના થાય. આજે સર્વજ્ઞ ભગવંતો નથી, પણ આપણા કરતાં જેમની આત્મદશા ખુબ જ ઉંચી છે, અને જેઓએ શાસ્ત્રોનો ખુબ જ અભ્યાસ કરેલ છે, જે નિર્ગ્રંથ છે, જે રાગ, દ્વેષ થી પર છે, જે વીતરાગ પરમાત્માના પ્રબોધેલા માર્ગ પર ચાલે છે, એવા મહાનુભાવો પાસે તત્વધર્મ શીખવો જોઈએ અને તેમને બતાવેલ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. ધર્મ સ્વ-આત્માના કલ્યાણ માટે જ છે. 
  12. વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસવું. Be serious-minded and be free from all worldly attachments always.  ઉપરના વાક્ય નં ૩ અને ૪ ફરીથી વાંચો. ‘વૈરાગી હૃદય રાખવું’ અને ‘દર્શન પણ વૈરાગી રાખવું’. અહી વાક્ય ૧૨માં, બેસવું શબ્દ નો અર્થ હંમેશ ધ્યાને લેવું એમ કરવો. ગંભીરભાવ ધારણ કરવાનો અર્થ ચંચળતા દુર કરી એકાગ્રતા કેળવવાનો છે. વૈરાગી હૃદયમાં રાગ અને દ્વેષ ના હોવાથી આપમેળે ગંભીરતા આવે છે. મનની ચંચળતાને વશ કરવા પણ ગંભીર બનવું જોઈએ. અને આગળ કહ્યું છે એમ રાગ, દ્વેષ, મોહ, માયા, અહંકાર વગેરેથી જે મુક્ત છે, તે વૈરાગી છે. અને આવા વૈરાગીને દરેક સામાન્ય જન માન-સન્માન આપે છે. જેનો આત્મા ઉચ્ચ કોટિનો હોય તે વૈરાગી અને ગંભીર જ હોય.
  13. સઘળી સ્થિતિ તેમજ. Add “in all states” to statement 12. આખું વાક્ય એમ છે કે, “તેમજ સઘળી સ્થિતિમાં વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસવું”. ગમે તેવા સંજોગો આવે, વૈરાગી માણસે પોતે બદલાવવું ના જોઈએ અને ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ રાગ, દ્વેષ, મોહ, માયા, અહંકાર વગેરેથી મુક્ત રહેવું. એટલું જ નહીં પણ ગંભીરતા પણ ના છોડવી. એક સાધુ માટે તો અનેક પ્રકારના સંજોગો આવે, લોભ, લાલચ, ભય, તિરસ્કાર વગેરેના અનેક સંજોગો ઉભાં થાય, પણ એવા સમયે સમતુલા ના ગુમાવવી જોઈએ. હંમેશા  સઘળી પરિસ્થિતિમાં વૈરાગી હૃદય રાખવું, વૈરાગી દર્શન રાખવું, સાથે ગંભીરતા રાખવી.
  14. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. Talk politely, civilly and pleasantly but not excessively. અત્રે બોલવાની ના નથી કહી, પણ કેવા વચન અગર શબ્દો બોલવા અને કેટલા બોલવા તે કહ્યું છે. હંમેશા પ્રિય બોલો, બીજાને ગમે તેવું બોલો. વિવેકથી બોલો. વિવેક શબ્દનો અર્થ છે – ખરું-ખોટું જાણવાની શક્તિ, ડહાપણ, ચતુરાઈ. વિનય શબ્દનો અર્થ છે – સભ્યતા ભરેલું વર્તન. પ્રિય શબ્દનો અર્થ છે – ગમતું. માટે અહી કહેવામાં આવેલ છે કે ચતુરાઈથી સભ્યતાપૂર્વક સામાવાળાને ગમે તેવું બોલવું. પણ કેટલું? તો કહેલું છે કે માર્યાદિત – જરૂર પૂરતું. બોલો. માટે આજથી નિર્ણય કરો કે,”હવે પછીથી જરૂર પુરતી વાત ચતુરાઈથી સભ્યતાપૂર્વક સામાવાળાને ગમે તે રીતે કરીશ”. આત્મકલ્યાણ માટે અને વૈરાગીદશા પ્રાપ્ત કરવા માટે આ જરૂરી છે કારણકે આમ કરવાથી રાગ, દ્વેષથી દુર રહી શકાય. હંમેશા વાતની શરૂઆત સામાવાળાને કરવા દેવી. શાંતિથી સામાવાળાને સાંભળો અને વિચારીને જવાબ આપો. લાંબી વાતો કરવી નહીં. અહીં સામાવાળાના ખોટા વખાણ કરવાની વાત નથી કહી, જે ધ્યાને લેવું. “Almost nothing need be said when you have eyes.” ― Tarjei Vesaas, The Boat in the Evening.  તારજેઈ વેસાસ એના પુસ્તક ધ બોટ ઇન ધ ઇવનિંગમાં કહે છે કે જ્યારે તમારી પાસે આંખો છે, ત્યારે કશું જ કહેવાની જરૂર નથી. ઘણીબધી વસ્તુ હાવભાવથી અને આંખોથી કહી શકાય છે. માટે, ધીરેથી બોલો, ઓછું બોલો અને પ્રિય બોલો.
  15. સાહસ કર્તવ્ય પહેલા વિચાર કરવો. Before undertaking any adventure, think of pros and cons of the same. કોઈપણ વ્યક્તિએ જીવનમાં સાહસિક બનવું જ જોઈએ, પણ સાહસ અને ગાંડપણનો ભેદ પણ સમજાવો જોઈએ. જીવનની ઘણી પ્રવુત્તિઓ સાહસવૃત્તિ હોય તો જ થઇ શકે. પણ, પરિણામોનો વિચાર કરીને સાહસ કરવું જોઈએ. સાહસપૂર્વક સટ્ટો કરતી વ્યક્તિને એ ખબર હોવી જોઈએ કે આ સટ્ટો જીવન બરબાદ કરી શકે છે. જે નકારાત્મક પરિણામો વેઠવાની તાકાત હોય, તેવા જ સાહસ કરવા જોઈએ. કાર રેસિંગના રેસરને એ ખબર હોય છે કે કદાચ શરીરના હાડકા ભગાવીને અને દાઝીને પોતે હોસ્પીટલના બિછાને પડશે. અને, આવા પરિણામ ભોગવવાની તૈયારી હોય તો જ તે સાહસ કરે. ધર્મનો માર્ગ પણ એક સાહસ છે. કોઈ કવિએ કહ્યું છે કે, “પ્રભુનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને”. તમે સાહસ નથી કરતાં, માટે કાયર છો એમ કહેવું ખોટું છે.  કારણકે દરેકે પોતાની ક્ષમતા મુજબ જ કર્તવ્ય કરવું જોઈએ. જેનાથી એક ઉપવાસ ના થતો હોય, એને અઠ્ઠાઇ માટેનું સાહસ ના કરવું જોઈએ. પણ એવી વ્યક્તિએ પોતે પહેલા એક ઉપવાસથી શરૂઆત કરવી જોઈએ. અહીં સાહસ નહીં કરવું એમ નથી કહ્યું.
  16. પ્રત્યેક પ્રકારના પ્રમાદને દુર કરવો. Remove each kind of idleness. પોતાના કર્તવ્યોને ભૂલી જવું અને એ પ્રત્યે લક્ષ ના સેવવું એ એક પ્રકારનો પ્રમાદ છે. પ્રમાદ દુર કરો તો તમે ફરજો પ્રત્યે જાગૃત થશો અને જો કર્તવ્ય કરશો તો સફળ થશો. આજે માણસ એટલો પ્રમાદી થઇ ગયો છે કે એ પોતે એ વિચારતો નથી કે, ”હું કોણ છું? ક્યાંથી થયો છું? શું સ્વરૂપ છે મારું ખરું? શું કરીશ તો આ ભવચક્રના આંટાફેરા માંથી બહાર નીકળીશ”. જેને વિચાર કરવા માટે પણ પ્રમાદ છે, તે કર્તવ્ય કેવી રીતે કરશે? કર્મોના આવરણને હટાવવા પણ કર્તવ્ય કરવું પડે અને જે વ્યક્તિ પ્રમાદ ના કરે, તે જ કર્તવ્ય કરી શકે. માટે, જીવનમાં આર્થિક, સામાજીક  અને આધ્યાત્મિક ઉન્નતી માટે પ્રમાદ દુર કરો. કોઈપણ પ્રકારની સિદ્ધિ મેળવવા પ્રમાદ દુર કરવો જ પડે. એક વિદ્યાર્થીએ પણ પરીક્ષા પસાર કરવા પ્રમાદ દુર કરી મહેનત કરવી પડે તો જ પરિણામ સારું મળે. “Talent is cheaper than table salt. What separates the talented individual from the successful one is a lot of hard work.”  ― Stephen King. સ્ટીફન કિંગ કહે છે કે બુદ્ધિ તો મીઠા કરતાંય સસ્તી છે. બુદ્ધિમાન અને સફળ વ્યક્તિ વચ્ચે જો કોઈ ફરક હોય તો એ છે કે સફળ વ્યક્તિઓ ખુબ જ મહેનત કરતા હોય છે. જૈન ધર્મ મળ્યો હોય, સાચા ગુરુ મળ્યા હોય, સાચો માર્ગ ખબર પડી હોય પણ જો પ્રમાદ કરીએ તો આત્માનું કલ્યાણ થવાનું નથી.
  17. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. Be punctual. જો પ્રમાદ દુર કરશું તો કર્તવ્ય તો થશે જ, પણ એ કર્તવ્ય સમયસર નહીં થાય. જે કામ સમયસર ના થાય એનું પરિણામ બરાબર હોતું નથી. માટે પ્રમાદને હટાવીને કર્તવ્ય કરવાનું છે પણ એ કર્તવ્ય સમયસર (in time) અને નિયમિત (regular) કરવું જોઈએ. આર્થિક, સામાજીક  અને આધ્યાત્મિક કર્તવ્યો સમયસર અને નિયમિત કરવા જોઈએ. “Punctuality is not just limited to arriving at a place at right time, it is also about taking actions at right time.”  ― Amit Kalantri. નિયમિતતા નો અર્થ જે તે સ્થળે સમયસર પહોંચવું એટલો જ નથી, પણ એનો મતલબ એમ છે કે સમયસર પહોંચીને  જરૂરી કામ કરવું. અર્થાત, સમય સાથે તાલ મિલાવીને એક એક ક્ષણનો ઉપયોગ કરી લો. આળસ ત્યજી દો અને ધ્યેય પ્રાપ્તિમાં લાગી જાવ. 
  18. શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. Charm the people with your positivity. શુકલ એટલે bright, emitting or reflecting light readily or in large amounts. જ્યારે મનુષ્ય પોતે શુકલ ભાવ રાખતો હોય, સારા ભાવ રાખતો હોય, તો એનામાં અન્યોને પ્રભાવિત કરવાની શક્તિ (તેજોપુંજ) આપમેળે પ્રાપ્ત થાય છે. અને આવી વ્યક્તિ બીજાઓને પોતાના સારા ભાવોને કારણે આકર્ષી શકે છે અને બીજાના હૃદયમાં સ્થાન જમાવી શકે છે. શુકલ ભાવ એ  મોહ, માયા, લોભ, લાલચ, કામ-વાસના વગેરેથી મુક્ત હોય છે, માટે જ શુકલ ભાવ ધરાવનાર વ્યક્તિમાં કોઈ નકારાત્મક વિચારો હોતા નથી કે પ્રવેશ કરતાં નથી. શુકલ ભાવ ધારણ કરનારનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે અને એ આદરણીય અને સન્માનીય વ્યક્તિ બને છે. માટે સારા ભાવ ધારણ કરો. “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે”. કેવા સરસ ભાવ છે! મન સાફ રાખો, ચહેરા પર સ્મિત રાખો. આંખો સ્નેહભીની રાખો. લોકોના હૃદય જીતવાનો આ જ માર્ગ છે. 
  19. શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. Never breach a vow, even at the cost of own life. અહી પ્રતિજ્ઞા શબ્દનો અર્થ vow, solemn affirmation, oath એમ થાય છે. દેવ-દેવી કે ગુરુની કે અન્યોની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવામાં આવે તો એવી પ્રતિજ્ઞાનું પાલન મરતા દમ સુધી કરવું જોઈએ. જે પ્રતિજ્ઞાનું પાલન થઇ શકે એમ હોય તેવી પ્રતિજ્ઞા કે સોગંદ લેવા જોઈએ. આજીવન રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા લીધી હોય કે, સોગંદ લીધાં હોય, પચખાણ લીધું હોય, કે વ્રત લીધું હોય, તો જીવનપર્યંત એનું પાલન કરવું જોઈએ. જે લોકો પોતે લીધેલ પ્રતિજ્ઞાનું પાલન નથી કરતાં, એમનામાં સંયમ (control) ની ખામી છે એમ કહી શકાય. અને જેમના જીવનમાં સંયમ નથી, તેઓ ક્યારેય આઘ્યાત્મિક પ્રવૃત્તિ કરી શકતા નથી. 
  20. મન, વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. Renounce other’s wife (used for one’s pleasure), by combination of mind (heart), word (promise) and body. જીવનમાં ક્યારેક એવા સંજોગો પેદા થાય છે કે ગૃહસ્થને અન્ય કોઈની પત્ની પ્રત્યે આકર્ષણ થાય અને ક્યારેક આવી પરપત્ની સાથે સંબંધ બંધાય. આ સંબંધને સામાજિક માન્યતા નથી. અન્યની પત્નીને ભોગવવી ના જોઈએ. અરે, મનમાં પણ ક્યારેય અન્યની પત્નીને પ્રાપ્ત કરવાના કે ભોગવવાના વિચાર આવવા ના જોઈએ. કારણકે અન્યની પત્નીને ભોગવવી કે એને ભોગવવાના વિચાર માત્ર પણ વ્યભિચાર (adultery) છે. વ્યભિચારી માનવી સ્વ-આત્મ કલ્યાણ કરી શકતો નથી. માટે, પર વસ્તુમાં મોહ કરવો ના જોઈએ. આ જીવને હંમેશા અન્ય કાયા પ્રત્યે આકર્ષણ રહે છે. માટે આવી વૃત્તિને કાબુમાં લેવી જોઈએ. અને જો મજબુત મનથી, અફર શબ્દોથી અને શુદ્ધ શરીર થકી પરપત્ની ત્યાગ અંગે પ્રતિજ્ઞા લેવાય તો જ ભ્રમરવૃત્તિ કાબુમાં લાવી શકાય. અને આવી પ્રતિજ્ઞા મરતા સુધી પાળવી જોઈએ. હમેશા વિચારવું જોઈએ કે પર સ્ત્રી માત સમાન છે. આજકાલ પતિ, પત્ની ઔર વો નો જમાનો છે, અને આ “વો” જીવન ઝેર જેવું બનાવી દે છે. આડકતરી રીતે તો એમ કહેવામાં આવે છે કે, સ્ત્રીએ પરપતિ સાથે કે પતિ સિવાયના અન્ય પરાયા પુરુષ સાથે વ્યભિચાર ના કરવો જોઈએ. એનો મતલબ એમ પણ થાય કે સ્ત્રી માટે મન, વચન અને કાયાના યોગ વડે  પોતાના પતિ સિવાયના પુરુષનો ત્યાગ. શ્રાવકના બાર વ્રતમાં ચોથું વ્રત છે – સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. 
  21. વેશ્યા, કુમારી, વિધવા તેમજ ત્યાગ. Renounce a prostitute, an unmarried girl, a widow (used for one’s pleasure) by combination of mind (heart), word (promise) and body. અત્રે ઉપર ૨૦માં વિધાનમાં પરપત્નીની વાત કહી છે, પણ પત્ની ધરાવનાર સદગૃહસ્થે તો એકપત્નીત્વ (monogamy) નો નિયમ પાળવો જોઈએ. અન્યની પત્ની ના હોય એવી સ્ત્રી સાથે પણ અનૈતિક સબંધ બાંધી ના શકાય, એમ કહેવાનો મતલબ છે. માટે જ ગૃહસ્થે તો વેશ્યાગમન ના કરવું જોઈએ, કોઈ કુંવારી છોકરીની સાથે અનૈતિક શારીરિક સબંધ બાંધવો ના જોઈએ. કે કોઈ વિધવા સાથે પણ અનૈતિક શારીરિક સબંધ બંધાવો ના જોઈએ. વિધાન ૨૦ અને ૨૧ ભેગા કરતાં એમ જણાય છે કે પોતાની પત્ની સિવાય ગૃહસ્થે પરપત્ની, વેશ્યા, કુમારી કે વિધવા સાથે અનૈતિક શારીરિક સબંધ બંધાવો ના જોઈએ. અન્ય સ્ત્રીઓને ભોગવવાના કે એવા વિચાર માત્ર પણ વ્યભિચાર (adultery) છે. વ્યભિચારી માનવી સ્વ-આત્મ કલ્યાણ કરી શકતો નથી. માટે, પર વસ્તુમાં મોહ કરવો ના જોઈએ. માટે આવી વૃત્તિને કાબુમાં લેવી જોઈએ. અને જો મજબુત મનથી, અફર શબ્દોથી અને શુદ્ધ શરીર થકી પરપત્ની ત્યાગ અંગે પ્રતિજ્ઞા લેવાય તો જ ભ્રમરવૃત્તિ કાબુમાં લાવી શકાય. અને આવી પ્રતિજ્ઞા મરતા સુધી પાળવી જોઈએ. હમેશા વિચારવું જોઈએ કે પર સ્ત્રી માત સમાન છે. આડકતરી રીતે કહીએ તો કુમારી અને વિધવાએ પણ વ્યભિચાર ના કરવો જોઈએ. ભ્રમરવૃત્તિવાળા લોકો આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક રીતે દુખી થાય છે, અને નરક જેવું જીવન જીવે છે. આખો દિવસ કકળાટથી ઘેરાયેલા હોય છે. માટે, હે ગૃહસ્થો આપ પર-સ્ત્રીને માતા સમજો. વધુ વિચાર કરતાં જણાય છે કે કોઈ સ્ત્રીએ પોતે વેશ્યા બનવું નાં જોઇએ, કોઈ કુંવારી છોકરીએ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવો ના જોઈએ અને કોઈ વિધવાએ પણ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ ના રાખવો જોઈએ. પરસ્ત્રી તેમજ પરપુરુષ સાથે જાતીય સંબંધ નહિ રાખવાનો નિયમ લેવો જોઈએ. કામોત્તેજક વાર્તાલાપ,વાંચન,ચિત્રદર્શન આદિ નિમિત્તોનો ત્યાગ કરવાનો નિયમ લેવો જોઈએ. અતિચાર (transgression of the code of ethics or conduct): ૧. કુંવારી,પરિણીતા તેમજ વિધવા સ્ત્રી સાથે વિષયભોગ ભોગવવા. ૨. રખાત રાખવી, વેશ્યાગમન કરવું. (સ્ત્રીએ પુરુષ માટે સમજી લેવાનું) ૩. બીજાઓ સાથે કે સામે કામોત્તેજક ચેષ્ટાઓ કે હાવભાવ કરવા. ૪. પોતાના સંતાનો સિવાય અન્યના સંતાનોના વિવાહ કરાવવા. ૫. મર્યાદાહીન સાજ-શણગાર કરવા, કામોત્તેજક દવાઓ લેવી. ચોથા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો જોઈએ. અને શ્રાવકના બાર વ્રતમાં ચોથું વ્રત સ્થૂલ મૈથુન વિરમણ વ્રત  આ અંગે કહે છે.
  22. મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. Never use mind recklessly, never deliver a speech recklessly, and never use body recklessly. મન એ સતત વહેતી નદી સમાન છે. મન સતત કાર્યશીલ રહે છે, જાગતા, ઊંઘતા, હરતા, ફરતા હંમેશ એ કાર્યશીલ હોય છે. દરેક પ્રસંગ ની છાપ એના પર પડી જાય છે. Most agree that minds are constituted by conscious experience and intelligent thought. મોટાભાગના લોકો એ સ્વીકારે છે કે મનનું બંધારણ, સભાન અનુભવ અને ઉચ્ચ કક્ષાના વિચારો છે. માટે મન તો એક પાત્ર  છે જેની ક્ષમતા અનંત છે (a vessel with infinite capacity to hold). અને દર ક્ષણે આ મનમાં કેટલાયે વિચારો આવ-જા કરે છે. આવા પવિત્ર વાસણમાં કોઈ અશુદ્ધ વિચારો હોવા ના જોઈએ. મન, અશુદ્ધ વિચારોને કારણે જ દુષિત થાય છે. માટે, ખોટા અને ખરાબ વિચાર કરી મનને દુષિત ના કરવું જોઈએ. રાગ-દ્વેષ થવાનું કારણ મન છે. વધુમાં, મન પણ આ કાયામાં છે, મનની અશુદ્ધિ આ કાયાને પણ અશુદ્ધ કરે છે. માટે, આપણે ખરાબ અને ખોટા વિચારો કરી આપણા તન અમે મનને દુષિત કરવા ના જોઈએ. મન પર કાબુ મેળવવા, વિચારો પર કાબુ મેળવવો જોઈએ. અને, વિચારો પર કાબુ મેળવવા આપણે ખોટું અને ખરાબ જોવું કે સંભાળવું કે બોલવું ના જોઈએ. આપણા દ્વારા બોલાતા વચનો પર પણ આપણા મનની અસર રહે છે. રાગ-દ્વેષ થાય, કજિયા થાય એવા વચન બોલવા નહીં. માટે જ ખુબ જ સાવધાનીપૂર્વક આપણે વિચારો કરવા જોઈએ, વિચારીને બોલવું જોઈએ. આ શરીરનો ઉપયોગ બીજા કોઈને મારવા માટે કે દુખી કરવા માટે ના થવો જોઈએ. જો વિચારોમાં અનુકંપા હશે તો મન, વચન અને કાયાનો અવિવેક્પૂર્ણ ઉપયોગ નહીં થાય. આજના જમાનાના વ્યાધિઓ જેવા કે રક્તચાપ (Blood Pressure), મધુપ્રમેહ (Diabetes) વગેરે મનમાં ઉદભાવતા વિચારોને કારણે છે. જગતના ઝગડાઓ ખોટા વાદ-વિવાદોના કારણે છે. અને મારા-મારી, ખુન, કતલ, જીવહિંસા વગેરે આ કાયાના અવિચારી ઉપયોગને કારણે છે. માટે હે જીવ! મન, વચન અને કાયા નો વિવેક્પુર્વક ઉપયોગ કરો.
  23. નિરીક્ષણ કરું નહીં. Never watch. શેનું નિરીક્ષણ નહીં કરવું? એક ગૃહસ્થે સ્ત્રીના અંગો- ઉપાંગોનું નિરીક્ષણ ના કરવું જોઈએ. આમ કરવાથી મનમાં વિકારો પેદા થાય છે. આ વિધાન મહદઅંશે પુરુષો માટે લખાયેલ હોય એમ લાગે છે. પુરુષોનું  પોતાના મન પરનું નિયંત્રણ ઓછું હોય છે. સ્ત્રીને જોઈને એના મનમાં મોહ પેદા થાય છે, અને એ સ્ત્રીને ટીકી ટીકીને જોવામાં વ્યસ્ત થઇ જાય છે, ભાન ભૂલી જાય છે કે પોતે કોણ છે, ક્યાં ઉભો છે. અને પછી એ સ્ત્રીને પામવાના પ્રયત્નોમાં વ્યસ્ત થઇ જાય છે. ક્યારેક એ પોતે સ્ત્રીને પામવા ઉદ્ધત અને આક્રમક થઇ જાય છે. અને સામાજિક મર્યાદા ઓળંગી નાખે છે. ખોટા ચેન-ચાળા કરે છે. આવી રીતે એ ભ્રમરવૃત્તિનો બની જાય છે. આમ કરવામાં એ પોતે પોતાની સામાજિક પ્રતિષ્ઠા ખોઈ બેસે છે, એના નામ પર લોકો થું થું કરે છે. એ કુદરતી બાબત છે કે બે વિજાતીય વચ્ચે આકર્ષણ રહેલ છે. પણ, એનો મતલબ એમ નથી કે ગૃહસ્થ હંમેશા પરનારીના અંગ-ઉપાંગોનું નિરીક્ષણ કરે અને એના મોહમાં ડૂબી જઈ પોતાનું કર્તવ્ય ભૂલી જાય. સામાન્ય ભાષામાં આવા મોહાંધ લોકોને ચારિત્ર્યહીન કહેવાય છે. ઘણા ઉચ્ચ આસને બિરાજમાન કરોડપતિ મહાનુભાવો ના મનમાં પણ આ પ્રકારની ચંચળતા હોય છે. કેટલાક કપડા બદલી બનેલા સાધુઓની પણ આ જ પરિસ્થિતિ હોય છે. ટૂંકમાં, આ પ્રકારનું નિરીક્ષણ એ મોહ પેદા કરે છે, અને તે આત્મ-કલ્યાણના  માર્ગમાં અવરોધ ઉભો કરે છે, અને આ ભવમાં પણ નવી સમસ્યાઓ ઉભી કરે છે. સ્ત્રીઓને પણ આ વિધાન લાગુ પડે છે. 
  24. હાવભાવથી મોહ પામું નહીં.   Coquetry (Playful behavior intended to arouse sexual interest) shall not affect me.  કોઈ વ્યક્તિ એવા હાવભાવ કરે કે ઈશારા કરે અને મોહિત કરવા પ્રયત્ન કરે તો પણ હું મોહ પામું નહીં. મારા મનને વિચલિત થવા દઈશ નહીં. સંસારમાં તો અનેક મોહ પમાડનારી વ્યક્તિઓ મને મળે પણ હું સંયમ રાખીશ.
  25. વાતચીત કરું નહીં.  I shall not indulge in conversation with others. આકર્ષણ વાતચીતના કારણે પણ પેદા થઇ શકે છે. ક્યારેક એકબીજાને મોહિત કરવા અને આકર્ષવા વાતચીત કરવામાં આવે છે. ક્યારેક વાતચીત દ્વારા અન્યોની ટીકા કે નિંદા પણ થઇ શકે છે. ક્યારેક વાતચીત દરમિયાન ઉગ્ર બની જવાય અને અપશબ્દો બોલી જવાય. આમ બિનજરૂરી વાતચીત રાગ અગર દ્વેષનું કારણ બને છે. માટે બિનજરૂરી વાતચીત કરવી નહીં, અન્યોની વાતચીતમાં દખલ દેવી નહીં કે સામેલ થવું નહીં. અને ક્યારેક હોંશિયારીપૂર્વક બિનજરૂરી વાત ટાળતા શીખવું જોઈએ. આમ બિનજરૂરી વાતચીત ઝગડાથી પણ બચાવે છે. સત્સંગમાં પણ બિનજરૂરી વાતચીત કરવી નહીં. આમ, જીભ, આંખ અને મનને સંયમમાં રાખવાનું કહેવામાં આવે છે.
  26. એકાંતે રહું નહીં. I shall not stay in a state of social isolation or shall not prefer seclusion. જેનો પોતાની ઇન્દ્રિયો પર કાબુ નથી એવા લોકોએ એકાંત સેવવું નહીં. એકાંતમાં પુરુષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરુષ સાથે રહેવું નહીં.. એકાંતમાં લોકલાજનો ભય રહેતો નથી અને એકાંતમાં માનવી મદમસ્ત બને છે. આધ્યાત્મના વિકાસ માટે એકાંત જરુરી છે. એકાંત એ સામાન્ય મનુષ્યો માટે ભયજનક છે.
  27. સ્તુતિ કરું નહીં. Never adulate. પ્રસંશા અને ખોટી પ્રશંસા એ બે વચ્ચેનો ભેદ છે. સ્તુતિનો અર્થ પ્રશંસા છે, ગુણગાન, તારીફ કે વખાણ છે. ભગવાનની ભક્તિ કરવા માટે જે ગીત ગવાય, જે સ્તવન ગવાય, જે ભજન ગવાય તે સ્તુતિનો એક પ્રકાર છે. અને ભગવાનની સ્તુતિ કરવી એ સહજ છે. પણ, જ્યારે કોઈ વ્યક્તિની સ્તુતિ (ખાસ કરીને ખોટી પ્રશંસા) કરવામાં આવે ત્યારે જેની સ્તુતિ કરવામાં આવી રહી છે એવી વ્યક્તિમાં અભિમાન વધશે. આમ, આવી સ્તુતિ રાગનું કારણ બને અને સામાવાળાના પતનનું પણ કારણ બને. માટે કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી નહીં, એના ખોટા વખાણ કરવા નહીં. હા, સાચી પ્રશંસા કરવી, જ્યારે કોઈ વ્યક્તિ સમાજ માટે નિસ્વાર્થ કોઈ મોટું કામ કરે. પ્રશંસા મર્યાદિત અને ટૂંકી હોવી જોઈએ.
  28. ચિંતવન કરવું નહીં. Avoid deep thinking. ખુબ જ ધ્યાનસ્થ થવાથી, ખુબ જ એકાગ્રતા કેળવવાથી વ્યક્તિની ઈચ્છા શક્તિ વધે છે. અને ક્યારેક ખોટી ઈચ્છાઓ થાય. માટે દુઃખનું કારણ બને એવા વિષયો માટે ચિંતવન કરવું નહીં.
  29. શૃંગાર વાંચું નહીં. Never read literature containing the sentiment of love, lust, passion and beauty. શૃંગારરસ વાસનાને પ્રોત્સાહિત કરે છે. અને અતૃપ્ત વાસના વ્યક્તિમાં ભ્રમરવૃત્તિ પેદા કરે છે. અને આવી વ્યક્તિઓની નજરમાં કામ-વાસનાનો કીડો ફરતો થઇ જાય છે. સમાજમાં આવી વ્યક્તિને અભદ્ર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. સજ્જનો આવી વ્યક્તિથી દુર રહે છે.
  30. વિશેષ પ્રસાદ લઉં નહીં. Controlling food intake. જરૂર કરતા વધુ આરોગવાથી આરોગ્યને નુકશાન થાય છે, શરીર બેડોળ બને છે અને જુદા જુદા રોગો શરીરમાં પ્રવેશે છે. માટે પુરતો પણ આરોગ્યને લાભદાયક ખોરાક લેવો જોઈએ.
  31. સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. Never consume delicious meals. તમે જે ખોરાક લો છો તે તમારી તંદુરસ્તી અંગે મોટો ભાગ ભજવે છે. સારું શરીર જ સારું મન રાખી શકે. શુદ્ધ અને સાત્વિક ખોરાક અને એવો ખોરાક લેવાની નિયમિતતા રોગોને અટકાવે છે, જ્યારે અયોગ્ય ખોરાક અને ખોરાક લેવાની અનિયમિતતા રોગોને નોંતરે છે. કીડનીનાં રોગો (renal diseases), ડાયાબીટીસ (diabetes) અને બીજા કેટલાક રોગો માટે ખોરાક પણ જવાબદાર છે. માટે શરીરીને માફક આવે એવો ખોરાક લેવો જોઈએ. બીજું, વધુ પડતું ખાવાથી પણ તંદુરસ્તી બગડે છે. મીઠાઈ અને તળેલા ફરસાણ શરીરને નુકશાન પહોંચાડી શકે છે. માટે પ્રકૃતિ પ્રમાણેનો ખોરાક લેવો. કોઈના આગ્રહને વશ થઇ શરીરને માફક ના આવે એવો ખોરાક લેવો જોઈએ નહીં. મીઠાઈ વગેરે જો વધુ પ્રમાણમાં આરોગવામાં આવે તો શરીર માટે નુકશાનકારક છે.
  32. સુગંધી દ્રવ્ય વાપરું નહીં.  Never wear perfume. સુગંધી દ્રવ્યો જેવાકે પરફ્યુમ, અત્તર, ફૂલ વગેરે ની માદક સુવાસ સામેવાળી વ્યક્તિને આકર્ષે છે. અને એના ઉપયોગ થકી રાહત અને શાંતિ નો અનુભવ થાય છે.  એ દ્વારા રાગ અને કામની ઈચ્છા થાય છે. સુગંધીને કારણે ફેર્મોન્સ (Pheromones) નામના હાર્મોન્સ ઉત્તેજિત થઇ કામની ઉત્તેજના ફેલાવે છે. અન્યોને આકર્ષવા માટે કેટલાક વિષયભોગી લોકો આવા દ્રવ્યો વાપરે છે. જો અન્યોમાં આકર્ષણ પેદા કરવા માટે જ આવા દ્રવ્યોનો ઉપયોગ કરવાનો હોય તો તેવો ઉપયોગ ટાળવો જોઈએ. પરંતુ ઘણાનાં શરીરમાંથી વિશિષ્ટ પ્રકારની ના ગમે તેવી વાસ આવતી હોય તો એવી વાસ દબાવવા માટે યોગ્ય ઉપચાર થવો જોઈએ. મોટેભાગે પરફ્યુમમાં આલ્કોહોલનો ઉપયોગ થતો હોઈ કેટલાક ધર્મોમાં આ કારણે પરફ્યુમ નિષેધ હોઈ શકે. સુગંધ અને યાદશક્તિ વચ્ચે પણ સંબંધ છે. ગુલાબ, અગરબત્તી વગેરેથી વાતાવરણ મનમોહક અને પવિત્ર બને છે. માટે આવા દ્રવ્યો ધાર્મિક સ્થળોમાં વપરાય છે. માટે સુગંધી દ્રવ્યો ફક્ત વાતાવરણ પવિત્ર બનાવવા વાપરવા જોઈએ.
  33. સ્નાન મંજન કરું નહીં. Shall not take a bath and shall not do brush. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ રોજ સાબુથી સ્નાન કરવાથી શરીર પર લાગતા અતિ-સુક્ષ્મ જીવો – બેકટેરિયા વગેરે દુર થાય છે અને ચામડીનાં રોગો થતા નથી. શરીર પરના પરસેવા અને બેકટેરિયાને કારણે શરીરમાંથી ગંધ કે વાસ આવે છે. માટે એ દુર કરવાં સ્નાન જરૂરી છે. સ્નાન તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી છે. એવી જ રીતે નિયમિત દાંત સાફ રાખવાથી દાંત અને મોં ના રોગો થતા નથી. અને શરીર તંદુરસ્ત રહે છે. ધાર્મિક રીતે વધુ પડતા પાણીના દુરુપયોગને રોકવા અને જીવહિંસા રોકવા કદાચ સ્નાન પર રોક લગાવી હશે. પણ, એનો મતલબ એમ નથી કે ગંદુ રહેવાનું. જો શરીરને સાફ નહીં રાખીએ તો શરીર પર અનેક સુક્ષ્મ જીવો પેદા થશે અને તંદુરસ્તી બગાડશે અને શરીરમાંથી ગંધ આવવાનું ચાલુ થશે અને લોકો આવી બદબુથી દુર જશે. માટે સ્વચ્છ તો રહેવું જ જોઈએ. ગંદા, મેલા અને ગંધાતા વસ્ત્રો પણ પહેરવા નાં જોઈએ. જો દાંત સડી જશે તો તંદુરસ્તી બગડી જશે. માટે શરીર અને દાંત ને સાફ રાખવા. કદાચ અતિશય ઠંડા પ્રદેશમાં રોજ સ્નાન ના કરીએ તો ચાલે પણ સમયાંતરે તો સ્નાન કરવું જ પડે. આ લેખક, આ નીતિવાક્ય (સ્નાન મંજન કરું નહીં) સાથે સહમત નથી. હા, જૈન સાધુઓ સ્નાન કરતા નથી પણ તેઓ સ્વચ્છ રહે છે અને એ માટે યોગ્ય ઉપાય કરે છે. મર્યાદિત પાણીનો ઉપયોગ કરી ચોખ્ખાઈ રાખવી. ભીના કપડાથી પણ શરીર સાફ કરી શકાય જેને સ્પોન્જ બાથ (Sponge bath) કહે છે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે જો દાંતના રોગ હશે તો હૃદય રોગ થશે અને આયુષ્ય ઓછું થશે. પહેલાના લોકો દાતણ (twigs) વાપરતા હતા, હવેના લોકો પીંછી (toothbrush) વાપરે છે. ધાર્મિક  વિધિઓ કરતાં પહેલા શરીર સ્નાન કરીને ચોખ્ખું કરવું જરૂરી છે.
  34.  ________________________ કોઈ વાક્ય નથી. (It is left blank). વાચકે અત્રે વિરામ લઇ અગાઉનાં તેત્રીસ નીતિ વાક્યો પર વિચાર કરી અમલમાં મુકવાની કોશિશ કરવાની છે. The reader has to pause here and should think over on above paragraphs and should try to follow them.
  35. કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. I shall not request anyone to quench desire for sexual pleasure. સુંદર વ્યક્તિને જોઈને અગર એના અંગ-ઉપાંગ કે વાણી-વર્તન જોઈને નિમ્ન કક્ષાના લોકોમાં કામેચ્છા પ્રગટે છે, અને જો આવી ઈચ્છા પર કાબુ ના મેળવી શકાય તો એવી કામેચ્છાના ગુલામ બની કામ વાસના પોષવા માટે મજબુર બની વ્યક્તિ એક યાચકની જેમ – એક ભિખારીની જેમ તે પોતે જેનાથી પ્રભાવિત થઇ છે એની પાસે પોતે શરીર સુખની ભીખ માંગે છે. જીવનમાં હંમેશા કામેચ્છા પર કાબુ રાખવો. એક ભિક્ષુકને જેમ આજુબાજુમાં કોણ છે એની પડેલી હોતી નથી; તેવી જ રીતે કામ વાસનાની આગથી પીડિત પોતે ભાન-સાન ભૂલી જાય છે.
  36. વીર્યનો વ્યાઘાત કરું નહીં. Never masturbate. માણસ પોતાની જાતિય ઉત્તેજનાના કારણે વીર્યનો વ્યાઘાત કરવા માટે હસ્તમૈથુન જેવી વિકારી ક્રિયાઓનો સહારો લે છે. ખાસ કરીને કુંવારા યુવાનો અને એકલતા અનુભવતા પુરુષો, સ્ત્રી આકર્ષણને કારણે કે મિત્રોની ખોટી સોબતને કારણે કે હલકા પ્રકારની ફિલ્મો કે ફોટા જોવાને કારણે કે ઈન્ટરનેટ પર અશ્લીલતા જોવાને કારણે જાતિય ઉત્તેજના અનુભવે છે અને આથી પોતે હસ્તમૈથુન કે અન્ય પ્રયોગથી વીર્યનો વ્યાઘાત કરે છે. આમ આ ખરાબ આદત છે. જેનાથી દુર રહેવું જોઈએ. 
  37. વધારે જળપાન કરું નહીં. Never ingest excessive water. ટૂંકા સમયગાળામાં વધારે પડતું પાણી પીવાથી શરીરમાંનાં લોહીનું કદ વધે છે. આમ આ વધારાનાં લોહીનું કદ હૃદય પર ભાર વધારે છે. આ વધારાના પાણીને કારણે એને શુદ્ધ કરવા કિડનીએ પણ વધારે કામ કરવું પડે છે. વધારે પડતું પાણી પીવાથી hyponatremia (હાયપોનુટ્રીમીયું) થાય છે. આ કારણે લોહીમાં મીઠા (salt) નું પ્રમાણ ઘટે છે. પરિણામે અનેક સમસ્યાઓ સર્જાય છે અને ક્યારેક ટૂંકા સમયગાળામાં પુષ્કળ પાણી પીનાર મૃત્યુ પણ પામી શકે છે. આમ, અવિચારી રીતે વધુ પડતું જળપાન કરવું જોઈએ નહીં. ક્યારેક વધુ પડતું પાણી પીનારને ­water intoxication (વોટર ઇન્ટોકસીકેશન) or water poisoning (વોટર પોઈઝનીંગ) થાય છે. પાણીનો અતિશય ઉપયોગ ઝેર સમાન છે.
  38. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. Never shot a woman an impatient side-look. ત્રાંસી નજરે કેમ જોવું પડે? કેટલાક પુરુષો સ્ત્રીઓને જોવાનું ટાળી શકતા નથી, કારણકે એમના વિચારો કામવાસનાથી ભરપુર હોય છે, અને માટે જ ગમે ત્યાં ત્રાંસી નજરે સ્ત્રીઓનાં અંગ-ઉપાંગને જોતા રહે છે. આમ કટાક્ષ દ્રષ્ટિએ જોવું એ કામી કે વિષયી પુરુષોની નિશાની છે. આમ, કટાક્ષ દ્રષ્ટિ એ મોહભાવ બતાવે છે. મનને સંયમમાં રાખતા શીખવું જોઈએ. અન્ય સ્ત્રીઓમાં પોતાની મા – બહેન જોવા પ્રયત્ન કરવો જોઈએ. આમ વિચારવાથી, કામ-વાસનાના વિચારોથી મુક્તિ મળશે.
  39. હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી). Never smile while talking with a woman. હાસ્ય એ ચહેરાના હાવભાવ છે. હાસ્યએ દુનિયામાં કોઈપણ વ્યક્તિ સમજી શકે એવી વિચારોને આપ-લે કરતી એક મુક ભાષા છે. હાસ્ય એ એક સિગ્નલીંગ સિસ્ટમ છે. હાસ્ય એ વિષયભોગ ઈચ્છા પ્રદર્શિત કરતી જાહેરાત છે. હાસ્ય એ આકર્ષણ જમાવે છે. બિન જરૂરી હાસ્યને નકારાત્મક અભિવ્યક્તિ તરીકે માનવામાં આવે છે. અપરિચિતો સાથે હસીને વાત કરવી એ અસામાન્ય અને શંકાસ્પદ વર્તન ગણાય. અને માટે જ અન્ય સ્ત્રીઓ સાથે હસીને વાત કરવી નહીં કારણકે એમાં કામ વાસનાની અભિવ્યક્તિ છે.
  40. શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. Never observe lustful attires. આંખને આકર્ષે એવા વસ્ત્રો પર સર્વની નજર જાય છે. શૃંગારી વસ્ત્રની મહત્તા, સ્ત્રી એ વસ્ત્ર પહેરે એટલે વધી જાય છે. સ્ત્રીના અંગ-ઉપાંગને શૃંગારી વસ્ત્રો વધુ ધ્યાનાકર્ષક બનાવે છે. અને સામાન્ય પુરુષો શૃંગારી વસ્ત્રો ધારણ કરનાર સ્ત્રીઓને અને આવી સ્ત્રીઓના અંગો-ઉપાંગોને ધારી ધારી ને જોવાની લાલચ રોકી શકતા નહીં. આમ શૃંગારી વસ્ત્રો મોહ અને વાસના પેદા કરતાં હોઈ, સજ્જન પુરુષોએ તેમજ સાધુઓએ એવા વસ્ત્રો કે એવા વસ્ત્રો ધારણ કરનાર સ્ત્રી તરફ જોવું જોઈએ નહીં.
  41. દંપતી સહવાસ સેવું નહીં. Never stay with a couple. જ્યાં પતિ-પત્ની એકલા રહેતા હોય, એવી જગ્યાએ એમની સાથે રહેવું નહીં. કારણકે એમનો સહવાસ અનેક પ્રકારના વિકાર મનમાં પેદા કરે છે. ખાસ કરીને આ વાત યુવાનોને લાગુ પડે છે. એકલા રહેતા  દંપતીએ પણ દુરના સગાઓ કે મિત્રો ને પોતાને ત્યાં એકલા રાખવા નહીં. ક્યારેક આવો સહવાસ લગ્ન-જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે.
  42. મોહનીય સ્થાનકમાં રહું નહીં. Never stay in a place full of worldly temptation. કામેચ્છાનાં વિચારો મનમાં લાવે એવા સ્થાનો એટલે મોહનીય સ્થાનો. જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય ત્યાં રહેવું નહીં. જ્યાં પશુઓ રહેતા હોય ત્યાં નાં રહેવું, કારણકે  પશુઓની ચેષ્ટાઓ ક્યારેક કામેચ્છા પેદા કરે છે. જ્યાં દેહનો વ્યાપાર થતો હોય તેવી જગ્યાની નજીકમાં પણ રહેવું નાં જોઈએ. જ્યાં અશ્લીલતા હોય ત્યાં રહેવું નાં જોઈએ. કારણકે આ બધી જગ્યાએ મન ભ્રમિત થઇ જાય, મોહ પમાય અને કામ-વાસના જાગી ઉઠે અને ખોટી બાબતોમાં ભટકી પડાય.
  43. તેમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું. Great people should follow; I seek to follow them. ઉપર કહેલ તમામ વચનો, જે ઉચ્ચ ચારિત્ર્ય માટે જરૂરી છે, તે તમામ વચનો મહાપુરુષો એ પાળવા જોઈએ. મહાપુરુષ એટલે કોણ? જેને ઉચ્ચ નૈતિક, સામાજિક અને ધાર્મિક મૂલ્યો સાથે જીવન જીવવું છે, એ તમામ મહાપુરુષો છે. મહાનીતીના મૂળ લેખક કહે છે કે એ પોતે પણ આ તમામ વચનો પાળવા પ્રયત્નશીલ હતા. એનો મતલબ એમ થયો કે આ તમામ વચનો પાળવા અઘરા તો છે જ અને હમેશા પ્રયત્ન રહેવો જ જોઈએ કે એનું પાલન થાય.
  44. લોક નિંદાથી ડરું નહીં. Never be afraid of criticism. જો કોઇ આપની નિંદા કરે કે ભૂલો શોધે, તો તેને હકારાત્મક રુપમાં લઇએ અને પોતાની નબળાઇ દૂર કરીએ. સાથે બીજાની નિંદાથી બચીએ. નિંદા, આલોચના, ખોદણી કરનારી વ્યક્તિને હંમેશા પોતાની નજીક રાખવી જોઇએ. તેના મુખેથી આપણી આલોચના સાંભળી આપણે આપણા સ્વભાવમાં પરિવર્તન લાવી શકીશું અને આપણામાં રહેલી ઉણપો દૂર થશે. તમે જો સારા કામ કરશો, તો પણ લોકો એમાં ભૂલો કાઢીને આપની નિંદા કરશે જ. તમે ધર્મધ્યાન કરશો તો પણ લોકો એમાં ભૂલો કાઢશે અને ટીકા-ટિપ્પણ કરશે. માટે ક્યારેય લોક-નિંદાથી ડરવું નહીં, પણ આવી નિંદા સાંભળી, આત્મનિરીક્ષણ કરી, પોતાની ભૂલો સુધારી લેવા પ્રયત્ન કરવો. આમ કરવાથી ધીરે ધીરે આપણે દોષ-મુક્ત થઇ જઈશું, મહાત્મા થઇ જઈશું અને આપણો આત્મા પણ શુદ્ધ બનશે.
  45. રાજ્યભયથી ત્રાસું નહીં. Never be afraid of dread authorities. સત્તા આગળ શાણપણ નકામું, એવી કહેવત છે. ક્યારેક સત્તાધીશો ભય ફેલાવે છે, એવા હુકમો કરે કે ડર લાગે. પણ, એનો મતલબ એમ નથી કે આવા ડરામણા સત્તાધીશોના કારણે ધર્મ કે સત્ય છોડી દેવા પડે. અડગ રહી સત્ય રજુ કરવું એ કર્તવ્ય છે. ચાહે મોત આવે પણ સત્યનો સહારો ના છોડવો. સત્ય અને ધર્મ સાથે જ હોય, માટે સત્ય છોડવાથી ધર્મ છૂટી જ જાય છે. સમાજમાં ઘણા લોકો એવા છે કે થોડી લાલચ કે લોભ કે ડરનાં કારણે સત્ય છોડી દેતા હોય છે. આવા લોકો આ જગતમાં અપકીર્તિ પામે છે. મૃત્યુ તો આજે નહીં તો કાલે આવવાનું જ છે, તો પછી મોતનો ડર શા માટે? અને જો સત્તાધીશોને પણ સત્યની જાણ થાય તો કદાચ એમનામાં પણ પરિવર્તન આવે.
  46. અસત્ય ઉપદેશ આપું નહીં.Never give untrue advice. રાજભય, ડર, ત્રાસ, લોભ કે લાલચને  કારણે પોતાની માન્યતા કે શ્રદ્ધા વિરુદ્ધ ઉપદેશ કે સલાહ આપવા નહીં. તમે જ્યારે જુઠું બોલો છો ત્યારે ભલે દુનિયા નથી જાણતી હોતી, પણ આપનો માંહ્યલો એટલે કે અંતરાત્મા તો હકીકત જાણતો જ હોય છે. માટે, પોતાના અંતરાત્માને છેતરવો નહીં, અને સત્ય છોડવું નહીં. ઉપરાંત, અસત્ય ઉપદેશ આપવો નહીં.
  47. ક્રિયા સદોષી કરું નહીં. I shall not do faulty rituals. દોષોને દુર કરવા માટે તો ક્રિયા કરવામાં આવે છે. માટે જે ક્રિયા કરીએ તે દોષમુક્ત હોવી જોઈએ. જે કોઈ તપ, જપ વગેર કરવામાં આવે તે તમામ દોષમુક્ત હોવા જોઈએ. “ચાલશે” એવા વિચાર સાથે દોષ સહિતની ક્રિયા કરવી, એના કરતાં તે ના કરવી ઉત્તમ છે.
  48. અહંપદ રાખું કે ભાખું નહીં. Do not be self-conceited. અભિમાની ના બનો, અહંકારી ના બનો. પોતાનું અભિમાન પ્રગટ ના કરો. અન્યોના સદગુણોને પ્રસંશા કરો. પોતાના સદગુણો ઢાંકો. નાનામાં નાની વ્યક્તિને માન આપો. દરેકને મદદરૂપ બનો. સત્ય બોલો.
  49. સમ્યક પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. See the universe properly. જ્યારે તમે આ અનંત વિશ્વને સારી રીતે સમજવા પ્રયત્ન કરશો તો એ હકીકત સામે આવશે કે આ જગત છે. અનંત તારાઓ, આકાશ-ગંગાઓ, અનંત જીવો  અને અનંત પદાર્થો, અનેક ગ્રહોથી બનેલ આ જગત પૂરું સમજી કે જાણી શકાય એમ નથી. છતાં, એવા આ જગતમાં આપણું પોતાનું એક અસ્તિત્વ છે, જેમ અન્ય પદાર્થ અને જીવોનું અસ્તિત્વ છે એમ તમારું અસ્તિત્વ છે. અને આ જગતમાં ઘણી બધી ચીજ-વસ્તુઓ બદલાયા કરે છે. માટે હે માનવી તું વિચાર કે, ”હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? આ જીવનનો મારો હેતુ શું છે? શું અહી મારું કશું છે ખરું? સમય શું છે? જીવ શું છે? અને મારો આ જગતમાં શું હેતુ છે?”
  50. નિ:સ્વાર્થપણે વિહાર કરું. Take a trip altruistically. અનેક કારણોસર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. પણ, જ્યારે આવી રીતે બહાર જવાનું થાય ત્યારે માનવીએ કોઈપણ અપેક્ષા કે સ્વાર્થ સાથે આવી મુસાફરી ન કરવી જોઈએ. નિ:સ્વાર્થપણે મુસાફરી કરવી જોઈએ અને પોતાનાથી બનતી દરેક મદદ સહયાત્રી કે સહચરને કરવી જોઈએ. મન અને હૃદય ખુલ્લા રાખવા જોઈએ. અપેક્ષા એ દુઃખનું કારણ છે, માટે ક્યારેય કોઈ પાસે અપેક્ષા ના રાખશો. અને નિ:સ્વાર્થપણે અને અપેક્ષા વગર કરેલ મદદ ક્યારેય વ્યર્થ જતી નથી. માટે, ઘરની બહાર નીકળતા જ, હે માનવી! તું નિ:સ્વાર્થપણે આગળ વધ.
  51. અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. The sex appeal is a factor in the way you dress?  જ્યારે આપ પોતે પોતાના વ્યક્તિત્વને આકર્ષક બનાવવા અને સામેવાળાને લોભાવવા એવા વસ્ત્રો અને આભુષણ પહેરો કે જેથી અન્યની નજર આપ પર ટીકી રહે. આપના અંગ, ઉપાંગ દેખાય. અને જોનાર વધુ આકર્ષણ પામે. આપ વધુ આકર્ષક લાગો એવા ચેન-ચાળા કરો. આમ અન્યને તમારા પ્રત્યે મોહ પેદા થાય એવા સ્પષ્ટ હેતુથી આપ જ્યારે વસ્ત્રો પરિધાન કરો અને પ્રસાધન દ્રવ્યો વાપરો, સુગંધિત અત્તર વાપરો તો સ્વાભાવિક છે કે આપ પર અન્ય સંસારી જીવને મોહભાવ પેદા થવાનો જ છે. અને ક્યારેક જો આપ પ્રત્યે આકર્ષણ પામેલ જીવો સ્વ-નિયંત્રણ નહીં કરી શકે તો આપ જાતે જ મુશ્કેલીને નોંતરો એમ બને. સમાજમાં બનતા ગુનાઓનો અભ્યાસ કરવાથી આ હકીકત પણ માલમ પડે છે.
  52. ધર્માનુરક્ત દર્શનથી વિચરું. I shall always be committed to Jain religion and its system of philosophy. જ્ઞાન પ્રાપ્તિ એ આત્મસાધના માટેનું પ્રથમ પગથીયું છે. જ્ઞાન અપાર છે અને અનંત છે. અને આવું અપાર અને અનંત જ્ઞાન ફક્ત કેવળજ્ઞાની જ પ્રાપ્ત કરી શકે. માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ-તત્વનું જ્ઞાન હોવું જોઈએ. જેને આ નવ-તત્વમાં રસ, રુચિ અને શ્રદ્ધા છે, તે જ આત્મ-સાધનાનો અધિકારી છે. અને આવી વ્યક્તિને સમકિતી કે સમ્યગદ્રષ્ટિ વ્યક્તિ કહે છે. અત્રે ધર્મ + અનુરક્ત શબ્દનો અર્થ છે, જે ધર્મના રંગે રંગાયેલો છે. દર્શન શબ્દનો અર્થ છે પોતાના તત્વજ્ઞાનની પધ્ધતિથી નિહાળવું. વિચરું શબ્દનો અર્થ છે, આગળ વધુ. આમ, હું ધર્મના રંગે રંગાયેલો રહીને, જૈન તત્વજ્ઞાનથી દુનિયાને નિહાળતો નિહાળતો આગળ વધીશ, અને જૈન તત્વજ્ઞાનનો પ્રસાર અને પ્રચાર કરીશ.
  53. સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. Show sympathy with all. અત્રે પ્રાણી શબ્દનો અર્થ જીવ છે. જીવ ને આત્મા કહે છે. તે ચેતનામય અરૂપી સત્તા છે. ચેતનાની ક્રિયા ( ઉપયોગ) એ તેનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ-દુખ આદિ દ્વારા તે વ્યક્ત થાય છે. જેમને તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેમને ફરીથી જન્મ લેવાનો નથી, એવા શરીર વિનાના નિરંજન , નિરાકાર આત્માને મુક્ત જીવ કહે છે. આવા મુક્તાત્માઓ અનંત છે. અને જેઓ વિવિધ કર્મો થી બદ્ધ છે , જેઓ પુનઃ પુનઃ જન્મ મરણ કરી ને અવનવા દેહો માં જીવે છે તેઓ સૌ સંસારી જીવો કહેવાય છે. સંસારી જીવો ના બે ભેદ છે. (૧) ત્રસ અને, (૨) સ્થાવર. આવા સંસારી ત્રસ અને સ્થાવર જીવો દયાને પાત્ર છે, કારણકે તેમને જ્ઞાન નથી. અને આવા અજ્ઞાની જીવો દ્વારા ઉપસર્ગ કે આપત્તિ આવી પડે તો પણ એવા જીવો પ્રત્યે સમભાવ રાખવો, કારણકે સમભાવ એ મોક્ષનું કારણ છે.
  54. ક્રોધી વચન ભાખું નહીં. Never make any statement under the influence of anger. સમભાવને તોડનાર જે છે એ ક્રોધ છે. ક્રોધના શબ્દો સંભળાય છે ત્યારે જીવ દાઝી જાય છે. ક્રોધ વેરનું કારણ છે. ક્રોધ અજ્ઞાનનું પરિણામ છે. ક્રોધ નરકનું દ્વાર છે. ક્રોધના કારણે જીવતા જીવ, નરકની પ્રતીતિ થાય છે. ક્રોધથી દુર રહેવાના ઘણા ઉપાય છે. જ્યારે કોઈ ક્રોધિત વ્યક્તિ મૂર્ખાઈથી ખરાબ શબ્દો ઉચ્ચારે ત્યારે એની સાથે શાંતિથી અને નમ્રતાથી વાત કરો. ક્રોધ કરનારો પોતાની શ્રેષ્ઠતા અને લાયકાત ગુમાવે છે, એ હકીકત યાદ રાખો. નમ્રતાથી ધીમા અવાજે વાત કરવાનું શીખો. જે લોકો પોતાની દલીલો અને તકરાર ત્યાગી દે છે, તેઓ સન્માન પ્રાપ્ત કરે છે. ધર્મનું સાચું આચરણ ક્રોધ અટકાવે છે, માટે ધર્મ જાણો અને અનુસરો. ગૂંચવી નાંખે એવી ખોટી વાતોમાં આવી જવું નહીં. કોઈની કાન-ભંભેરણી ધ્યાને લેવી નહીં. કોઈ સાથે તકરાર કરશો નહીં, કોઈની હાંસી ઉડાવશો નહીં, કોઈને ખોટા વચન આપશો નહીં અને આપેલ વચનનો ભંગ કરશો નહીં. ખુબ જ તકરાર કરનારા, ઉદ્ધત, અહંકારી, ધર્માંધ કે મતાંધ વ્યક્તિઓથી દુર રહેવું. તમને ગમે કે ના ગમે એવા જ્ઞાની વ્યક્તિ સાથે દલીલો કરશો નહીં. જ્ઞાનની પ્રાપ્તિ દલીલો કરવા માટે, બીજાઓને આંજવા માટે કે પોતાની મહાનતા બતાવવા માટે નથી. માટે તમને બીજા કરતાં સારું જ્ઞાન હોય તો સમભાવથી વર્તજો. એકાંતમાં રહેશો નહીં, સત્સંગ કરી બીજાઓને ધ્યાનથી સાંભળશો અને મૌન રહેશો. કંકાસ કરનારા કોઈની પ્રિય નથી હોતા. દલીલ નહિ કરવાનો નિર્ણય કે તકરાર નહિ કરવાનો નિર્ણય એમ સાબિત કરતો નથી કે તમે ખોટા છે અને સામેવાળો સાચો છે, પણ એનો અર્થ એમ છે કે તમને તકરાર પસંદ નથી, તેમ શાંતિપ્રિય છો. અને આ જ કારણે દુશ્મન પણ તમારી વાત સ્વીકારી લે એમ બને. જ્ઞાની વ્યક્તિ કોઈ ક્રોધિત કે ઉગ્ર વચન ઉચ્ચારતો નથી. જ્ઞાની અને ધાર્મિક વ્યક્તિઓ અન્યોને બદનામ કરતાં નથી, ગાળ દેતાં નથી કે ખોટા અભિપ્રાય આપતા નથી. જે પોતાના ક્રોધને સંયમમાં રાખી શકે છે, એ દુનિયાનો સૌથી બહાદુર માણસ છે. જેવી રીતે કોલસામાં સમાયેલ અગ્નિ, કોલસાને રાખ કરી મુકે છે તેવી જ રીતે ક્રોધ આત્માને વ્યથિત કરી મુકે છે. દુનિયામાં સારા જીવો જ ક્રોધને પી શકે છે. કોઈ ઉકસાવે તો પણ ક્રોધ કરવો નહિ. જેનો પોતાની જીભ પર કાબુ નથી, એ દુખી થાય છે. આમ,ક્રોધ તમારી પર કાબુ મેળવે, એ પહેલા તમે ક્રોધ પર કાબુ મેળવો.
  55. પાપી વચન ભાખું નહીં. Never say wicked words. અઘ એટલે પાપ. પાપ પોતે મહાશત્રુ છે, મોટો અસુર છે. પાપ કદી નિર્દોષ ના હોય, નિર્ભય ના હોય, નિશ્ચિંત ના હોય. પાપી અંતે પોતાના જ પાપના ભારથી ડૂબે છે. જેને કોઈ નથી મારી શકતું તેને પાપ મારે છે. પાપ એટલે ધર્મ વિરુદ્ધનું કૃત્ય. જૈનધર્મ પ્રમાણે અઢાર પાપ ગણાય છે: જીવહિંસા, જૂઠું બોલવું, ચોરી, વિષય સેવવો, પરિગ્રહ, ક્રોધ, અહંકાર, કપટ, લોભ, રાગ, દ્વેશ, કલહ, કોઈ ઉપર આળ ચડાવવું, ચાડી, પારકી નિંદા, રતિઅરતિ, માયામોસો અને કુગુરુ, કુદેવ તથા કુધર્મની આસ્થારૂપ શલ્ય. હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ તે ભાવપાપ છે અને તેના નિમિત્તે જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્યપાપ છે. કઠોર વાણી, મિથ્યા વચન, સર્વ પ્રકારની ચાડી અને નિષ્પ્રયોજન વાર્તા એ ચાર વાણીનાં પાપ મનાય છે. નહિ કરવા જોગ કામ કરવું એ જેમ પાપ છે, તેમ કરવા જોગ કામ ન કરવું તે પણ પાપ છે. પાપનું ફળ પતન અને દુ:ખ છે. તે કર્તાનું અનેક જન્મોમાં અહિત કરે છે. પાપીનો સંસર્ગ કરનાર પણ પાપનો ભાગીદાર તથા દુ:ખનો અધિકારી થાય છે. પ્રાયશ્ર્ચિત્ત અને પાપનું ફળ ભોગવવું એ બે ઉપાયોથી પાપની નિવૃત્તિ માનવામાં આવે છે. માટે પાપ પ્રેરક વચનો બોલું નહિ.
  56. અસત્ય આજ્ઞા ભાખું નહીં.  Never ask someone to do untrue things. કેટલાક બની બેઠેલા ગુરુઓ અન્યો પાસે ખોટા કામ કરાવવા હોય તો કહે કે, “શાસ્ત્રમાં આમ કહ્યું છે, કે ભગવાને આમ કહ્યું હતું.” અને નિર્દોષ લોકો જે ભક્તિભાવ અને વિશ્વાસમાં હોય એમને છેતરવામાં આવતા  હોય છે. અને આ પ્રકારે લોકોની લાગણીઓ સાથે ખોટી આજ્ઞા આપી રમત રમતા હોય છે અને પોતાનો સ્વાર્થ સાંધતા હોય છે. ખોટી આજ્ઞા કરવી એ પાપ છે. માટે જે સાચું છે, એનું સમર્થન કરવું જોઈએ અને સત્યયુક્ત આજ્ઞા આપવી જોઈએ. કેટલાક બની બેઠેલા ધર્મગુરુઓ જ્યારે પોતાના પાપ પ્રકાશમાં આવે છે, ત્યારે પોતાના ભક્તોને ખોટી આજ્ઞા આપી ગુના કરવા પ્રેરતા હોય છે. આમ કરવું એ પાપ છે. માટે ક્યારે પણ કોઈને ખોટી સલાહ કે આજ્ઞા આપવી જોઈએ નહિ. આજ્ઞા તો એ જ આપી શકે જે પોતે સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તતા હોય. 
  57. અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં.  Never ask someone to take harmful vow. અપથ્ય એટલે અહિતકર અથવા પ્રતિકૂળ. પ્રતિજ્ઞા એટલે નિયમ, નીમ, સંકલ્પ, શપથ કે નિશ્ચય. કોઈ તમારામાં વિશ્વાસ રાખતું હોય, શ્રદ્ધા ધરાવતું હોય ત્યારે તમારામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિને એવા કોઈ નિયમ લેવા બાધ્ય ના કરવા જોઈએ જેથી એનું અહિત થાય. એવું વ્રત લેવા ક્યારેય આગ્રહના કરવો જોઈએ, જે વ્રતનું પાલન ના થઇ શકે. દાખલા તરીકે, મધુમેહનો વિકાર (diabetes) જેને હોય, એને ઉપવાસ કરવાનું  વ્રત ના અપાય.
  58. સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં.  Never be attracted by beautiful nature (or seductive looking women). અહીં સૃષ્ટિ સૌંદર્ય એટલે પ્રાકૃતિક સૌંદર્ય અંગેની વાત છે. પાંચ ઇન્દ્રિયો છે. કાન, નાક, જીભ, આંખ, ને ત્વચા. સૃષ્ટિનું સૌંદર્ય એટલે સુંદર સંગીત, ગમે તેવી સુગંધ, જીભને પસંદ પડે તેવા સ્વાદ, આંખોને ગમે તેવી સુંદરતા કે રચનાઓ અને મનને આનંદ આપે તેવો સ્પર્શ. જ્યાં પાંચ ઈન્દ્રિયોનું સુખ સંતોષાય છે, ત્યાં આત્મ-કલ્યાણ થતું નથી. કારણકે, આવું સુખ હોય ત્યાં ધર્મનો અભાવ હોય, આવું સુખ એ રાગનું કારણ છે. અને સુંદર સ્ત્રી પણ સૃષ્ટિ પર નું સૌંદર્ય છે.
  59. સુખ દુ:ખ પર સમભાવ રાખું.  Maintain equanimity when you are either happy or unhappy.  સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. સુખ અને દુઃખ જીવનના અભિન્ન ભાગ છે. બંને કર્મોનું પરિણામ છે. કર્મનો સિદ્ધાંત કહે છે કે કરેલું કર્મ તો ભોગવવું જ પડે. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ કહે કે મારે મારા કામનું ફળ (પાપ-દુઃખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ તો આપે જ, અને તે ભોગવવું જ પડે. માટે જ જ્યારે તમે વર્તમાનમાં સુખ ભોગવી રહ્યા છો કે દુઃખ ભોગવી રહ્યા છો, એ અગાઉના કર્મનું ફળ છે. અને આ સંજોગોમાં વધુ ખોટા કર્મો કરવાનો મતલબ એમ થાય કે નવા કર્મો બાંધવાના અને ભવિષ્યમાં ભોગવવાના. માટે જ્યારે જ્યારે સુખ મળે કે દુઃખ મળે, સમભાવ રાખવો જોઈએ.
  60. રાત્રી ભોજન કરું નહીં. Never eat food after sunset and before sunrise. રાત્રી ભોજન કરવું જોઈએ નહીં, એ માટે ધાર્મિક કારણો છે. ઉપરાંત, વૈજ્ઞાનિક કારણો પણ છે. વૈજ્ઞાનિકોએ ઉંદર પર પ્રયોગ કરી એમ સિદ્ધ કર્યું છે કે ચયાપચય (metabolism) કે શરીરમાં પોષક દ્રવ્યો અથવા જીવનરસમાં થતાં ફેરફારોનો સીધો સંબંધ  દિવસના સમય સાથે છે. માટે રાત્રી ભોજન શરીર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. રાત્રી ભોજન કરવાથી શરીરમાં વધારાની – નહીં ઉપયોગમાં લેવાયેલ કેલરી (calories) જમા થાય છે અને શરીરનું વજન વધે છે. રાત્રીભોજનને કારણે કોલેસ્ટ્રોલ (cholesterol)નું પ્રમાણ વધે છે જેને લીધે હૃદય રોગ થાય છે. રાત્રી ભોજન કરવાથી ગ્લુકોઝ અને ઇન્સ્યુલીન (glucose and insulin) ની માત્રા વધે છે, જે ટાઈપ – ટુ ડાયાબીટીસ (diabetes type 2) માટે જવાબદાર છે. વધુમાં, રાત્રી ભોજન કરવાથી સ્મૃતિભ્રંશ થાય છે અને શરીરના મનન કે ચિંતનકારી કાર્યો (cognitive functions) પર અસર પડે છે. રાત્રી ભોજનને કારણે વિચિત્ર સ્વપ્નાંઓ (weird dreams) આવે છે. જમ્યા પછી પેટને ખાલી થતા થોડા કલાક લાગે છે. જો રાત્રી ભોજન કરી સુઈ જઈએ તો ભરેલા પેટમાંથી બહારના ભાગોમાં એસીડ લીક થઇ વેરાશે અને અન્નનળીના માર્ગમાં પ્રવેશશે જેને કારણે એસીડ રિફ્લેક્ષ થશે કે એસીડીટી થશે. આટલા બધા કારણો છે, જે ધ્યાને રાખી રાત્રી ભોજનનો ત્યાગ કરવો જોઈએ. કોઈ સારા ડોક્ટર સાથે ઉપરોક્ત મુદ્દાઓ અંગે ચર્ચા કરવી જોઈએ. સારું અને તંદુરસ્ત જીવન જીવવા રાત્રી ભોજનનો ત્યાગ કરો.
  61. જેમાંથી નશો, તે સેવું નહીં. Never consume intoxicants and narcotics. નશીલા પદાર્થો કે  માદક દ્રવ્યો (psychoactive) તરીકે ઓળખવામાં આવતા પદાર્થોને ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. (૧) ભ્રમોત્પાદક (hallucinogen) પદાર્થો. આવા પદાર્થોનું સેવન કરવાથી દ્રશ્ય, શ્રાવ્ય કે અન્ય પ્રકારના ભ્રમ થાય છે. (૨) નશો થાય તેવા પદાર્થો (inebriants).  મદ્યાર્ક, ક્લોરોફૉર્મ, ઈથર, બેન્ઝીન, અને અન્ય સોલવન્ટ અને અન્ય રસાયણો જેવા પદાર્થો. (૩) કુત્રિમ નિંંદ્રા લાવનાર પદાર્થો (hypnotics). જેમ કે મેંન્ડ્રેક, કાવા, ટ્રાન્ક્વીલાઈઝર્સ અને નાર્કોટિક્સ, અફીણ વગેરે. (૪) ઉત્તેજક (stimulants). આવા પદાર્થોનું સેવન કરવાથી માનસિક અને / અથવા શારીરિક ઉત્તેજનામાં વધારો થાય છે. ચા, કોફી, કોકો, કોકા-કોલા, કટ, સોપારી, તમાકુ, કોકેન અને એમ્ફેટેમાઈન વગેરે. આમ આમાંના અમુક પ્રકારના પદાર્થોનું સેવન કરવાથી સેવન કરવાની આદત પડી જાય છે. જે શરીર માટે નુકસાનકારક છે. આવા પદાર્થોનું સેવન કરવું જોઈએ નહિ. હા,  ડોકટરો સારવારમાં આવા અમુક પદાર્થોનો ઉપયોગ કરે છે,  પણ એ સારવાર માટે છે. માટે, જીવનમાં ક્યારે પણ આનંદ પામવા કે ચિંતામુક્ત થવા નશીલા પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. કેટલાય પરિવારો નશીલા પદાર્થોને કારણે બરબાદ થઇ ગયા છે.
  62. પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં. Never say anything false that hurts others. ખોટા આશ્વાસનો આપવા જોઈએ નહિ. ખોટા પ્રલોભનો પણ આપવા જોઈએ નહિ. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત સત્ય છે. સત્ય એટલે જે હકીકત કે વાસ્તવિકતા હોય. માટે હંમેશા સત્ય બોલવું જોઈએ. કોઈને ખોટું કહીએ અને જ્યારે એને ખબર પડે તો એના દિલને દુઃખ થાય. કોઈના દિલને દુભાવવું એ પણ હિંસા છે. માટે ક્યારે પણ જુઠ કે અસત્યનો સહારો લેવો ના જોઈએ. તમારું જુઠ તમને અને અન્યોને દુઃખ આપશે. 
  63. અતિથિનું સન્માન કરું. A guest is akin to god. આ આપણી અચાર સંહિતા છે. આપણી સંસ્કૃતિ છે જે કહે છે કે, “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ”.  શ્રાવકના બાર વ્રતમાં છેલ્લું અતિથિ સંવિભાગ નામનું વ્રત છે. પોતાના માટે તૈયાર કરેલા આહારમાં અતિથિનો અમુક ભાગ રાખવો. આહાર માટે સાધુ કે મુની વહોરવા આવ્યા હોય તો ભક્તિપૂર્વક ગોચરી (ભિક્ષા) વહોરાવવી. ઘરે આવેલ કોઈ અતિથિ ભૂખ્યો જવો ના જોઈએ. દાન આપવામાં અન્ય વિકલ્પ (doubt / suspicion) કરવાથી ભાવના દુષિત થઇ જાય છે. માટે નિર્વિકલ્પપણે દાન આપવું જોઈએ. 
  64. પરમાત્માની ભક્તિ કરું. Devotion to God. જૈન ધર્મની માન્યતા છે કે આ વિશ્વનો કોઈ સર્જનહાર નથી. Hence Jainism does not believe in God as a creator, survivor, and destroyer of the universe. However Jainism does believe in God, not as a creator, but as a perfect being. When a person destroys all his karmas, he becomes a liberated soul. He resides in a perfect blissful state in Moksha. જ્યારે આત્મા પોતાના તમામ કર્મોનો ક્ષય કરે ત્યારે તે મોક્ષપદ પામે. જે આત્માઓ મોક્ષપદ પામ્યા છે, એવા પરમાત્મા જેવો મારે મારો આત્માને બનાવવો છે, જેથી હું પણ મોક્ષપદ પામી શકું. અને આવી ભાવના ભાવતા ભક્તિ કરવામાં આવે અને પરમાત્મા જેવા ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રયન્ત કરવામાં આવે તો મોક્ષપદ અવશ્ય મળશે. માટે, પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. પરમાત્માનું સ્વરૂપ સમજવું ઘણું અઘરું છે, માટે એ સમજવા સદગુરુનું શરણ મેળવવું જોઈએ. કોઈએ સાચે જ કહ્યું છે કે, “ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ચાહે બાંચલો ચારો વેદ”. ભક્તિમાં અર્પણબુદ્ધિ છે. ત્યાં પોતાની માન્યતા, સમજણ, ડહાપણ બધું છૂટી જાય છે અને જ્ઞાનીનું કહેલું સંમત થાય છે. 
  65. પ્રત્યેક સ્વયંબુધને ભગવાન માનું. જેને પોતે જાતે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે એવા જ્ઞાની પુરુષને સ્વયંબુદ્ધ કહેવાય. જેને ગુરુ વગર જ્ઞાનની – સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, જેને રાગ અને દ્વેષ પર વિજય મેળવ્યો છે, જેઓ વીતરાગ છે એ બધા જ સ્વયંબુદ્ધ. જેઓએ ચાર ઘાતી કર્મો – જ્ઞાનાવર્ણીય, દર્શનવર્ણીય, મોહનીય અને અંતરાય કર્મોનો નાશ કર્યો છે એવા દરેક અરિહંત પરમાત્માઓ સ્વયંબુદ્ધ હતા. સ્વયંબુદ્ધ અરિહંત પરમાત્માઓએ મોક્ષ મેળવેલ છે. માટે, પ્રત્યેક સ્વયંબુદ્ધ પરમાત્માને ભગવાન માનું. Think of each and every self awakened soul as God. પ્રવર્તમાન સમયમાં પણ જો કોઈ જ્ઞાની મળે તો શ્રદ્ધાપૂર્વક એમની કહેલી વાતમાં વિશ્વાસ રાખવો જોઈએ.
  66. તેને દિન પ્રતિ પૂજું. Worship Him. અગાઉ પરમાત્માની ભક્તિ કરવાનું કહ્યું અને હવે એ પરમાત્માની પૂજા કરવાનું કહેવામાં આવે છે. જ્યારે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા પ્રબળ બને પછી પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં ભક્તની વૃત્તિ રહે છે. આત્મલીનતા દશામાં રહી  ધ્યાનમાં રહેતા ભક્તો અહંકાર કરતા નથી, સમતા રાખે છે અને નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરી પરમાત્માને પૂજે છે. અને પૂજતા પૂજાતા એવા ભાવ કરે છે કે, “હે પ્રભુ! હું તારા જેવો બનું”. સાચી પૂજા પરમાત્માના ગુણોને જોઈ એવા ગુણ પ્રાપ્ત કરવા અંગેની છે. 
  67. વિદ્વાનોને સન્માન આપું. Respect erudite scholars. જેની પાસે પરમાત્મા અંગે, અને ધર્મ-શાસ્ત્રો અંગે સાચું અને વિશાળ જ્ઞાન છે એવા વિદ્વાનોને હંમેશા સન્માન આપવું જોઈએ. આવા જ્ઞાની પુરુષોને ઉત્તમ વ્યવસ્થા આપવી જોઈએ. જ્ઞાન થકી અન્ય જીવોને પણ પરમાત્માનો માર્ગ બતાવી શકાય જે પરોપકારનું કાર્ય છે. માટે વિદ્વાનોનું સન્માન કરવું જોઈએ.
  68. વિદ્વાનોથી માયા કરું નહીં. Never have worldly ties with erudite scholars. વિદ્યા અર્થે વિદ્વાનોની  ઉપાસના હોય. કોઈ સ્વાર્થવૃત્તિ હોવી ના જોઈએ. ગુરુ-શિષ્યનો સંબંધ નિષ્કામ (desireless) હોવો જોઈએ. 
  69. માયાવીને વિદ્વાન કહું નહીં. Never accept a deceptive person as an erudite scholar. જ્ઞાન હોય પણ ભૌતિક સુખ પામવા એનો ઉપયોગ કરતા હોય, પૈસા કમાવવા એનો ઉપયોગ કરતા હોય, શાસ્ત્રો વિરુદ્ધનું આચરણ હોય, તો એવા જ્ઞાનીને ગુરુપદ આપવું ના જોઈએ. જેના હૃદયના ભાવ અને વાણી બંને અલગ હોય, તેવા લોકોને જ્ઞાન હોય છતાં ગુરુપદે સ્થાપવા ના જોઈએ. કારણકે આવા લોકો છેતરપિંડી કરતા હોય છે. માટે આવા માયાવીને વિદ્વાન કહું નહીં.
  70. કોઈ દર્શનને નિંદું નહીં. Never condemn any other faith. દરેકને પોતાના સ્વ-આત્મકલ્યાણઅર્થે  પોતાના ધર્મ અને એના સિદ્ધાંતોનું પાલન કરવા દેવું જોઈએ. આપણે અન્ય કોઈ ધર્મની કે એના સિદ્ધાંતોની કે એની માન્યતાઓની નિંદા કરવી જોઈએ નહીં. આપણને જે યોગ્ય લાગે તે પ્રમાણે અરિહંત પરમાત્માએ  પ્રબોધેલ જૈન ધર્મનું પાલન કરવું જોઈએ.
  71. અધર્મની સ્તુતિ કરું નહીં.Never praise those actions of conduct which are contrary to scriptures. શાસ્ત્રો વિરુદ્ધનું કોઈનું પણ વર્તન હોય તો એના વખાણ ના કરવા જોઈએ. શાસ્ત્રોમાં કહ્યા  મુજબ જીવવું એ ધર્મ. ધર્મનો બીજો અર્થ છે કરુણા. ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ આત્મ-સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું તે ધર્મ છે. આપણે પણ ખુશીથી અને જીવવું અને બીજાને પણ જીવવા દેવા તેને ધર્મ કહેવાય. બધા જ લોકો શાંતિ અને સુખેથી જીવન પસાર કરવા માંગે છે અને દુ:ખને દૂર કરવા માંગે છે પરંતુ કોઈને પણ તે ખબર નથી કે સુખ શું છે અને તેને કેવી રીતે મેળવી શકાય? ખરૂ સુખ એ આત્મ-સુખ છે – આપણી આંતરિક શાંતિમાં છે અને આંતરિક શાંતિ ચિત્તની વિકાર-વિહીનતામાં છે. ચિત્તની નિર્મળતામાં છે. આપણા ચિત્તની વિકાર-વિહિનતા જ ખરી રીતે સુખ શાંતિની અવસ્થા છે. જીવનમાં સાચી શાંતિ અને સાચુ સુખ તે જ ભોગવે છે જે નિર્મળ ચિત્તે જીવન જીવે છે. જે વ્યક્તિ જેટલો વિકારોથી મુક્ત રહે છે તે તેટલી સારી રીતે જીવન જીવવાની કળા જાણે છે. અને તે જ વ્યક્તિ સાચી રીતે ધાર્મિક પણ હોય છે. નિર્મળ ચિત્તનું આચરણ કરવું તે જ ધર્મ છે. આની અંદર જે વ્યક્તિ જેટલો નિપુણ છે તે તેટલો જ ધાર્મિક છે. જે લોકોનું આચરણ ધર્મ વિરુદ્ધનું હોય એવા લોકોની પ્રશંસા ના કરવી જોઈએ.
  72. એકપક્ષી મતભેદ બાંધુ નહીં. Do not create unilateral differences. જૈન ધર્મ એનેકાંતવાદ નું સમર્થન કરે છે. એકને જે દેખાય કે સમજાય તે બીજાને દેખાતું કે સમજાતું નથી. એટલે, જોનાર અને ન જોનાર, સમજનાર અને ન સમજનાર, બધા શું ખોટા છે? જ્યાં સુધી જગતનું અસ્તિત્વ છે, ત્યાં સુધી મતભેદો રહેવાના જ. વિશ્વનું અસ્તિત્વ વિસંવાદના કારણે જ ગતિશીલ રહ્યું છે. જો “સંવાદ” સ્થપાઈ જાય તો ગતિ અટકી જાય. મતભેદો અને મતમતાંતરો જેમ અનાદિઅનંત છે, તેમ તે સાથે “સાચું” શું છે એ જાણવાની માનવીની જીજ્ઞાસા પણ અનાદિઅનંત છે. આપણે જે કંઈ પણ સમજીએ અથવા માની લઈએ એ બધું સતર્ક, સુતર્કયુક્ત, દાખલા દલીલો સાથે સુસંગત હોવું જોઈએ. દરેક વસ્તુને એકથી વધારે બાજુ હોય છે અને બધી તે તે દ્રષ્ટિએ ખરી હોય તેવો જૈન દર્શનનો વાદ  એટલે અનેકાંતવાદ. છ આંધળાઓ અને હાથીની વાર્તા જૈન ધર્મનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. દરેક આંધળાએ હાથીનું જે વર્ણન કર્યું એ અનુભવસિદ્ધ જરૂર છે પણ પૂર્ણ સત્ય નથી, માત્ર સત્યનો અંશ છે. આ કદાગ્રહી જ્ઞાન છે. હું જ સાચો એવો નયાભાસ છે. માટે, એકપક્ષી મતભેદ બાંધવા જોઈએ નહીં.
  73. અજ્ઞાન પક્ષને આરાધું નહીં. Never have feeling of profound love and admiration for those who do not have true knowledge. જ્યાં જ્ઞાનનો અભાવ છે, ત્યાં સત્ય હોઈ શકે નહીં. પૂર્ણ સત્ય તો પરમાત્માની વાણી છે. જેની પાસે પૂરતું જ્ઞાન નથી, તે શું શીખવી શકે? અને માટે જ કહ્યું છે કે, અજ્ઞાન પક્ષને આરાધું નહીં. 
  74. આત્મપ્રશંસા ઈચ્છું નહીં. Never indulge in self praise. દરેકને પોતાના વખાણ ગમતા હોય છે. આત્મપ્રશંસાને કારણે અહંકાર પેદા થાય છે. અને અહંકાર માનવીનું પતન કરે છે. પોતાની ટીકા સાંભળતા શીખો. જે લોકો ટીકા સાંભળી શકતા નથી, તે લોકો પોતાને નુકસાન કરે છે.
  75. પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. Do not be negligent in any act. કોઈપણ કાર્ય ધ્યાનપૂર્વક કરવું જોઈએ. બેદરકારી રાખવી ના જોઈએ. તર્ક-વિતર્કમાં સમય વિતાવવો ના જોઈએ. કર્તવ્યની ઉપેક્ષા ના કરવી જોઈએ.
  76. માંસાદિક આહાર કરું નહીં. Do not eat meat. માંસાદિક એટલે માંસાહાર, જે હિંસાનું સીધું પરિણામ છે. બીજું, કે માંસાહાર માનવીને હિંસક બનાવે છે. જ્યાં દયા નથી, ત્યાં હિંસા છે. માટે, જ્યાં માંસાહાર આરોગવામાં આવતો હોય કે બનાવવામાં આવતો હોય એવી જગ્યાએ જવું જોઈએ નહીં. માંસાહારમાં ઈંડાનો પણ સમાવેશ થાય છે. તમામ અભક્ષ્ય ભોજન, માંસાહાર જેવું જ માનવું. હૃદયમાં દયા રહેવી જોઈએ અને જે હૃદય દયાથી ભરપૂર હોય, એ હિંસાથી દૂર રહે. Meat is bad for human body. Humans are natural vegetarians and meat consumption harms them. માનવ શરીર માટે માંસાહાર ખરાબ છે. મનુષ્યો કુદરતી રીતે શાકાહારી છે. અને માંસાહાર મનુષ્યોને નુકસાન કરે છે.
  77. તૃષ્ણાને સમાવું. Contain craving. ઈચ્છા કે વાસના કે તીવ્ર કામાદિક ઈચ્છા એટલે તૃષ્ણા. માનવી દરેક વસ્તુ પામવાની ઈચ્છા રાખતા હોય છે. એને વાસના હોય છે. લોભ અને ક્રોધ પણ વાસનાના પરિણામ છે. જે લોકો વાસના પર વિજય મેળવ્યો હોય તે લોકો જ સુખ પામી શકે. માણસ ધાર્મિક ત્યારે જ બને જ્યારે એ પોતાની વાસનાવૃત્તિ પર કાબુ મેળવી શકે. ઉપવાસ કરવો હોય તો ખાવા પીવાની તીવ્ર ઈચ્છા પર કાબુ જરૂરી છે અને એ હોય તો જ ઉપવાસ સંભવે.
  78. તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. It is wise to become free from troubles. આધિ એટલે mental trouble or anxiety, વ્યાધિ એટલે disease અને ઉપાધિ એટલે worldly troubles. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણે સંસારમાં રોજ નવા દુઃખનું કારણ બને છે. કારણકે એ માનવીને વ્યાકુળ (disturbed) બનાવે છે, મન એમાં પરોવાયેલું રહે છે અને સતત દુઃખનો અનુભવ થાય છે. જે આ હકીકત સમજે એ મનોજ્ઞ (agreable) છે અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર રહે. જે આ ત્રણ તાપ (મુશ્કેલી)થી દૂર રહી શકે એના જીવનમાં જ શાંતિ હોય. માટે આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર રહેનાર જ સમજુ માનવ છે.
  79. તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. To be devoted to fulfil that desire. મનોરથ શું છે? આધિ, વ્યાધિ અને ઉપાધિ માંથી બહાર નીકળવાની જ ઈચ્છા છે. તો કશું પામવા, કશુંક તો કરવું જ પડે. તો અત્યારે કહેવામાં આવ્યું કે પરાયણ થાવ, committed બનો, dedicated બનો. જો આમ કરશો તો તમારી વ્યાકુળતાનો અંત આવી જશે.
  80. યોગ વડે હૃદયને શુક્લ કરવું. Purify the heart with yoga. આસન અને ધ્યાનના સાધન થકી મન, વચન અને કર્મ ના ત્રિવિધ યોગ દ્વારા શરીર પર સંયમ મેળવી અને આત્માને ઉજાગર કરી શકાય. Inner peace begins the moment you choose not to allow another person or event to control your emotions. (– Pema Chodron)
  81. અસત્ય પ્રમાણથી વાર્તાપૂર્તિ કરું નહીં. Don’t abet using false evidence. પોતાના ફાયદા માટે અસત્ય કે ખોટા સાધનોનો ઉપયોગ કરી અન્યને નુકસાન પહોંચાડીશ નહીં. આજે ખોટું કરવું, ખોટું બોલવું એ વ્યવહારમાં સામાન્ય થઈ ગયું છે. ખોટા પ્રમાણ ઉભા કરવા કે રજુ કરવા, એ ગંભીર ગુનો હોવા છતાં સામાન્ય રીતે પોતાના ફાયદા માટે એવા ગુના આચરી ને ખોટું કરવામાં આવે છે. ક્યારેય અસત્ય પ્રમાણનો ઉપયોગ કરવો ના જોઈએ. અને નીતિમય જીવન જીવવું જોઈએ.
  82. અસંભવિત કલ્પના કરું નહીં. Don’t imagine the inconceivable. આ જગત હતું, છે અને રહેશે. એને બનાવનાર કોઈ નથી. અર્થાત આ જગતનો કોઈ સર્જનહાર નથી. માટે, વિપરીત કલ્પના કરવી નહીં, કારણકે એવી કલ્પના સાચી માનવા કોઈ પ્રમાણ નથી. એવી તો કેટલીય ચર્ચાસ્પદ હકીકતો હશે જે તાર્કિક અને વાસ્તવિક રીતે અસંભવ લાગે છે, માટે એવી સંભવિત કલ્પના કરવી નહીં કારણ કે એમ કરવામાં ખોટા તર્ક સિવાય કશું જ મળતું નથી.
  83. લોક અહિત પ્રણિત કરું નહીં. Don’t do public harm. પોતાના અંગત સ્વાર્થ સાધવા એવું કશું જ ના કરવું જોઈએ જે સમસ્ત લોકો માટે નુકસાનકારક બને. “There are a lot of people who do not care about public interest. In fact, they always cater to their own self-interests.” (― Eraldo Banovac). સ્વાર્થને બાજુએ રાખી લોકહિતની વાત વિચારીએ.
  84. જ્ઞાનીની નિંદા કરું નહીં. Do not denounce the wise and prudent. બેન્જામિન ફ્રેન્કલીન સરસ વાત કહે છે, “Any fool can criticize, condemn and complain – and most fools do.” નિંદા કરવાનું કામ મૂર્ખ લોકોનું છે. જ્ઞાનીની નિંદા કરવાથી જ્ઞાન મેળવવાના સ્તોત્ર બંધ થઈ જાય. 
  85. વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. Let me also praise the virtues of the enemy. સામાન્ય રીતે જ્ઞાનીને મન કોઈ દુશ્મન હોતો નથી. છતાં, કોઈ વેરભાવ રાખે એમ બને. એવા વેરભાવ ધરાવનાર વ્યક્તિના ગુણ જોઈ, એની પ્રશંસા કરે એ જ સાચો જ્ઞાની. અને આપણે પણ આ જ શીખવાનું છે.
  86. વૈરભાવ કોઈથી રાખું નહીં. Don’t be hostile to anyone. આ દુનિયામાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવો. વેરનું વાવેતર કરવું નહિ. નાના-મોટા ઝગડાનું નિરાકરણ લાવવું જોઈએ. ના ફાવે તો ના બોલવું, પણ વેરભાવ વધારવા નહીં .
  87. માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. Help the parents for salvation of the soul. પોતાના માતાપિતાને ધર્મ પામવા માટે અને સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર યુક્ત ધર્મની આરાધનામાં સહાયરૂપ બનવું જોઈએ. કારણકે ધર્મ જ એમને કર્મોનો ક્ષય કરી મોક્ષ માર્ગે આગળ વધવા મદદરૂપ બનશે. 
  88. રૂડી વાટે તેમનો બદલો આપું. Honour them in the best possible way. માતાપિતાએ જન્મ આપ્યો છે, એમના ઘણા ઉપકાર છે. એ તમામ ઉપકારનો બદલો વાળવા, માતાપિતાની શુભ ઈચ્છાને માન આપવું જોઈએ અને એવી ઈચ્છાઓ પૂર્ણ કરવા મદદરૂપ બનવું જોઈએ.
  89. તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. Do not obey their false commands. માતાપિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. પણ જો એમની આજ્ઞા અધર્મયુક્ત, ગેરવ્યાજબી અને અન્યાયી હોય તો એનું પાલન કરવું જોઈએ નહીં. 
  90. સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તવું. Treat your spouse or partner with respect. જેની સાથે જીવન-રથ આગળ વધે છે એ પત્ની સાથે સમભાવથી વર્તવું જોઈએ, રાગદ્વેષ ઓછા થાય એમ વર્તવું જોઈએ. ધર્મના માર્ગે ચાલવું જોઈએ. 
  91. આ સ્થાને વાક્ય નથી. Left blank. ઉપરોક્ત તમામ વાક્ય અને અર્થ ફરીથી વાંચો, સમજો અને એ મુજબ વર્તવા પ્રયત્ન કરો.
  92. ઉતાવળો ચાલુ નહીં. Do not move in a quick or rushed manner.  ઉતાવળ સર્વનાશનું મૂળ છે. ઉતાવળથી ખુદને નુકસાન થાય. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. They tumble down who runs fast. ઉતાવળથી ચાલવાથી ક્યારેક પડી જવાય. સામાન્ય કામકાજમાં ઉતાવળે ચાલવાની ના પાડી છે, પણ તમે કસરતના ભાગરૂપે જો ઉતાવળે ચાલતા હોવ તો એ સામે વાંધો નથી. પણ ઉતાવળે ચાલવાની કુટેવ ના હોવી જોઈએ. ક્યારેક ઉતાવળે ચાલવાથી પગ નીચે જીવ-જંતુ આવી જાય અને જીવ-હિંસાનો દોષ લાગે.
  93. જોસભેર ચાલુ નહીં. Do not go at high speed. વેગમાં ચાલવાથી ક્યાંક અથડાઈ જવાય અને મોટું નુકસાન થઇ શકે. એક દોડવીર જ્યારે દોડે છે, ત્યારે એની ગતિ ખૂબ જ હોય છે. અને વૈજ્ઞાનિક સત્ય છે કે જેટલો આઘાત હોય એટલો જ પ્રત્યાઘાત હોય છે. દોડવું અને ચાલવું એ બંને ક્રિયામાં ફરક છે અને તે સમજો. 
  94. મરોડથી ચાલુ નહીં. Do not exhibit coquetry while walking. ઘણા લોકો અન્યોનું ધ્યાન આકર્ષિત કરવા અલગ રીતે ચાલે, ખરાબ હાવભાવ પ્રદર્શિત કરે, નખરાંબાજી કરે. સરળ ભાષામાં ચેનચાળો કહેવાય. અંગ્રેજીમાં flirtatious behaviour કહેવાય. એને practised coquetry પણ કહેવાય. આવી વર્તણૂક સંસ્કારી લોકો કરતા નથી.  
  95. ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરું નહીં. Do not  get dressed with inappropriate clothes. સામાજિક મર્યાદાઓનો ભંગ થાય એવા વસ્ત્રો પહેરવા ના જોઈએ. તારણકુંડમાં જે કપડાં પહેરવાના હોય, એ પહેરી સામાજિક પ્રસંગમાં, કે ધંધાના કામે કે ધાર્મિક સ્થળોમાં ના જવાય. આપણી સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. Formal wear અને Business casual વસ્ત્રો પણ સામાજિક મર્યાદા અને નીતિનિયમ મુજબના હોવા જોઈએ. દરેક સમાજનો વણલખ્યો Dress code હોય છે, જે સામાજિક ધારણાઓ અને ધારાધોરણો પ્રમાણે હોય છે. આજે ધાર્મિક સ્થળોમાં બોર્ડ પર લખવામાં આવે છે કે અમુક પ્રકારના વસ્ત્રો પહેરનારને જ પ્રવેશ મળશે. આવું સંસ્થાઓએ કેમ લખવું પડે છે તો કારણ માત્ર એવું છે કે લોકો મર્યાદા સમજતા નથી અને  ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરે છે. મને યાદ છે અમે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો વગેરે સ્થળો જોઈ પરત થઈ રહ્યા હતા. રસ્તામાં  ચિનો હિલ્સ, લોસ એન્જેલસ (અમેરિકા) સ્થિત સ્વામિનારાયણ મંદિર જોવા ગયા હતા. મેં Tee shirt અને short trousers પહેર્યા હતા. મંદિરમાં પ્રવેશ મેળવવા માટે એ કપડાં યોગ્ય ના હતા, માટે મંદિર તરફથી ત્યાં મૂકવામાં આવેલ ધોતી short trousers ઉપર પહેરીને પ્રવેશ મેળવ્યો હતો. ધાર્મિક સ્થળમાં મર્યાદાવાળા કપડાં પહેરીને જ પ્રવેશવું જોઈએ.અને આપણે મર્યાદા અને નીતિનિયમ ને માન આપવું જોઈએ. 
  96. વસ્ત્રનું અભિમાન કરું નહીં. Don’t be proud of the dress. બીજા કરતાં મોંઘા અને નવી ફેશનના વસ્ત્ર ધારણ કરી જે લોકો પાસે એવા વસ્ત્રો નથી એમની સામે અભિમાન બતાવવું ના જોઈએ. કપડાં મુખ્યત્વે શરીર ઢાંકવા માટે છે. કપડાં આપણા શરીરનું રક્ષણ કરે છે, માટે વાતાવરણ મુજબના કપડાં હોવા જોઈએ. કપડાં ઓળખ છે. એક સાધુને એને  પહેરેલા કપડાં પરથી  ઓળખી શકાય છે. સમાજ દ્વારા સ્થાપિત શિષ્ટાચારની સંહિતા અનુસાર શરીરને ઢાંકવું જોઈએ. કપડાં પરથી માણસની નમ્રતા જાણી શકાય છે. 
  97. વધારે વાળ રાખું નહીં. Do not keep long hair. આ વાક્ય પુરુષોને લક્ષમાં રાખીને લખવામાં આવ્યું હશે. ધાર્મિક અને સામાજિક શિસ્ત મુજબ વાળની લંબાઈ હોય છે. પુરુષોએ વધુ લાંબા વાળ રાખવા ના જોઈએ. સમાજ દ્વારા સ્થાપિત શિષ્ટાચારની સંહિતા અનુસાર વાળની લંબાઈ રાખવી જોઈએ. જૈન સાધુઓ લોચ (plucking the hair with one’s own hand) કરે છે. 
  98. ચપોચપ વસ્ત્ર સજું નહીં. Never dress in tight clothes. ચુસ્ત કપડા પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તંદુરસ્તી બગડે છે. એક નમ્ર, શરમાળ  અને શાંત સ્ત્રી શરીરના ભાગોને ખુલ્લા પાડે, શરીર ના વળાંકો (curves) સ્પષ્ટ દેખાય એવા કપડાં પહેરશે નહીં. કપડાં શરીર ઢાંકવા માટે છે, શરીરના પ્રદર્શન માટે નથી. કપડાં પોતાના રક્ષણ માટે છે, દેખાવ કરવા માટે નહીં. અને ધાર્મિક સ્થળોમાં જતી વખતે તો આવા ચપોચપ વસ્ત્ર પહેરવા જ ના જોઈએ. ફેશનના નામ પર સંસ્કારને ભૂલી ના જવાય.
  99. અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. Do not wear unwashed clothes. અપવિત્ર એટલે ગંદા. ગંદા કપડા માં બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો હોય છે, પરસેવો લાગવાથી એમાં પરસેવાની વાસ હોય છે. કોઈના પહેરેલા વસ્ત્રો પણ જો ધોયેલા ના હોય તો અપવિત્ર જ કહેવાય. આ ઉપરાંત દર્દી જે વસ્ત્રો, ટુવાલ કે ચાદર વગેરે વાપરે તે પણ અપવિત્ર જ કહેવાય. મૃતકના શરીર પર ઢાંકવામાં આવે તે કપડું પણ અપવિત્ર જ કહેવાય. અપવિત્ર ચીજ-વસ્તુ વાપરવાથી ગંદકી ફેલાય છે, દુર્ગંધ મારે છે અને ચામડીના રોગ ફેલાવે છે. માટે, અપવિત્ર કે ગંદા વસ્ત્રો વાપરવા નહીં. આજકાલ મોલમાં ખરીદી કરવા જતા લોકો જે કપડું ગમે એને ટ્રાયલ રૂમમાં જઈ ટ્રાય કરે, અને પછી ના ગમે તો એને ત્યાં જ છોડી દે છે. એક જ કપડું કેટલાય લોકો ટ્રાય કરે આમ એનાથી પણ રોગ ફેલાય છે. ઘણા લોકો પૂજાની જોડી પણ મહિના સુધી ધોતા નથી, પરિણામે ખુબ જ ગંદી વાસ આવે છે અને આમ વાતાવરણમાં ગંદકી ફેલાય છે.
  100. ઊનના વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. Try to wear woolen clothes. શિયાળાના અંત પછી, પશુપાલન કરનારા પોતાના ઘેંટા પરથી ઊન  ઉતારે છે. ત્યારપછી, carding, spinning, weaving, knitting અને dyeing પ્રક્રિયા કરી ઊનનું કપડું મેળવે છે. ઊનના રેસામાં છિદ્રો હોય છે, જેમાં હવા ભરાયેલી રહે છે.  ઊન અને હવા બંને અવાહક છે, માટે શિયાળામાં ઊનના બનેલા વસ્ત્રો ઠંડી સામે રક્ષણ આપે છે.

ખબર નથી

હું છું ભણેલો અભણ,
મને ભણેલો ના ગણ .

વહેવારની નથી જાણ,
કે તહેવારની નથી જાણ.

સમાજથી પણ છું અજાણ,
ને સમસ્યાઓથી છું અજાણ.

નથી મારી આગવી પિછાન,
કરવી છે મારે જાણપિછાણ.

લાગે છે શરમ કહેતા તું ગમે છે,
જોઈ મને નજર બદલી તું રમેં છે.

ખબર નથી સાચી, શું ગમે છે મને.
તું કે તારું રૂપ, ખબર નથી મને.

- જયેશ નીલમ શાહ  (રચના તા. 6/5/2018, સુરત)

હસતા રહીએ…

જીવનકલહ છે દુષ્કર, પણ હસતા રહીએ.

સમસ્યાઓ છે અનેક, પણ હસતા રહીએ.

 

સમજશે નહિ કોઈ તમને, હસતા રહીએ,

સાંભળશે નહિ કોઈ તમને, હસતા રહીએ.

 

લેશે નહિ કાળજી તમારી, હસતા રહીએ,

જાતે સુધારો બાજી તમારી, હસતા રહીએ.

 

સુખમાં આવશે ઘણા, પણ હસતા રહીએ,

દુઃખમાં કોઈ નહિ આવે પાસ, હસતા રહીએ.

 

ફરિયાદ કરવાનો નથી ફાયદો, હસતા રહીએ.

ફરી ફરીને યાદ કરો – જીવનમાં હસતા રહીએ.

 

 

. – જયેશ નીલમ શાહ      (રચના તા . ૨/૭/૨૦૧૮, સુરત)

ચાડીકો

જોયા મેં ચાડીકોને ખેતરમાં ઉભેલા,

ડરી એનાથી અનેક વિહંગ દુર રહેલા.

 

ભૂખ્યા વિહંગ થોડું ચણવા માંગતા હતા,

ભાગ્યા જોઇને પેલા ચાડીકોની નિ:સ્નેહતા.

 

હતો આકાર માનવી જેવો, પણ હતો જડ,

પવનથી ઝૂલતું એનું વસ્ત્ર, લાગતો સજડ.

 

હતી માનવીની એ ચાલાકી, કેમ સમજે વિહંગ ભોળું?

કપટી માનવીને ના સમજી શક્યું એ વિહંગ વીસરભોળું.

 

રહ્યા વિહંગ અને બાળ બિચારા એના ભૂખ્યા એ રોજ,

નાંખ ચણ ધાબા પર રોજ , ના રહે વિહંગ ભૂખ્યા રોજ.

 

– જયેશ નીલમ શાહ        (રચના તા . ૧/૭/૨૦૧૮, સુરત)

એક-બીજાને ગમતા રહીએ….

ચાલો નક્કી કરીએ, એક-બીજાને ગમતા રહીએ,

રોજ નહિ તો, મહીને-દિવસે એક-બીજાને મળતા રહીએ.

 

મળીને એક-બીજાને, થોડી ફરિયાદો કરતા રહીએ,

થાય મીઠા ઝગડા તો પણ થોડા દિવસે કરતા રહીએ.

 

સાંભળી એક-બીજાને, પ્રયત્ન સમજવાનો કરતા રહીએ,

ના સમજાય તર્ક બીજાનો તો પણ વિશ્વાસ કરતા રહીએ.

 

કટુ-વચન ક્યારેય એક-બીજાને ના કહેતા રહીએ,

સત્ય સમજાવવા મૃદુ-ભાષામાં વાત કરતા રહીએ.

 

નારાજ થયેલા આપણા પોતાનાને મનાવતા રહીએ,

આવો, જીવનનો નવો અધ્યાય રોજ શીખતા રહીએ.

 

ચાલો, મળીને રોજે-રોજ એક-બીજાને ગમતા રહીએ,

ચાલો, જોઇને રોજે-રોજ એક-બીજાને ગમતા રહીએ….

 

– જયેશ નીલમ શાહ        (રચના તા . ૭/૫/૨૦૧૮, સુરત)

ખબર નથી….

હું છું ભણેલો અભણ,

મને ભણેલો ના ગણ.

 

વહેવારની નથી જાણ,

કે તહેવારની નથી જાણ.

 

સમાજથી પણ છું અજાણ,

ને સમસ્યાઓથી છું અજાણ.

 

નથી મારી આગવી પિછાન,

કરવી છે મારે જાણપિછાણ.

 

લાગે છે શરમ કહેતા તું ગમે છે,

જોઈ મને નજર બદલી તું રમે છે.

 

ખબર નથી સાચી, શું ગમે છે મને,

તું કે તારું રૂપ, ખબર નથી મને…

 

– જયેશ નીલમ શાહ        (રચના તા . ૬/૫/૨૦૧૮, સુરત)

માં

માં મારી મરી ગઈ, મમતા સાથે લઇ ગઈ

છોડી મુજને નિસહાય એ એકલી ચાલી ગઈ.

 

સંસ્કારનું સિંચન કરનાર માળી ગયો એકલો,

ઝઝૂમવા અસંસ્કારીઓ સામે મૂકી મને એકલો.

 

યાદ કરું એ વિધવાએ કેવી રીતે કર્યો મોટો,

જગતમાં કોઈ દેવ નથી “મારી માં” થી મોટો.

 

કહેતી હંમેશ એ સિંચન કરો પ્રેમ, કરુણા ને સંસ્કાર,

ઉતારી જીવનમાં એની શીખ, પામ્યો હું સુ-સંસ્કાર.

 

માં, તું નથી મેં ગુમાવ્યો એક સાથી, એક માર્ગદર્શક,

કેમ, સ્થાન તુજનું પુરવા નહી  છોડ્યા તેં પથદર્શક?

 

જાણું છું કે આ દુનિયામાં કોઈ નથી સ્થાન લેનાર તારું માં

અરે! ભગવાને પણ આવવા આ દુનિયામાં જોઈએ એક માં.

 

જયેશ નીલમ શાહ

સુરત

તા – ૮/૩/૨૦૧૭

(બહેન રોશનીએ માં અંગે એક વોટ્સએપ પોસ્ટ મોકલી એ સંદર્ભે મેં રચેલી કૃતિ)